
– જેસીબી મશીન ખરીદી કૌભાંડમાં અધિકારી પર પગલાં પ્લોટ ફાળવી દેવામાં કોઈ આકરાં પગલાં નહીં
– રાજકીય પીઠબળ ધરાવતા માંકડીયા પાસે માત્ર લિંબાયત ઝોનનો હવાલો લઈ લેવાયો અન્ય જવાબદાર કર્મચારીઓ પર કોઈ પગલાં નહીં, પગલાં ભરવામાં વ્હાલા દવલા નીતિ હોવાનો આક્ષેપ
સુરત,તા.07 માર્ચ 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકામાં કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો છે તેવા બે કિસ્સામાં પાલિકા કમિશનર દ્વારા અલગ અલગ પગલાં લેવાતા તે ચર્ચાનો વિષય બન્યો છે. એક કૌભાંડમાં અધિકારી કર્મચારીઓ પર તાત્કાલિક પગલાં લઈને શો કોઝ નોટિસ સહીતના પગલાં ભરાયા છે. જ્યારે પાલિકા કમિશનરે કોર્ટમાં હાજર રહી માફી માંગવી પડી તે કિસ્સામાં રાજકીય દબાણને કારણે માત્ર ઝોનનો હવાલો લઈ અન્ય કર્મચારીઓને બચાવી લેવાતા પગલાં ભરવામાં વ્હાલા દવલા નીતિ થઈ રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સુરત મહાનગર પાલિકાના વર્કશોપ વિભાગના વડા કે.એચ.ખતવાણી તેમજ કાર્યપાલક ઇજનેર રોહિત પટેલે જેસીબી મશીન ની ખરીદી માટેની પ્રક્રિયામાં પાલિકા કમિશનર ને કરેલા રિપોર્ટમાં ચૂંક જણાતા બન્નેને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારની જરૂરિયાત માટે 48 જેસીબી મશીન ખરીદવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્કશોપ વિભાગ દ્વારા ચોક્કસ એજન્સીને ફાયદો થાય તેવા ટેન્ડર બનાવવામાં આવ્યા હતા. દરમિયાન કમિશનરે આ મુદ્દે વર્કશોપના અધિકારીઓને ચર્ચા બાદ નિર્ણય લેવાનું જણાવ્યું હતું. જેસીબી મશીન ખરીદવાની કામગીરી ટલ્લે ચઢતા વર્કશોપ વિભાગે બે એજન્સી ની રજુઆત દફતરે કરવા માટે મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલ સમક્ષ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જોકે વર્કશોપ વિભાગ દ્વારા જે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. તેમાં સાચી માહિતી રજુ કરવામાં આવી નહોતી. આ સાથે ગોળ ગોળ રીપોર્ટ રજુ કરી મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજીલન્સ તપાસમાં કૌભાંડ બહાર આવતા પાલિકા કમિશનરે વર્કશોપ વિભાગના વડા કે.એચ.ખતવાણી તેમજ કાર્યપાલક ઇજનેર રોહિત પટેલને શો કોઝ નોટિસ ફટકારી છે.
આ કિસ્સામા પાલિકા કમિશનરે દાખલારૂપ કામગીરી કરી છે પરંતુ જેમાં સુરત મહાનગરપાલિકા અને મ્યુનિ. કમિશનર બન્નેને ને નીચા જોવા થયું હોવા ઉપરાંત કોર્ટ નો ઠપકો સાંભળવો પડ્યો અને કોર્ટમાં હાજર રહેવું પડ્યું તેવા ગંભીર કિસ્સામાં કોઈ શિક્ષાત્મક પગલાં ભર્યા નથી. રાજકીય દખલગીરીનો ઝોન બની ગયેલા લિંબાયત ઝોનના વડાં માંકડીયા અને કાર્યપાલક ઈજનેર કામિની દોશીની ભૂમિકા હોવાનું કહેવાઈ રહ્યું છે તેવા કિસ્સામાં પાલિકા કમિશનરે માંકડીયા પાસેથી માત્ર લિંબાયત ઝોન નો ચાર્જ લઈ અન્ય અધિકારીને ચાર્જ સોંપી દીધો છે તે પગલાં જ ભર્યા છે. માંકડીયા ને ભાજપના એક ધારાસભ્યનું પીઠબળ છે તેથી તેઓ છેલ્લા ચાર દિવસથી પાલિકા થી ગાયબ થઈ ગયાં છે. આ ઉપરાંત કાર્યપાલક ઈજનેર કામિની દોશી પણ રાજકીય પીઠબળ ધરાવે છે તેથી તેમની સામે મ્યુનિ. કમિશનર કોઈ પગલાં ભરી શકતા નથી તેવી ચર્ચા પાલિકામા થઈ રહી છે. આમ બે કિસ્સામાં શિક્ષાત્મક પગલાં ભરવામાં પાલિકાના બેવડા ધોરણ પાલિકામાં ચર્ચાનો વિષય બની ગયાં છે.