
7848 કરોડનું બજેટ રજુ કરનારા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું, કે પાલિકાની બજેટની સામાન્ય સભામાં અત્યાર સુધીના શાસક પક્ષના 35 અને વિપક્ષના 13 સભ્યએ પોતાનો મત બજેટ પર રજુ કર્યો છે.
તેઓએ ટ્રાન્સપોર્ટેશનની વાત કરતાં કહ્યું હતું કે પાલિકા જાહેર પરિવહનમાં પાલિકાની કોઈ બસ નથી અને એજન્સી બસ ફાળવણી કરે છે. 2025 સુધીમાં સુરત શહેરમાં 100 ટકા ઇલેક્ટ્રીક બસ રહેશે. 17-11-2025 સુધી કોઈ પણ ડિઝલ થી ચાલતી બસ જોવા મળશે નહીં.એક વર્ષમાં 70 હજાર કિલોમીટર બસ દોડશે તેમાં સબસીડી સાથે એક દિવસમાં 1719 રૂપિયાનો એટલે એક વર્ષમાં છ લાખ જેટલો ખર્ચ થાય છે. આ વર્ષને અંતે રોડ પર 600 ઈ બસ દોડતી થશે તે નક્કી છે.
સુરતમાં ડામરના રોડ બનાવ્યા બાદ બે વર્ષ સુધી ટકે છે અને 24 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા રોડને હવે સીસી રોડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોસાયટીના રોડ પણ સીસી રોડ બનાવવા માટે આયોજન કરાયું છે.આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે હાલમાં સુરત શહેરમાં 118 બ્રિજ છે આગામી દિવસોમાં નવા નવ બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે અને 18 બ્રિજ માટે આયોજન છે તેથી આગામી દિવસોમાં સુરત શહેરમાં 141 જેટલા બ્રિજ બની જશે.
વિકાસની વાત ઉપરાંત તેઓએ કહ્યું હતું કે બજેટને બેલેન્સ કરવું ઘણું જ જરુરી છે તેથી આવતા વર્ષોમાં આવતા પાંચ વર્ષમાં 45 હજાર કરોડથી વધુનો વિકાસ કરવામાં આવશે તે માટે આયોજન થઈ રહ્યું છે. મેટ્રોનો માર્ચ 2024માં પહેલો અને ડિસેમ્બર 2024 મા મેટ્રોનો બીજો ફેઝ પુરો થશે અને 2025 માં સુરતીઓને મેટ્રોનો લાભ મળશે.
આગામી દિવસોમાં પદાધિકારી કે કોર્પોરેટરો કોઈ પણ હોય તેની સિસ્ટમ એક જ રહેશે દરેક મીટીંગ ની કોમન ડિઝાઈન કરવામાં આવશે. પાલિકાની આવક વધારવા માટે સ્થાયી અધ્યક્ષે કહ્યું હતું કે પીપીપી મોડ પર માત્ર કોન્ટ્રાક્ટ થા છે વેચવામાં આવતું નથી. શહેરીજનોને સારી સુવિધા મળે તે માટે પીપીપી મોડલ પર હવે ભાર મુકવામાં આવશે. પાલિકાના વિસ્તારમાં વધારો થયો તેની સામે કર્મચારીઓનો વધારો થાય તે શક્ય નથી કારણ કર્મચારીઓ વધારવામાં આવે તો વિકાસના કામ પર માઠી અસર પડી શકે છે.
પાલિકા દરેક ઝોનમાં બે પ્લોટ એવા પસંદ કરવામાં આવશે જેમાં પાલિકાની ડિઝાઇનથી ફૂડ કોર્ટ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે. પાલિકા વિસ્તારમાં દબાણ દુર કરવા હોય તો આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી પડશે.
ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી હજીરાની એક જ કંપનીને 330 એમ.એલ.ડી. પાણી પુરુ પાડીને પાલિકાની આવકનો મોટો સ્ત્રોત ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિસ્તારના ઉધ્યોગની ડિમાન્ડ આપણે પૂરું પાડી શકીએ તો વાર્ષિક 720 કરોડની આવક મેળવી શકાશે.