શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તારીખ ૨૯-૧૦-૨૦૨૬ ગુરુવારે યોજાયેલ ૧૮૩માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સહકાર એ આપણી સંસ્કૃતિ છે. પડોશી સાથેનો વાટકી વ્યવહાર એ સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા ખૂબ મહત્વની છે. શાહુકારોના શોષણમાંથી લોકોને મુક્ત કરવા અને આર્થિક રીતે પગ ભર કરવા ના આશયથી સહકારી મોડલ અસ્તિત્વમાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરા સ્ટેટમાં ૧૮૮૯ માં મંડળી બની હતી. સહકારી કાયદો બનતા ૧૯૦૪ થી તે વિવિધ રીતે ભારતની પ્રથમ નોંધાયેલી અન્યોન્ય મંડળી બની હતી.

વિકસિત ભારત ૨૦૨૭નું સ્વપ્ન સાકાર કરવાના રોડ મેપમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. ભારત આઝાદ થયું તે સમયે સહકારી સંસ્થાની જેટલી જરૂર હતી તેવી જરૂર આજે પણ છે. ભારતમાં આર્થિક વોલ્યુમ વૃદ્ધિ પામ્યો છે અને પામી રહ્યું છે. ત્યારે લોકોની સુખાકારીના આંક નીચે જાય છે સહકારી ક્ષેત્રમાં લોકોને આર્થિક રીતે અને સામાજિક રીતે પગભર કરવાની મોટી તાકાત છે તેમણે જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર પ્રવૃત્તિ નથી તે સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. અમુલ અને ઇફકોએ ભારતનું સફળ સહકારી મોડલ છે. અમુલ ફેડરેશન વાર્ષિક ૬૦,૦૦૦ કરોડનો વેપાર કરે છે. જ્યારે ઇફકો એ એક કોર્પોરેટ કંપની કરતા પણ વિશેષ આર્થિક વિકાસ કર્યો છે. અને સભાસદ મંડળીઓને ૨૦% ડિવિડન્ડ આપે છે. વાત સામાન્ય લાગે છે પરંતુ, આર્થિક રીતે ખૂબ ઊંડી અને મોટી અસર થતી હોય છે. સુરતમાં સુમુલ ડેરીને કારણે દરરોજ સવાર પડે અને આઠ કરોડ રૂપિયા શહેરમાંથી ગામડાના દૂધ ઉત્પાદકોના ખાતામાં જાય છે. આર્થિક અસમાનતા ઓછી કરવામાં સહકારી ક્ષેત્ર શ્રેષ્ઠ મોડલ છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિ એ માત્ર સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. પરસ્પર વિશ્વાસ, સમૂહ ભાવના અને નિસ્વાર્થ સેવાએ સહકારી ક્ષેત્રનો પ્રાણ છે. ખરેખર નાની શક્તિઓનું એકત્રકરણ તે નાના માણસોની મોટી તાકાત બને છે.

સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી નું અભિવાદન
સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તાજેતરમાં ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ એલાઇન્સના ડિરેક્ટર તરીકે ચુંટાતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી વિચારોના વાવેતર કાર્યક્રમમાં વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેઓ અમરેલી નજીકના માળીલા ગામના વતની અને વિદ્યાર્થી કાળથી નેતૃત્વના ગુણોને કારણે સામાજિક શૈક્ષણિક રાજકીય અને સહકારી ક્ષેત્રે તેઓનું નોંધનીય પ્રદાન છે. સહકારથી સમૃદ્ધિ વિષય ઉપર બોલતા તેમણે જણાવ્યું હતું કે, એક સશક્ત વિચાર સમગ્ર વિશ્વને બદલવાની તાકાત ધરાવે છે. યોગ્ય વિચાર પરિવર્તનનું બીજ છે. જે સમય જતાં સમાજ અને રાષ્ટ્રના વિકાસનું વટવૃક્ષ બની શકે છે. સહકારિતા એક કલ્પવૃક્ષ સમાન છે. સહકારિતાના માધ્યમથી સમાજના હિત માટે જે સકારાત્મક સંકલ્પ કરવામાં આવે, તેને સાકાર કરવાની અસીમ સંભાવનાઓ રહેલી છે. સહકાર સંઘર્ષને સંવાદમાં અને સ્પર્ધાને સામૂહિક પ્રગતિમાં પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. અમૂલની સહકારી ચળવળના પાયાના ઘડવૈયા અને સ્થાપક પ્રમુખ તરીકે ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલે સહકારી ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. ઇફ્કો અને ખેતી બેંક જેવી સહકારી સંસ્થાઓના વિકાસ સાથે જોડાયેલા સ્થાપક પ્રમુખ તરીકે ઉદય ભાણસીનું યોગદાન સહકારી ક્ષેત્રના સંદર્ભમાં નોંધપાત્ર રીતે યાદ કરવામાં આવે છે. વિચારને ક્યારેય નાનો કે નબળો ન ગણવો જોઈએ. એક નાનકડો વિચાર પણ યોગ્ય દિશા, દૃઢ સંકલ્પ અને સામૂહિક પ્રયાસો દ્વારા મોટું પરિવર્તન લાવી શકે છે.

આ પ્રસંગે ઇફકોના પૂર્વ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ રાદડિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરત, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ક્લબ અને સુરત ડાયમંડ એસોસિએશન, લોક સમર્પણ બ્લડ બેન્ક, સુ-સંસ્કારદીપ યુવા મંડળ, માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર તથા વિવિધ સંસ્થાઓ તરફથી દિલીપભાઈ સંઘાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દિલીપભાઈના વતન માળીલા ગામ પરિવાર તરફથી અગ્રણીઓએ દિલીપભાઈ સંઘાણીનું વિશેષ સન્માન કર્યું હતું.

રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ દિલીપભાઈ સંઘાણીને એક પીઢ નિષ્ઠાવાન અગ્રણી ગણાવ્યા હતા. તેઓના સહકારી ક્ષેત્રેના પ્રદાનની રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. ક્રિપકોનો વિકાસ તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતના સહકારીક્ષેત્રનું સફળ પ્રતિનિધિત્વ કરવા બાદ શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા ક્રેડીટ કો-ઓ સોસાયટીના અધ્યક્ષ ગીતાબેન સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી તથા સમાજના અગ્રણીઓ શ્રી દાસભાઈ ધામી, રવજીભાઈ રવાણી, શીવાભાઈ સવાણી તથા સંસ્થાના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગત ગુરૂવાર નો વિચાર હાર્દિકભાઈ ચાંચડે રજૂ કર્યો હતો. જ્યારે કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા અંકિત સુરાણીએ કર્યું હતું.
