
27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ છે. હાલના સમયમાં 60 વિધાનસભા સીટ ધરાવતાં નાગાલેન્ડમાં બધા વિધાયક સત્તામાં છે, વિપક્ષ છે જ નહીં. આ એક આશ્ચર્ય કરનાર બાબત છે, પરંતુ તેનાથી વધારે આશ્ચર્ય કરનાર બાબત એ છે કે અહીં ગામમાં પરિણામ આવે તે પહેલાં જ નક્કી થઈ જાય છે કે ચૂંટણી કોણ જીતશે. આ સિવાય દેશમાં કોઈપણ PM હોય, રાજ્યમાં કોઈપણ CM હોય, નાગાલેન્ડના થોડા ભાગમાં ત્યાંના રાજાના આદેશનું પાલન કરવું પડશે.
નાગાલેન્ડની રાજધાની કોહિમાથી 50 કિમી દૂર દીમાપુરથી સુહોઈ ગામના જિઓ સીપી યેપ્થો જ્યારે મને વિલેજ હેડની પરંપરા અંગે જણાવી રહ્યા હતાં, ત્યારે ગર્વથી તેમનો ચહેરો ચમકી રહ્યો હતો.
તેઓ કોઈપણ ખચકાટ વિના કહે છે- ‘કોઈપણ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી, પરંતુ અમારા માટે વડા જીબી કે ગાંવ બોરા જ અમારા રાજા છે. તેમના કહેલાં શબ્દો અમારા માટે પથ્થરની લકીર છે. અહીંથી જો કોઈ CM બને તો પણ તેણે ગામમાં પાછા ફરીને રાજાના આદેશનું પાલન કરવું પડશે.’
ચૂંટણી પહેલાં જ નક્કી કરી લેવામાં આવે છે કે કોને જીતાડવાનાં છે
જિઓ સીપી યેપ્થો જણાવે છે કે અહીં એક રાજા (હેડ જીબી) અને તેમનું 4 લોકોનું મંત્રી મંડળ છે. 50 વર્ષના જિઓ પણ સુહોઈ ગામના આસિસ્ટન્ટ જીબી છે. તેઓ કહે છે- ‘અહીં ચૂંટણી પહેલાં જ અમે મળીને નક્કી કરી લઈએ છીએ કે કોને વોટ આપવાનો છે. એવું નથી કે લોકો પોતાને ગમતા કેન્ડિડેટને વોટ આપી શકે નહીં, પરંતુ અમે લોકોને જણાવીએ છીએ કે જો ગામમાં રોડ, વીજળી કે પછી પાણી લાવવાનું છે તો આપણે કોઈ એક વ્યક્તિને પસંદ કરવો પડશે.’
મેં પૂછ્યું કે આવું તમે લોકો કઇ રીતે નક્કી કરો છો? જિઓએ જવાબ આપ્યો. ‘અમે બધા મળીને એક કેન્ડિડેટને પસંદ કરીએ છીએ અને પછી આખું ગામ તેને જ વોટ આપે છે. આ વખતે ગામમાં ચારમાંથી બે આસિસ્ટેન્ટ જીબી BJPના સપોર્ટમાં છે અને બાકી બે બીજી પાર્ટીના સમર્થકમાં છે. એવામાં આખા ગામને ભેગું કરીને જાણવામાં આવશે કે કયા પક્ષમાં વધારે લોકો છે. જેની સંખ્યા વધારે હશે, તેના આધારે જ હેડ જીબી નક્કી કરશે કે બધા લોકો આ વખતે કોને વોટ કરશે’
ગામમાં દરેક કામ માટે હેડ જીબીની મંજૂરી જરૂરી
મેં જિઓને સવાલ કર્યો. ‘આ પ્રકારે તો ઇલેક્શન પહેલાં જ કોણ જીતશે તેની જાણકારી મળી જતી હશે? તેમણે કહ્યું- ‘કોઈપણ જીતે, ગામમાં જીબી જ સુપ્રીમ પાવર હોય છે. અહીં જે નવું કામ થશે, તેના ઉપર છેલ્લો નિર્ણય માત્ર હેડ જીબી જ લે છે’
આ બધું ક્યારથી શરૂ થયું, આ સવાલના જવાબમાં જિઓએ કહ્યું- ‘આ નિયમ-કાયદા અમારા પૂર્વજોએ બનાવ્યા હતાં, અમે માત્ર તેનું સંશોધન કરી શકીએ છીએ. અમે સુમી ટ્રાઇબના લોકો છીએ, અમારા માટે હેડ જીબીના શબ્દ જ કાયદો છે. અમારી જેમ કોનિયક ટ્રાઇબમાં પણ જીબીનો આદેશ સૌથી ઉપર હોય છે.’
સુહોઈના રહેવાસી કિયલહો યેપથોમી જણાવે છે કે- ‘કોને વોટ કરવાનો છે, તે હેડ અને આસિસ્ટેન્ટ જીબી જ નક્કી કરે છે. અમે તેમના આદેશોને માનીને ઉમેદવારને વોટ આપીએ છીએ.’
રાજાના 4 મંત્રી, તેઓ જ આદેશોનું પાલન કરાવે છે
આસિસ્ટેન્ટ જીબી જિઓના જણાવ્યા પ્રમાણે હું સુહોઈ ગામના રાજા તોકુહો નેહો સુહોઈ(Head GB Tokuho neho suhoi)ને મળવા પહોંચ્યો. જોકે, તેઓ તે ઇમેજરીમાં ફિટ થતાં નથી, જેવા રાજાઓને આપણે ઉત્તર ભારતમાં જોઈએ છીએ. તેઓ ખૂબ જ સરળ રીતે મને મળ્યા છે.
તોકુહો જણાવે છે- ‘અહીં કિંગશિપ (રાજાશાહી)ની પરંપરા ઘણાં સમય પહેલાંથી છે. આ ગામ 1963માં બન્યું, ત્યારથી અમારો પરિવાર તેનો ભાગ છે. અમે લોકો તેને ‘અતકાવ’ કહીએ છીએ’
તોકુહો આગળ જણાવે છે- ‘જ્યારે હું રહીશ નહીં ત્યારે મારો મોટો દીકરો આ ગામનો હેડ જીબી બનશે. અમારા ગામમાં કુલ 4 આસિસ્ટેન્ટ જીબી છે. તેમને પણ આ પદ વારસાગત રીતે મળે છે. તેમના મૃત્યુ પછી મોટો દીકરો કે ભાઈ આ ગાદીનો હકદાર રહે છે.’
તોકુહોના જણાવ્યા પ્રમાણે- દરેક ગામમાં એક ‘વિલેજ કાઉન્સિલ’ અને ‘વિલેજ ડેવલપમેન્ટ બોર્ડ’ હોય છે. તે પછી યુથ ઓર્ગેનાઈઝેશન, સ્પોર્ટ્સ કાઉન્સિલ અને કલ્ચરલ કાઉન્સિલ છે. આ તમામ કામ માત્ર પાંચ જીબી હેઠળ થાય છે. તોકુહો કહે છે- ‘સુહોઈમાં 280 ઘર છે અને અહીં 1000થી વધુ લોકો રહે છે. અમારી સલાહ લીધા વિના ગામમાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં.
ગામની પોતાની સિસ્ટમ, પોતાનું સંવિધાન
તોકુહો સમજાવે છે- ‘અહીં એક કાઉન્સિલ હોલ (કોર્ટ) છે. કાઉન્સિલ અને અન્ય સમિતિઓ અહીં મળે છે. આમાં લેવાયેલા નિર્ણયો પહેલા કેબિનેટમાં જાય છે અને પછી મારી પાસે લાવવામાં આવે છે. ઘણી વખત કેબિનેટ, જે નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે, તે સીધી મારી પાસે આવે છે. હું ચાર કાઉન્સિલ સેક્રેટરી અને ચેરમેન સાથે મળીને તેમના પર નિર્ણય કરું છું. અહીં મારો નિર્ણય અંતિમ છે.
ગામના વિકાસ માટે રૂપિયા અંગે પ્રશ્ન પૂછવાથી તોકુહો કહે છે- ‘અહીંના ફંડ સામાન્ય રીતે ‘ગ્રામીણ વિકાસ કાર્યક્રમ’ હેઠળ આવે છે. જે ફંડ આવે છે તે મુજબ ગ્રામ સમિતિ કામ કરે છે અને હું તેની આખરી મંજૂરી પણ આપું છું.
તોકુહો આગળ જણાવે છે કે- ‘ગામના પોતાના નિયમો અને બંધારણ છે. અમે દર વર્ષે સમય અને જરૂરિયાત મુજબ તેને સુધારીએ છીએ. કાઉન્સિલ (કેબિનેટ) હેડ જીબીના ઘરે મળે છે અને નિયમો બનાવવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે. અમારા 5 લોકો સિવાય આમાં કોઈ દખલ કરતું નથી.
હત્યા અને બળાત્કારના ગુનેગારો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.
કાયદો બનાવવા સુધી ઠીક છે, પણ પોલીસ વગર તેનો અમલ કેવી રીતે થાય છે? જવાબમાં, તોકુહો કહે છે- ‘જ્યારે કોઈ ગુનો થાય છે, ત્યારે કાઉન્સિલ પહેલા સજા અંગે નિર્ણય લે છે. જો આ નિર્ણય સામે વાંધો હોય તો અંતિમ નિર્ણય હેડ જીબી લે છે. આ નિર્ણયનો અનાદર કરવામાં આવે તો દોષિતોને ગુનાના આધારે 3, 5 અથવા ઘણા વર્ષો માટે ગામ અને સમુદાયમાંથી હાંકી કાઢવામાં આવે છે. આવા લોકોને દંડ પણ થાય છે.
મેં પૂછ્યું કે પોલીસ કોઈની ધરપકડ કરવા નથી આવતી?’ તોકુહો હસતાં-હસતાં જવાબ આપે છે- ‘જો ગુનો અમારા ગામની હદમાં થયો હોય, તો અમને તેનો નિર્ણય કરવાનો અધિકાર છે. ગંભીર ગુનાના કેસમાં પણ પોલીસ મારી પરવાનગી વિના કોઈની ધરપકડ કરી શકતી નથી. જમીન અથવા અન્ય દિવાની અને ફોજદારી બાબતો પણ મોટાભાગે હેડ જીબી દ્વારા ઉકેલવામાં આવે છે.
‘ગામની રચના થઈ ત્યારથી અહીંના પોલીસ સ્ટેશનોમાં એક પણ કેસ નોંધાયો નથી. ગામમાં પોલીસ પેટ્રોલીંગ માટે જ આવે છે. અમે ગામમાં દરેકને સમાન સજા કરીએ છીએ. અમારી પાસે દરેક જમીનનો રેકોર્ડ પણ છે. જિલ્લામાં હાજર જીબી સંગઠન બે ગામો વચ્ચેના વિવાદનું સમાધાન કરે છે.
લોકશાહી પર રાજાશાહી ચલાવવી કેટલું યોગ્ય છે?
આસિસ્ટન્ટ જીબીએ મને ચૂંટણી પહેલાની પ્રક્રિયા વિશે જણાવ્યું. મેં તોકુહોને પૂછ્યું કે શું લોકશાહીમાં ચૂંટણી પહેલા આ રીતે ઉમેદવારોની પસંદગી કરવી યોગ્ય છે? તેઓ જવાબ આપે છે- ‘અમારે અહીં અલગ સિસ્ટમ છે. આ ચૂંટણીઓ માટે પણ અમે અહીં શનિવારે (18 ફેબ્રુઆરી) એક બેઠક કરીશું, જેમાં ગ્રામજનો નક્કી કરશે કે 27 ફેબ્રુઆરીએ કોને મત આપવો. અહીં ગામના અડધા લોકો એક પક્ષમાં અને અડધા બીજા પક્ષમાં ચાલતા નથી. અમે જે નક્કી કરીએ છીએ તેના માટે દરેક જણ મત આપે છે.