
જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ થતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેર તેમજ તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નદી નાળાઓમાં પૂર આવ્યું છે. તો કેશોદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક ગામમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ, ઘરવખરી, માલઢોર, વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જિલ્લાના કેટલાક હાઈવે બંધ થયા છે. તેમજ અનેક લોકો ફસાયા છે. એમ્બ્યુલન્સ-રેસ્કયૂ ટીમને પણ પહોચ્યું મુશ્કેલ બન્યું છે.
રસ્તાઓમાં નદીઓની જેમ પાણી વહ્યું
જૂનાગઢ શહેરના મધુરમ, ટીંબાવાડી ,કાળવા ચોક, આઝાદ ચોક મજેવડી ગેટ, સાબલપુર ચોકડી, દોલતપરા સહિત વિસ્તારોના રસ્તાઓમાં નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. ગિરનારમાં સવારથી જ ભારે વરસાદ પડવાના કારણે વિલીંગ્ડન ડેમ, નદી, નાળા ઝરણાઓ છલકાયા છે. ગિરનાર અને દાતાર પર ધોધમાર વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા છે. સોનરખ નદી પણ વહેતી થઈ છે. તેમજ દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

માંગરોળ, કેશોદ અને માળિયા હાટીનામાં જળબંબાકાર
તાલુકાઓની જો વાત કરવામાં આવે તો માંગરોળ, કેશોદ અને માળિયા હાટીનામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માંગરોળમાં ચાર કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વિકટ પરિસ્થિતિ ઉદ્દભવી છે. માંગરોળ, કેશોદ વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. વરસાદના લીધે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. નદી નાળાઓ છલકાયા છે. વરસાદને કારણે માંગરોળ રોડ બંધ થયો હતો. ત્યારે પ્રસુતિ માટે એક મહિલાને વેરાવળ-ગડું રોડ ઉપર એમબ્યુલન્સ મારફતે લઈ જવાની ફરજ પડી હતી. આ મહિલાને વધુ સારવાર માટે કેશોદ ખસેડવામાં આવી હતી.

માંગરોળથી સોમનાથનો રસ્તો બંધ
માંગરોળથી કેશોદ અને માંગરોળથી સોમનાથ જવાનો રસ્તો પણ બંધ થયો છે. રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. માંગરોળ તાલુકાના રુદલપુર ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જેથી લોકો પણ વિગત પરિસ્થિતિમાં મુકાયા છે.

વોકળાંમાં પૂર આવતાં બે યુવાનો ફસાયા
કેશોદ શહેરમાં સવારથી મેઘમહેર યથાવત છે. કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉતાવળિયા વોકળામાં ઘોડાપૂર આવતા જીવના જોખમે રાહદારીઓ પસાર થતાં જોવા મળ્યા હતા. આ વોકળાંમાં અચાનક પૂર આવતાં બે બાઈક સાથે યુવાનો ફસાયા હતા, જોકે, બંને બાઈક ચાલકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. કેશોદના સિલોદર ગામના પુલ પર વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓને ગામ લોકોએ રસી વડે જીવના જોખમે બહાર કાઢ્યા હતા.

સિલોદર ગામનો પૂલ તૂટ્યો
કેશોદના સિલોદર ગામનો (ખારા) પૂલનો એક બાજુનો ભાગ તૂટ્યો હતો. જેથી સિલોદરથી કેશોદ તરફનો રસ્તો પણ બંધ થયો છે. તંત્રને પુલને લઈ આઠ દિવસ પહેલા ગામ લોકોએ રજૂઆત પણ કરી હતી. કેશોદના પાણાખાણ, રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને અહીં રેવદ્રા ગામમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોની મદદથી લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. રેવદ્રા ગામમાં ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ, ઘરવખરી, માલઢોર અને વાહનો પાણીમાં ગરકાવ થયા છે.









