
સુરત જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. આજરોજ વહેલી સવારથી જ માંગરોળ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજરોજ સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વહેલી સવારે વરસાદી ઝાપટા વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો હતો. જોકે ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા વરસેલા ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લાના જળાશયો હાલ ફરી જીવંત થયા છે. જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે.
હાલ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે
સમયસર અને સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. સુરત જિલ્લાના ખેડૂતો હાલ ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. સુરત જિલ્લામાં હાલ કપાસ, ડાંગર, બાગાયતી પાકોનું રોપણ શરૂ થઈ ગયું છે. તેમજ વરસાદના કારણે શેરડીના પાકમાં આવેલા સફેદ માખીના રોગનો જડમુળમાંથી નાશ થયો છે. આખું મેઘરાજા મહેરબાન રહે તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.