
– રીંગરોડ પર ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યામાં મિકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો સમસ્યાનો હલ આવે તેવી શકયતા
સુરત,તા.22 માર્ચ 2023 બુધવાર
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં ટ્રાફિક અને વહન પાર્કિંગની ભારે સમસ્યા છે. આ સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં મિકેનિઝમ પાર્કિંગ માટે આયોજન કર્યું છે. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિમાં રજૂ કરાશે તેના પર નિર્ણય કરાશે.
સુરત શહેરની ઈકોનોમીમાં ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની મોટી ભુમિકા છે. ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા ખુબ જ અગત્યનો મુદ્દો છે. રીંગરોડ પર આવેલ ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા માટે જગ્યાનો પણ અભાવ છે. જે ધ્યાને લઈ ઓછી જગ્યામાં વધુમાં વધુ પાર્કિંગ મળી રહે તે માટે લિંબાયત ઝોન વિસ્તારમાં રીંગરોડ પર ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યા (આશરે 984.64 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ) માં મિકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે.
ટીપી સ્કીમ ફાઇનલ થતાં આ જગ્યા સુરત મહાનગરપાલિકાને માલિકી ધોરણે મળી છે. મહાનગરપાલિકાનાટાઉન પ્લાનીંગ વિભાગના અભિપ્રાયને ધ્યાને લઈ, ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યામાં મીકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મિકેનિઝમ પાર્કિંગના કામનો સમાવેશ 15 માં નાણાપંચની ગ્રાંટ હેઠળ થયેલ છે. 15 માં નાણાપંચની ગ્રાંટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટીલેવલ પાર્કિંગ તરીકે ડેવલપ કરવા માટેની તમામ પ્રકારની કાર્યવાહી કરવા સૈધ્ધાંતિક મંજુરી મળવા તેમજ ટેન્ડરો મંગાવવા માટેની કામગીરી કરવા તથા આ જગ્યાએ મિકેનિઝમ પાર્કિંગ બનાવી ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા સિદ્ધાંતિક નિર્ણય માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેના પર બેઠકમાં નિર્ણય કરાશે.