
સુરતમાં હીરા ઉદ્યોગ સાથે લાખો લોકો સંકળાયેલા છે. હીરા ઉદ્યોગ મોટાભાગે વિદેશ સાથે સંકળાયેલો હોવાથી ત્યાંના દેશોમાં જે પણ સ્થિતિઓ ઊભી થતી હોય છે તેની અસર હીરા ઉદ્યોગ પર દેખાઇ છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હોવાથી ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે. રશિયાથી આવતી પાતળી રફ પર 50 ટકા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે. પરંતુ આ રફની આયાત ઘટી છે. બીજી તરફ અમેરિકાના માર્કેટમાં ખરીદી જ ઘટતા હવે રત્નકલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અમેરિકાનાં બજારમાં જ્વેલરીની ડિમાન્ડ ઘટી
આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે મહત્ત્વના દેશો વચ્ચે આર્થિક લડત શરૂ થઈ છે. તેમજ કેટલાક દેશો વચ્ચે ચાલતા યુદ્ધને કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે દરેક દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ હોવાનું નિષ્ણાતો પણ માની રહ્યા છે. જ્વેલરી માટેનું વિશ્વમાં સૌથી મોટું બજાર પૈકીનું એક અમેરિકા છે. પરંતુ અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી જ્વેલરી ખરીદનારો વર્ગ સુષુપ્ત અવસ્થામાં દેખાઈ રહ્યો છે.

30થી 35 ટકા હીરા અમેરિકા જાય છે
અમેરિકાની અંદર યુવા વર્ગમાં ડાયમંડ જ્વેલરી અને ખાસ કરીને હીરાજડિત વીંટી ખરીદવાનું ખૂબ જ આકર્ષણ છે. પરંતુ જ્વેલરી શો-રૂમમાં ખરીદીનું પ્રમાણ નોંધનીય રીતે ઘટ્યું છે. એક અંદાજ મુજબ સુરતથી 30થી 35 ટકા જેટલો માલ અમેરિકાનાં બજારમાં જાય છે. જો કે, હાલ મંદી હોવાથી ડિમાન્ડ આવી રહી નથી.

રશિયા-યુક્રેન યુદ્ધથી રફની આયાત ઘટી
અમેરિકા દ્વારા ચીન અને રશિયા ઉપર કેટલીક બાબતોને લઈને પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. જેને કારણે રશિયાથી જે રફ આવી હતી તેનું પ્રમાણ ઘટ્યું છે. ખાસ કરીને સોલીટર એટલે કે પોઈન્ટ 28ના હીરા આવે છે તે પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી. સુરતમાં સૌથી વધુ પાતળા હીરાઓને કટ એન્ડ પોલિશ કરવામાં આવે છે. પાતળા રફ ડાયમંડ આવતા ઓછા થતા સુરતના ઉદ્યોગ ઉપર તેની માઠી અસર દેખાવાની શરૂ થઈ છે.

દોઢ વર્ષથી અમેરિકામાં મંદી ચાલે છે
જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (JGEPC)ના પૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અમેરિકામાં ચાલી રહેલી મંદી, રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકા દ્વારા ચીન અને રશિયા પર લાદેલા પ્રતિબંધોની અસર ભારતની હીરા કટિંગ એન્ડ પોલિશિંગ પર પડી છે. ભારતમાંથી હીરાના એક્સપોર્ટની વાત કરીએ તો 30થી 35 ટકા અમેરિકા, 30થી 35 ટકા બેંગકોક અને હોંગકોકમાં અને બાકી યુએઇ, યુરોપીયન દેશોમાં થાય છે. અંતે છેલ્લું માર્કેટ અમેરિકા છે.

અમેરિકામાં 70-75 ટકા ડાયમંડ જ્લેવરીની માંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાની અંદર 70થી 75 ટકા ડાયમંડ જ્વેલરી અને કટ એન્ડ પોલિશિંગની ડિમાન્ડ છે. પરંતુ અમેરિકાની અંદર મંદીનો માહોલ હોવાથી ખરીદી ઓછી છે. આથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. રફની કિંમત અને સામે રેપોરેટ પ્રમાણે જે ભાવ તોડે છે એના કારણે રફની કિંમત સામે કટ એન્ડ પોલિશના ભાવ મળતા નથી. રશિયાથી 29 ટકા રફ આવતી તેમાં ભારતની 50 ટકા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તેના પર નિર્ભર હતી જે નહીંવત્ આવતા મુશ્કેલીમાં વધારો થયો છે.

કારખાનામાં શનિ-રવિ રજા હજી પણ યથાવત્
ડાયમંડનો વેપાર ખૂબ જ મંદ ચાલી રહ્યો હોવાથી શહેરમાં હીરા કારખાનાઓમાં શનિ-રવિ રજા હજી પણ યથાવત્ છે, જ્યારે અમુક ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં પણ હવે માલ ખૂટી પડ્યો છે. કોરોના પહેલાં જે રોકેટ ગતિએ વિકાસ કરી રહેલો ડાયમંડ ઉદ્યોગ એટલી જ ગતિએ ધીમો થઈ રહ્યો છે. કોરોના સમયમાં ઓલ ટાઈમ હાઈ ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. હાલ કોરોના સમયની સરખામણીમાં હાલ પરિસ્થિતિ વિપરીત થઈ છે. છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી હીરા ઉદ્યોગ ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યો છે.

કારખાનામાં રત્નકલાકારોનો સમય ઘટાડાયો
જેને લઈને હીરાનાં યુનિટોમાં ઉનાળુ વેકેશન 10 દિવસની જગ્યાએ 20 દિવસથી લઈને એક મહિના સુધીનું જાહેર કરવામાં આવ્યું હતું. વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાશે તેવો હીરા વેપારીઓનો અંદાજ હતો પરંતુ હજી સુધી માર્કેટમાં તેજીનો સળવળાટ જોવા મળી રહ્યો નથી. બીજી તરફ શહેરની ડાયમંડ ટ્રેડિંગ ઓફિસમાં પણ હવે માલ ખૂટી પડ્યો છે. તો અમુક હીરાનાં કારખાનામાં 1થી 2 કલાક સુધી કામના કલાકોમાં ઘટાડો કરાયો છે.