
– આ યુદ્ધથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો બંકરોમાં આશરો લઈ રહ્યા છે
– આ યુદ્ધમાં અત્યાર સુધી 6,900 નાગરિકો માર્યા ગયા છે
– યુક્રેનમાં 40 ટકા નાગરિકો માનવતાવાદી સહાયતાના આધાર પર છે
નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
યુક્રેન-રશિયા યુદ્ધનો પરિણામ શું આવ્યું તો તેનો એક જ શબ્દમાં સચોટ જવાબ એક જ હોઈ શકે છે, વિનાશ! યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને તેણે અત્યાર સુધી માત્ર વિનાશ જ કર્યો છે. ભલે રશિયા દાવો કરે કે તેણે 4 પ્રાંતોનું વિલીનીકરણ કર્યું છે અને ઝેલેન્સ્કી દાવો કરે કે યુક્રેને પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું છે. પરંતુ સત્ય તો એ જ છે કે આ યુદ્ધમાં યુક્રેનની પ્રજાને ઘાસની જેમ કચડી નાખવામાં આવી છે. રશિયા અને પશ્ચિમી દેશો માટે શક્તિ સંતુલનનું માધ્યમ બનેલું આ યુદ્ધ યુક્રેન માટે વિનાશક સાબિત થયું છે. સસ્તુ મેડિકલ શિક્ષણ, ઘઉં જેવા અનાજની વિશ્વની રાજધાની કહેવાતા આ દેશમાં હાલમાં ચારે બાજુ બરબાદી અને ગરીબી છે.
સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો બંકરોમાં આશરો લઈ રહ્યા છે. આ યુદ્ધથી કેટલો વિનાશ થયો છે તેને કેટલાક આંકડાઓથી આપણે સમજી શરીએ છીએ. આ યુદ્ધમાં અત્યાર સુધી 6,900 નાગરિકો માર્યા ગયા છે જ્યારે રશિયા અને યુક્રેનના 2.8 લાખ સૈનિકો જીવ ગુમાવી ચૂક્યા છે. પશ્ચિમી દેશોના અંદાજ મુજબ રશિયાના 1.8 લાખ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે જ્યારે 1 લાખ યુક્રેનિયન સૈનિકો યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા નથી. આ સિવાય યુક્રેનમાં કુલ 63 લાખ લોકોને ઘર વિહોણા થવું પડ્યું છે. આ લોકોને સ્થળાંતર કરીને દેશમાં જ કોઈ સ્થળે રહેવું પડી રહ્યું છે અથવા પોલેન્ડ અને જર્મની જેવા પાડોશી દેશો તરફ વળ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચનું કહેવું છે કે આ યુદ્ધે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું વિસ્થાપન સંકટ સર્જ્યું છે. જોકે, પોલેન્ડ અને જર્મનીએ વિસ્થાપિતોને જગ્યા આપવામાં ઉદારતા દાખવી છે. પોલેન્ડે 15 લાખ અને જર્મનીએ 10 લાખથી વધુ લોકોને આશ્રય આપ્યો છે. એટલું જ નહીં, આ સંકટે મોટી સંખ્યામાં યુક્રેનિયનોને પણ ગરીબીના કીચડમાં ધકેલી દીધા છે. યુક્રેનમાં 40 ટકા નાગરિકો માનવતાવાદી સહાયતાના આધાર પર છે. આ સિવાય 60 ટકા લોકો એવા છે જે ગરીબીમાં જીવી રહ્યા છે. ત્યારે, યુક્રેને પણ 139 અબજ ડોલરના મૂલ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. યુક્રેનને આવા જાન-માલના નુકસાનમાંથી બહાર આવવામાં લાંબો સમય લાગી શકે છે