ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ સહકારી બેંક ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતને રાષ્ટ્રીય સ્તરે આયોજિત “ભારત રત્ન સહકારિતા સન્માન – 2026” અંતર્ગત ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના લખનૌ શહેર ખાતે આવેલ હોટેલ રામાડા એન્ડ કન્વેન્શન સેન્ટરમાં તા. 05 થી 07 જૂન, 2026 દરમિયાન યોજાયેલા આ રાષ્ટ્રીય સ્તરના સમારોહમાં બેંકને શિડ્યુલ્ડ અર્બન કો-ઓપ. બેંકની કેટેગરીમાં “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” મળી કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ્સ બેંક દ્વારા છેલ્લા ત્રણ દાયકામાં સભાસદો, ગ્રાહકો અને સમાજને આપવામાં આવેલી ગુણવત્તાસભર બેંકિંગ સેવાઓ, ડિજિટલ બેંકિંગ ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયાસો તથા આધુનિક ટેક્નોલોજીના સફળ અમલીકરણની રાષ્ટ્રીય સ્તરે થયેલી નોંધ અને માન્યતાનું પ્રતિબિંબ છે.
તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકને “Scheduled Bank” નો દરજ્જો પ્રાપ્ત થયો છે, જે બેંકના વિકાસયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થયું છે. તે પછી ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાપ્ત થયેલા આ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ્સ બેંક માટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
આ એવોર્ડ સમારોહમાં બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા તેમજ IT મેનેજરશ્રી કેતનભાઈ ભાલાળા ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યા હતા.
વરાછા કો-ઓપ. બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ જણાવ્યું હતું કે, બેંક ₹ 7000 કરોડ થી વધુના બિઝનેસ સાથે ઉતરોતર પ્રગતિ કરી રહી છે ત્યારે બેંક ગ્રાહકો માટે હંમેશા ડિજિટલ બેંકિંગ સુવિધાનો વ્યાપ વધારવા માટે સકારાત્મક અભિગમ દાખવી કાર્ય કરતી રહશે. આ એવોર્ડનો શ્રેય બેંકના તમામ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ અને સ્ટાફ મિત્રો ને જાય છે. તેમની નિષ્ઠાપૂર્વક કામગીરીના પરિણામ સ્વરૂપે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વધુમાં જણાવ્યું કે, બેંક ભવિષ્યમાં પણ નવીનતા, પારદર્શિતા અને શ્રેષ્ઠ ગ્રાહક સેવાના ધ્યેય સાથે સતત પ્રગતિના નવા શિખરો સર કરતી રહેશે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ બેંકના તમામ ડિરેક્ટર્સશ્રી, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ સભાસદ, ખાતેદાર અને સ્ટાફ મિત્રો ને હાર્દિક અભિનંદન પાઠવું છું…
