
સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દેશને મળતું વિદેશી હુંડિયામણમાં મહદઅંશે સુરતમાં ડાયમંડ ઉદ્યોગનો ફાળો છે. સુરતના ઉદ્યોગને સમયની સાથે આગળ વધારવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સને શરૂ કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે ડાયમંડ બુર્સની કમિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ માટે કમિટીના સભ્યો આજે દિલ્હી જવા રવાના થયા હતા. જેમાં 8 હોદ્દેદાર બપોરે 2 વાગ્યે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે
ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું
સુરત ડાયમંડ બુર્સની ટીમ આજે સવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ હતી. ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દેદારોની આ કમિટીના કુલ 8 સભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી રવાના થયા છે. વિશ્વના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને એક જ સ્થાને ટ્રેડિંગ કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક ડાયમંડ બુર્સને હવે શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે.
વડાપ્રધાન તારીખ આપશે
ડાયમંડ બુર્સમાં જે ઓફિસ શરૂ કરવા માટે તૈયાર થઈ ગઈ છે તેમનું લિસ્ટ પીએમઓને આપવામાં આવ્યું છે. કુલ 467 જેટલી ઓફિસનું ફર્નિચરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીને આજે બપોરે 2 વાગ્યે મળીને રૂબરૂ દિલ્હી ખાતે આમંત્રણ આપવામાં આવશે. નરેન્દ્ર મોદી જે તારીખ આપશે તે તારીખે વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર ડાયમંડ બુર્સનું ઓપનિંગ કરવા માટેની યોજના ડાયમંડ બુર્સના કમિટીના સભ્યોએ કરી છે. જે પ્રકારે વિશ્વમાં અજાયબી સમાન ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે તે યાદગાર બની રહે તેવી રીતે ભવ્ય ઓપનિંગ સેરેમની પણ કરવામાં આવશે.
વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે
સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરનો હીરા ઉદ્યોગ સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરશે. અત્યારસુધીમાં સુરત શહેરમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ કરતો હતો, પરંતુ હવે ટ્રેડિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 1.48 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો બુર્સ વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો ડાયમંડનો વેપાર થશે.
અમેરિકાના પેન્ટાગોન બિલ્ડિંગને પછડાટ
ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસફૂટ છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.
ડાયમંડ બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા
હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. આ ઉપરાંત 4500 ફોર-વ્હીલર અને 10 હજાર ટૂ-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.
ડ્રીમસિટીના મુખ્ય એન્ટ્રન્સની વિશેષતાઓ
1. 60 મીટર પહોળાઈના ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર બાય 31.45 મીટર, 15 મીટર ઊંચાઈનો રહેશે. બુર્સ તથા ડ્રીમસિટીનો મુખ્ય એન્ટ્રન્સ માટે આધુનિક સિક્યોરિટીને આવરી લેતી ડિઝાઈન બનાવાઈ છે. તમામ પસાર થતાં વાહનો તથા મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વ્યાપારી ધોરણે તથા પર્યટકોનો આકર્ષિત સ્કાયડેકમાં જવા માટે એન્ટ્રન્સ ફોયર તથા પ્રવેશદ્વાર છે. ગેટની બંને તરફ મુલાકાતીઓ માટે લિફટ, વોશરૂમની સુવિધા છે અને સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલરી આવી છે.
ડ્રીમસિટીનું પ્રવેશદ્વાર સુરતની ઓળખ બનશે, જે ફકત પ્રવેશદ્વાર નહીં, પરંતુ મલ્ટીપર્પઝ માટે ઉપયોગ થશે. ગેટ પર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ ફૂડ કોર્ટ, કેફે એરિયા, ટેલિસ્કોપ પોઈન્ટ, સીટિંગ એરિયા તથા સુરતની ઐતિહાસિક ઝાંખી દર્શાવતી ડિસપ્લે મૂકવામાં આવી છે. સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રિંગના સ્વરૂપે તૈયાર કરાયો છે. સ્કાયડેકમાંથી મુલાકાતીઓ ડ્રીમસિટી તથા ડાયમંડ બુર્સ બિલ્ડિંગ જોઈ શકાશે.
ડ્રીમસિટીના ઓફિસ બિલ્ડિંગમાં ઓડિટોરિયમ
સુરત ડાયમંડ બુર્સના આઈકોનિક બિલ્ડિંગની સામે 200 ફૂટના રસ્તાની જંકશન પર 350 ચો.મી. જમીનમાં ડ્રીમસિટી લિમિટેડના સ્ટાફ તથા બોર્ડ મેમ્બર માટે એક્સક્લૂઝિવ કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ બનશે. ગ્રીન બિલ્ડિંગના માપદંડ પર આધારિત ઓફિસ બિલ્ડિંગ કુલ 12775 ચો.મી. બાંધકામમાં કરવામાં આવ્યો છે. એન્ટ્રી સહિત ડબલ હાઈટ ફોયર તથા લોન્ચ છે. 130 વ્યક્તિનો સમાવેશ થાય એવું ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે અને છઠ્ઠા માળે બોર્ડ મેમ્બર માટેની ઓફિસો, બોર્ડ રૂમ, રેસ્ટોરન્ટ તથા કેન્ટીન તથા બેંકની શાખા તેમજ ATM મૂકવામાં આવ્યા છે.
એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગની વ્યવસ્થા
આઇકોનિક બુર્સની એન્ટ્રી પણ ભવ્ય ઠે, જે મલ્ટીપર્પઝ માટે ઉપયોગમાં લેવાશે. સુરત ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરનાં ડ્રીમસિટી પ્રોજેક્ટ વિસ્તારનું મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન પાલિકાએ હાથ ધર્યું છે. શહેરની ઓળખ સમા ડાયમંડ બુર્સ – ડ્રીમસિટીની ઓળખને અનુરૂપ પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવવા હીરા ઘસવાના વ્યવસાયમાં વપરાતા સાધન ‘કટોરી’ આધારિત ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ આવશે
ડાયમંડ બુર્સમાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે, જેના માટે ટ્રાન્સપોર્ટેશન ને પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધા સમયસર મળી રહે એવું આયોજન હાથ ધરાયું છે તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરસાણાથી ડાયમંડ બુર્સ ખજોદ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં જે ડાયમંડ ફેક્ટરીઓના માલિકો તેમજ નાના-મોટા ડાયમંડના વેપારીઓએ ઓફિસ ખરીદી છે તેનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ અહીં આવશે ત્યારે તેમને આકર્ષવા માટે ડાયમંડ બુર્સની તમામ ઓફિસો આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયાર કરવામાં આવી રહી છે.