
ચાલુ નોકરી દરમિયાન બાઇક પર પાનના ગલ્લા પાસે 8 હજારની લાંચ લેવા આવેલા પાલિકાના આકારણી વિભાગના કલાર્કને એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.જહાંગીરપુરામાં ડેરીવાળા પાસેથી સુરત પાલિકાના રાંદેર વેસ્ટ ઝોનના લાંચીયા કલાર્ક નિલેશ હરેલાલ ગામીત(37)(રહે,રંગઅવધૂત સોસા,પાલનપુર પાટિયા,રાંદેર)એ ડેરીની દુકાનની આકારણી કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી. છેલ્લા બે મહિનાથી ડેરીના માલિકની દુકાનની આકારણી કરવામાં લાંચીયો કલાર્ક જાણી જોઇને વિલંબ કરતો હતો.
લાંચીયા કલાર્કને કારણે ડેરીના માલિકે પાલિકાની ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. પછી કલાર્ક નિલેશ ગામીતે ડેરીના માલિકને ઓફિસે બોલાવી વ્યવહાર કરવાની વાત કરી હતી. ડેરીનો માલિક વ્યવહાર કરવા માટે તૈયાર થતા કલાર્કએ ઓફિસમાં તેની પાસે 8 હજારની લાંચ માંગી હતી. એટલું જ નહિ ફોન પર કલાર્કએ લાંચની માંગણી કરી હતી.
વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા ડેરીવાળાએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે મંગળવારે બપોરે લાંચીયા કલાર્કને પકડવા માટે એસીબીના સ્ટાફ સાથે રાંદેર પાલનપુર પાટિયા ગણેશ મંદિરની સામે ભોલે પાન સેન્ટર પાસે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન નિલેશ ગામીત ઓફિસેથી ચાલુ ડ્યૂટીએ બાઇક પર 8 હજારની રકમ લેવા માટે પાનના ગલ્લા નજીક આવ્યો હતો. તે વેળા એસીબીના સ્ટાફે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.
મેં કોઈ પૈસા માંગ્યા નથી એવુ લાંચિયાનું રટણ
કલાર્ક નિલેશ ગામીતનો 34 હજારનો માસિક પગાર છે અને વર્ષ 2016માં પાલિકામાં કલાર્ક તરીકે નોકરી પર લાગ્યો હતો. નવા વર્ષની શરૂઆત થતાની સાથે પાલિકાનો કલાર્ક લાંચ લેતા એસીબીના હાથે પકડાતા અન્ય સ્ટાફમાં સન્નાટો વ્યાપી ગયો હતો. એસીબીનું નામ પડતા જ તેનો પસીનો છુટી ગયો હતો અને મેં કોઈ પૈસા માંગ્યા નથી એવુ રટણ કરવા લાગ્યો હતો.