
નવી દિલ્હી, તા. 01 માર્ચ 2023 બુધવાર
છેલ્લા અમુક મહિનાથી સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થયા જેમાં લોકોને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેમનુ મોત નીપજે છે. તાજેતરના દિવસોમાં ભારતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો પણ જોવા મળ્યો છે, જોકે વૈશ્વિક સ્તરે પણ હાર્ટ એટેકના કેસ વધ્યા છે પરંતુ ભારતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ લોકોની ચિંતા વધારી દીધી છે. વૃદ્ધોની સાથે-સાથે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
શું કહે છે WHOના પૂર્વ સાયન્ટિસ્ટ
ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસનું કારણ કોરોના સંક્રમણ પણ હોઈ શકે છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે કોવિડ સંક્રમણના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી ગયુ છે.
જે લોકો કોરોના સંક્રમિત થયા તેમનામાં હાર્ટ એટેકનું જોખમ વધુ
સૌમ્યા સ્વામીનાથન અનુસાર કોરોના મહામારી બાદ લોકોમાં કાર્ડિયક અરેસ્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે. કોવિડની વેક્સિન લગાવવાથી લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધુ છે. જે લોકો કોવિડ સંક્રમિત થઈને સાજા થઈ ચૂક્યા છે તેમના શરીરની ઈમ્યુનિટી ઘણી ઓછી હોય છે અને દરમિયાન ડાયાબિટીસ કે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
અમુક સંશોધનમાં પણ એ ખુલાસો થઈ ચૂક્યો છે કે કોરોના સંક્રમણના કારણે ડાયાબિટીસના નવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. કોવિડ-19 સંક્રમણના કારણે લોકોના હાર્ટના મસલ્સમાં સોજાની સમસ્યા પણ જોવા મળી છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જેમને પહેલા કોઈ હૃદય રોગ રહ્યો નથી તે લોકોમાં પણ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી ગયુ છે.