
જ્ઞાનસેતુ સ્કૂલમાં શિક્ષકના કેટલાક સંગઠનોનો વિરોધ બાદ વિપક્ષ જાગ્યું
– જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ કરીને ધોરણ 1 થી 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ મફત આપી સરકારી શાળાઓને સરકાર શિક્ષણ વ્યવસ્થાને વધુ ને વધુ શ્રેષ્ઠ અને સશક્ત બનાવે તેવી માગણી
સુરત,તા.11 એપ્રિલ 2023,મંગળવાર
સુરત પાલિકા અને શિક્ષણ સમિતિના વિરોધ પક્ષે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને પત્ર લખીને જ્ઞાનશક્તિ અને જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ કરીને ધોરણ 1 થી 12 સુધીના શ્રેષ્ઠ શિક્ષણ મફત આપી સરકારી શાળાઓને સરકાર શિક્ષણ વ્યવસ્થાને વધુને વધુ શ્રેષ્ઠ અને સશક્ત બનાવે તેવી માગણી કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સરકારી શિક્ષણ-વ્યવસ્થાને ખતમ કરતો અને શિક્ષણનું ખાનગીકરણ ને ઉત્તેજન આપતા ‘જ્ઞાનસેતુ પ્રોજેક્ટ’ છે તે બંધ કરી દેવો જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનસેતુ અને જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ જાહેર કર્યા બાદ કેટલાક શિક્ષક સંગઠન વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટના કારણે સરકારી સ્કૂલો બંધ કરવી પડશે અને ખાનગી શિક્ષણને પ્રોત્સાહન મળશે તેવી ફરિયાદ થઈ રહી છે. કેટલાક સંગઠન દ્વારા ફરિયાદ મળ્યા બાદ સુરત પાલિકા અને શિક્ષણ સમિતિનો વિપક્ષ સફાળો જાગ્યો છે અને તેઓએ પણ આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો છે અને પ્રોજેક્ટ બંધ કરવાની માગણી કરી છે.
પાલિકા શિક્ષણ સમિતિનો વિરોધ પક્ષે સરકારને પત્ર લખી જણાવ્યું છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલ ‘જ્ઞાનસેતુ-જ્ઞાનશક્તિ’ શાળા બાબતનો ઠરાવ બંધારણની આ બંને કલમથી તદ્દન વિપરીત દિશામાં છે. આ ઠરાવ શિક્ષણનું વ્યાપારીકરણને ઉત્તેજન આપનારો, સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરનાર અને શિક્ષણનું અહિત કરનારો આ ઠરાવ છે.
ઠરાવ મુજબ હવે સરકાર સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના બાળકોને ધોરણ 5 પછી એટલે કે ધોરણ 6 થી ‘જ્ઞાનસેતુ/જ્ઞાનશક્તિ’ સ્કૂલ નામે ઉભી થનારી શાળામાં મોકલશે અને આ ‘જ્ઞાનસેતુ/જ્ઞાનશક્તિ’ સ્કૂલનું સંચાલન સરકાર નહી પણ કોઈ ખાનગી સંસ્થા કરશે અને સરકારે ખાનગી સંસ્થાને જ્ઞાનસેતુ શાળા ચલાવવા માટે બાળક દીઠ વાર્ષિક 20,000 રૂપિયા ચૂકવશે. દરેક તાલુકા સ્તરે ઓછામાં ઓછી એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરૂ કરવામાં આવશે. આખા રાજ્યમાં 400 જ્ઞાનસેતુ શાળાઓ અને 75 જ્ઞાનશક્તિ શાળાઓ ઉભી કરવાનું સરકારનું લક્ષ્ય છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સરકારે ઠરાવ તો કરી દીધો, હમણાં 27 એપ્રિલે પ્રવેશ પરીક્ષા પણ લઇ લેશે અને ઉઘડતા સત્રથી શાળાઓ શરૂ પણ કરી દેશે પણ આ શાળાઓ છે ક્યાં ? સરકાર શાળાઓ તો બતાવે. શાળા કેટલી દૂર છે ? શું શું સુવિધા છે ? શિક્ષકો કેવા છે ? એમની લાયકાત શું છે ? સરકાર કેટલા વર્ષો સુધી આ પ્રોજેક્ટ ચલાવશે ? જ્ઞાનસેતુનો વિશિષ્ટ અભ્યાસક્રમ ક્યાં ? પાઠ્યપુસ્તક ક્યાં ? તાલીમ ક્યાં ? માત્ર જાહેરાતથી બધું થઈ જશે ? ભવિષ્યમાં સરકાર પ્રોજેક્ટ બંધ નહીં કરી દે એની શું ખાતરી ?
RTEના કાયદા અનુસાર પ્રાથમિક શાળાના બાળકોની પ્રવેશ પરીક્ષા લઈ શકાય નહીં તેમ છતાં આ ઠરાવ દ્વારા હવે ધોરણ-6માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને એ પરીક્ષામાં મેળવેલા ગુણ મેરીટના આધારે ‘જ્ઞાનસેતુ/જ્ઞાનશક્તિ’ સ્કૂલમાં ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવશે. જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં બાળકોને મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ જેવી ઘણી સરકારી સહાય નહીં મળે.
તેઓએ ચીમકી આપતા કહ્યું છે કે, ‘જ્ઞાનસેતુ/જ્ઞાનશક્તિ’ એ સરકારી શિક્ષણ-વ્યવસ્થાને ખતમ કરીને ખાનગી કંપનીઓના હાથમાં શિક્ષણને વેંચી દેવાનું સરકારનું ષડયંત્ર છે. જો સરકાર ખાનગીકરણને ઉત્તેજન આપતાં આવા નિર્ણયો પાછા નહી લે તો આમ આદમી પાર્ટી લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.