
આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકોને સૌથી વધુ કોઈ મુદ્દા ઉપર ઘેરવામાં આવ્યા હોય તો તે આરોગ્ય લક્ષી અને શિક્ષણને લઈને છે. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે અતિ મહત્વના મુદ્દાને લઈને દરખાસ્ત મૂકી છે. શાસકો વાહ વાહી મેળવવા માટે અને તેમના જ પક્ષના નેતાઓને આવકારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે તે કેટલો યોગ્ય છે.
શહેરીજનોએ 10 કરોડના ખર્ચને સારવાર કરાવી
સુરત મહાનગરપાલિકા અંતર્ગત હોસ્પિટલ તેમજ અલગ અલગ ઝોનમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. અંદાજે 70થી 72 જેટલા નાના-મોટા આરોગ્ય કેન્દ્રમાં લોકો નાની મોટી સારવાર લઈ રહ્યા છે. સુરત જેવા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આરોગ્ય લક્ષી સેવાઓ માટે ખાનગી હોસ્પિટલમાં જવાને બદલે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે. વર્ષ 2020-23માં જે વિગતો મળી રહી છે તે મુજબ સ્મીમેર હોસ્પિટલ દર્દીઓએ સારવાર લેવાના બદલામાં રૂપિયા 9 કરોડ જેટલી રકમ ચૂકવી છે. તેમજ આરોગ્ય કેન્દ્ર ઉપર 50 લાખ કરતા વધારે ના રૂપિયા ખર્ચીને આરોગ્ય સેવા મેળવી છે. સુરત મહાનગરપાલિકાનું બજેટ 7,800 કરોડ કરતાં પણ વધારેનું છે. ત્યારે માત્ર 10 કરોડ જેટલો અંદાજિત ખર્ચ થતો હોય તો શહેરીજનોને પાલિકાના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ઉપર વિના મૂલ્ય સારવાર કેમ આપવામાં આવી રહી નથી.
મારી દરખાસ્તને સર્વ સંમતિથી મંજૂર કરવી જોઈએ: કોર્પોરેટર
સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું કે, શહેરીજનોને વિનામૂલ્યે પાલિકાના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ઉપર વિનામૂલ્યે સેવા મળી રહે તેવી દરખાસ્ત કરી છે. હજારો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય લક્ષી સેવાઓ લેવા માટે એક વર્ષમાં દર્દીઓએ અંદાજે 10 કરોડ રૂપિયાનો જો ખર્ચ કર્યો હોય છે. તો આ તમામ આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય કેમ આપવામાં આવતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની એક મુલાકાત પાછળ 20થી 25 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. શું મહાનગરપાલિકાના શાસકોને માનસિકતા નથી કે તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં આવતા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય કરી દેવી જોઈએ. વડાપ્રધાનની આગતા વાગતામાં જે રૂપિયા ખર્ચવામાં આવે છે તેનાથી ત્રણ વર્ષ સુધી લોકોને વિનામૂલ્યે આરોગ્ય સેવા મળી શકે એમ છે. જેથી કરીને ઘણી બધી મુશ્કેલીઓમાંથી લોકો બહાર આવી શકે. કોઈપણ પ્રકારની રાજનીતિ વગર મારી આ દરખાસ્ત અને લોકહિત માટે મંજૂર કરવી જોઈએ.