
પલસાણાના તાંતિથૈયામાં આવેલી જીઆઈડીસીમાં કદામવાળા ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાતે મિલમાં એકાએક આગ લાગવાનું શરૂ થતા જોતજોતામાં આખે આખી ડાઈંગ મિલ ઝપેટમાં આવી ગઈ હતી. સુરત જિલ્લામાં લાગેલી આગને કારણે તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ એલર્ટ થઈ ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી વહેલી સવાર સુધી કુલિંગની કામગીરી ચાલુ હતી. આગ જ્યારે લાગી હતી ત્યારે ફેક્ટરી બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
લાખો મીટર કાપડ બળીને ખાક
ડાઈંગ મિલમાં પ્રોડક્શનનું કામ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. મોડી રાતે આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં ફિનિશિંગ ગુડ્સના 8000 ટાંકા હતા તેમજ 70 લાખ મીટર કાપડ બળીને ખાક થઈ ગયું છે. કાપડ બનાવવા માટે મોટાભાગે પેટ્રોલિયમ પેદાશોનું રો-મટિરિયલ તરીકે ઉપયોગ કરાતો હોવાને કારણે જ્યારે પણ ડાઈંગ મિલોમાં આગ લાગે છે ત્યારે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી જાય છે.
આગ શોર્ટસર્કિટ લાગી
ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું કે, આગ ખૂબ જ ભીષણ હતી. 11 વાગ્યા બાદ અમને કોલ મળ્યો હતો. અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ડાઇનિંગ મિલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બારડોલી, માંડવી, કડોદરા, સચિન, હોજીવાલા સહિતની ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી હતી. આગમાં ત્રણ સેન્ટ્રલ મશીન ત્રણ ફોલ્ડિંગ મશીન સહિતનાં મશીનોમાં નુકસાન થયું છે. તેમજ ફિનિશિંગ ગુડ્સ પણ બળીને ખાક થઈ ગયો છે.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
સુરત પલસાણા વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ડાઈંગ પ્રોસેસિંગ મિલો કાર્યરત છે. જ્યારે પણ આ મિલોમાં આગ લાગે છે. ત્યારે ખૂબ જ ભીષણ સ્વરૂપ લઈ લે છે. કારણ કે, કાપડ બનાવવા માટે જે મટિરિયલનો ઉપયોગ થાય છે તેમાં પેટ્રોલિયમ પેદાશ હોય છે. તેમજ કેમિકલનો પણ ભારે માત્રામાં ઉપયોગ થતો હોય છે. ડાઈંગ પ્રોસેસિંગ મિલોમાં જ્યારે આગ લાગતી હોય છે. ત્યારે તેના ઉપર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કારણ કે, જે પેટ્રોલિયમ પેદાશોનું રો-મટિરિયલ હોય છે. તે ઝડપથી પાણી વડે કંટ્રોલમાં આવતું નથી. તેને કંટ્રોલમાં લાવવા માટે ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગ કાબૂમાં આવતી હોય છે. કુલિંગની કામગીરી જો યોગ્ય રીતે ન હોય તો ફરીથી પણ આગ લાગવાની પૂર્ણ શક્યતા હોય છે.
અગાઉ સ્નેહા ડાઈંગ મિલમાં આગ લાગી હતી
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી રોડ નંબર 2 પર આવેલી સ્નેહા ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ લાગી ઊઠી હતી. મિલમાં આગ લાગવાની જાણ કર્મચારીને થતાં મિલમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ કરાતા ફાયર કાફલો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.
છ જેટલાં ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે
સચિન જીઆઇડીસીમાં આવેલી સ્નેહા ડાઇંગ મિલમાં આગ લાગી હોવાની જાણ ફાયરને થતાં જ ફાયર વિભાગની મોટી ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. શહેરના ચાર ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. શહેરના ડુંભાલ, માન દરવાજા, ડીંડોલી અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત સચિન જીઆઇડીસી અને કલર ટેક્સ કંપનીનો ફાયરનો કાફલો પણ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અંદાજે 15થી વધુ ફાયર ફાઈટર સાથેની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી.