
કિસ્સોઃ 1
એક યુવકની સગાઈ નક્કી થઈ હતી, પરંતુ તેની છાતીનો ઉભાર મહિલાની છાતી જેવો હતો. તેણે આ અંગે પોતાની ભાવિ પત્નીને કોઈ વાત કરી નહોતી. તે જ્યારે પણ મળવા જાય ત્યારે ઢીલો શર્ટ પહેરીને જ જતો. જોકે યુવક ટીશર્ટ પહેરે તો તેને મહિલાઓની જેમ બ્રેસ્ટ દેખાતાં હતાં. એકવાર ફિયાન્સીએ તેને ટીશર્ટ ગિફ્ટ કરીને બર્થડે પર એ ટીશર્ટ પહેરીને જ આવવાનું કહ્યું. જ્યારે યુવક આ ટીશર્ટ પહેરીને ગયો ત્યારે યુવતી તેને જોઈને બે ઘડી મૂંઝાઈ ગઈ હતી. તેની ફિયાન્સીએ આ બાબતે ફરિયાદ પણ કરી. તેને એવું લાગ્યું કે તેના ભાવિ પતિને એબનોર્મલ પ્રોબ્લેમ છે અને તેણે તરત જ સગાઈ તોડી નાખી.
કિસ્સોઃ 2
એકવાર સિવિલ હોસ્પિટલમાં સુરતના પરિણીત ને બે સંતાનના પિતા ફુલ સ્લીવનો સફારી સૂટ પહેરીને આવ્યા હતા. તેમણે ત્યાં હાજર ડૉક્ટરને સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવું છે ને ફીમેલ થવું છે એમ કહ્યું હતું. જ્યારે તેમને તપાસવામાં માટે ટેબલ પર લેવામાં આવ્યા ત્યારે તે ભાઈએ સફારી કાઢ્યું તો અંદર તેમણે છોકરીઓનાં કપડાં પહેર્યા હતા! છોકરીઓનાં અન્ડરગાર્મેન્ટ્સ બ્રા-પેન્ટી, વગેરે એવું બધું પહેરી રાખ્યું હતું! તેમણે એવું કહ્યું હતું કે તે આ બધું ના પહેરે તો તેમનાથી રહેવાતું નથી.
ઉપરના બંને કિસ્સા વાંચીને તમને થોડી નવાઈ લાગી હશે. આ બંને કિસ્સા ગુજરાતના પુરુષોની કોસ્મેટિક સર્જરી સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સુંદર દેખાવું માત્ર મહિલાઓને ગમે છે અને તેઓ સુંદર દેખાવા માટે સર્જરી કરાવે છે. ‘દિવ્ય ભાસ્કર’એ જ્યારે ગુજરાતના ખ્યાતનામ કોસ્મેટિક સર્જનો સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી કે ગુજરાતમાં થતી દર 10 કોસ્મેટિક સર્જરીમાંથી છ સર્જરી પુરુષ કરાવે છે! પુરુષોમાં પણ માત્ર ઉચ્ચ વર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગ જ કોસ્મેટિક સર્જરી કરાવે છે એવું નથી, આજકાલ તમામ વર્ગના પુરુષો સુંદર દેખાવા માટે સર્જરી કરાવે છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પુરુષોમાં ગાઇનેકોમાસ્ટિયા સર્જરી (બ્રેસ્ટ ટિશ્યૂ-‘મેલ બૂબ્સ’ દૂર કરવા)નો ટ્રેન્ડ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે આખરે કોસ્મેટિક સર્જરી ને પ્લાસ્ટિક સર્જરીમાં કોઈ તફાવત છે કે પછી બંને એક જ કહેવાય છે?
અમદાવાદના જાણીતા પ્લાસ્ટિક, કોસ્મેટિક, હેન્ડ એન્ડ માઇક્રો વાસ્ક્યુલર સર્જન ડૉ. હેમંત સરૈયાએ કહ્યું હતું, ‘પ્લાસ્ટિક સર્જરી લેટિન શબ્દ પ્લાસ્ટિકો પરથી આવ્યો છે. પ્લાસ્ટિકો એટલે આપણે મોલ્ડ (વાળવું) કરી શકીએ. જન્મજાત ખોડખાંપણવાળાં ધરાવતાં બાળકો, જન્મથી હોઠ ન હોય અથવા એક હોઠ કપાયેલો હોય, તાળવું ના હોય, પેશાબની તકલીફ હોય, કાન ના હોય.. આવી વિવિધ તકલીફ ધરાવતા દર્દીઓને અમે શરીરના જુદા જુદા ભાગોમાંથી ચામડી લઈને જે-તે અંગ બનાવતા હોઈએ છીએ, એટલે અમે તેને પ્લાસ્ટિક સર્જરી કે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહીએ છીએ.’.
‘જ્યારે કોસ્મેટિક સર્જરીમાં વ્યક્તિ સારી તો દેખાતી જ હોય છે, પરંતુ તેની હંમેશાં એવી ઈચ્છા હોય કે તે વધુ સારી દેખાય. વધુ સુંદર બનવા માટે જે સર્જરી થાય છે એને અમે કોસ્મેટિક સર્જરી કહીએ છીએ., જેમાં નાક વાંકુચૂકું હોય તો એને સારું બનાવી આપીએ, ટાલ હોય તો વાળ પ્રત્યારોપણ કરી આપીએ, મહિલાઓને બ્રેસ્ટ મોટાં હોય તો નાનાં ને નાનાં હોય મોટાં કરી આપીએ અથવા તો પેટના ભાગે ચરબી વધારે હોય તો લાઇપોસક્શન કરી આપીએ. આ બધી સર્જરી કોસ્મેટિક સર્જરીના પ્રકાર છે.’
પુરુષોમાં કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ વધ્યું છે?
ડૉ. હેમંત સરૈયાએ સ્વીકાર્યું હતું- ‘હા, પુરુષો પણ સર્જરી કરાવે છે. છોકરાઓની અંદર એવી ઈચ્છા હોય છે કે તે વધુ સુંદર લાગે અથવા તો ફિલ્મ કે સોશિયલ મીડિયામાં જે જુએ છે તેમના જેવા બનવાની ઈચ્છા રાખે છે.’ તો સુરતના જાણીતા કોસ્મેટોલોજિસ્ટ ડૉ. અરવિંદ પટેલે પણ સૂર પુરાવતાં કહ્યું હતું, ‘હા, આ પ્રમાણ વધ્યું છે અને પુરુષો પણ સારા દેખાવા માટે સર્જરી કરાવે છે.’
જિમ કલ્ચર પણ જવાબદાર
ડૉ. હેમંત કહે છે, ‘છોકરાઓમાં જિમ જવાનું કલ્ચર વધ્યું છે. શરૂઆતમાં છોકરાઓ પુષ્કળ કસરત કરે છે. હાઇ પ્રોટીન ડાયટ લે છે અને એને કારણે તેમના મસલ્સ મજબૂત બને છે. પાછળથી ધીમે ધીમે તેઓ જિમમાં જવાનું ઓછું કરી નાખે ત્યારે કસરત તો ઓછી થઈ જાય, પરંતુ ખોરાક એટલો ને એટલો જ રહે છે. એ હિસાબે મસલ્સ કે ચામડી લટકી પડે એવું શક્ય બને છે. આ કારણે છોકરા હોય કે છોકરી, પોતાની ઉંમર કરતાં પણ વધુ ઉંમરલાયક દેખાવા લાગે છે. પછી તેઓ કોસ્મેટિક સર્જરી કરાવે છે.’
છોકરાઓમાં સ્ત્રીને પામવાની ઈચ્છા વધુ હોવાને કારણે પ્રમાણ વધ્યું
ડૉ. હેમંતે એક કિસ્સો શૅર કરતાં કહ્યું હતું, ‘મારી પાસે કોલેજમાં ભણતો યુવક આવ્યો હતો. આ યુવકને બહેનપણીએ એવું કહ્યું હતું, ‘તારા ચહેરા પર ડાઘનાં નિશાન છે તો તું મને ગમતો નથી.’ તો એ છોકરો કલાકની અંદર મારી પાસે આવ્યો અને તરત જ કોસ્મેટિક સર્જરી કરાવીને ગયો. કહેવાનું તાત્પર્ય એ છે કે આવાં કારણોને લીધે પણ કોસ્મેટિક સર્જરી વધી છે. સ્ત્રીને પામવાની કે સ્ત્રીને ઇમ્પ્રેસ કરવાની ઘેલછા છે, એ પણ મહત્ત્વનું કારણ છે.
પુરુષો પણ સર્જરી કરીને વજન ઘટાડે છે
ડૉ. હેમંત સરૈયાના જણાવ્યા પ્રમાણે, પુરુષો પણ સર્જરી કરાવીને વજન ઘટાડે છે. વજન ઘટાડવાના માટેના બે પ્રકારો છે., એક સર્જરી લાઇપોસક્શન છે, તો બીજી સર્જરી બેરિયાટ્રિક સર્જરી છે. લાઇપોસક્શનમાં એક સામટો ચારથી પાંચ લિટર ફેટ ઉતારી શકીએ અને એને કારણે 4-5 કિલો વજન ઓછું થાય. પુરુષોમાં હાથ ને પગ પાતળા હોય, પરંતુ પેટનો ભાગ વધારે હોય તો અમે લાઇપોસક્શન પદ્ધતિથી સર્જરી કરીએ છીએ. એનાથી વજન ઘટે, પરંતુ એ મર્યાદિત પ્રમાણમાં જ ઘટે છે. અમે ઘણીવાર દર્દીઓને કહીએ કે આ બૉડી કોન્ટોરિંગ સર્જરી એટલે કે તમારા શરીરને સારો આકાર આપવાની સર્જરી છે, વજન ઉતારવાની સર્જરી નથી.
જે દર્દીઓ 100-110 કિલોથી વધુ વજન ધરાવતા હોય અને કસરત પણ ના કરતા હોય, કારણ કે તેમના જોઇન્ટમાં પ્રેશર આવવાથી દુખાવો થાય છે. તો કેટલાકને હાર્ટની સમસ્યા છે, તે પણ કસરત કરી શકે નહીં. એવા લોકો માટે અમે બેરિયાટ્રિક સર્જરીની સલાહ આપતા હોઇએ છીએ. આ સર્જરીથી 5-6 મહિનામાં 25-30 કિલો જેટલું વજન ઓછું થઈ જાય. એ વજન ઓછું થઈ જાય પછી તે લોકોની ચામડી પેટ, જાંઘ, હાથ પરથી ચામડી લબડી પડતી હોય છે. આ સમયે અમે તેમના હાથ, જાંઘ પેટની ચામડી પ્લાસ્ટિક સર્જરી કરીને ટાઇટ કરી આપતા હોઈએ છીએ.
ડૉ. અર્થ શાહે લાઇપોસક્શન અંગે વાત કરતાં કહ્યું હતું, ‘વ્યક્તિએ પોતાની લાઇફસ્ટાઇલ સુધારવી જોઈએ, જિમ, યોગા, ડાયટ, મેડિટેશન કરવું જોઈએ અને પછી જ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. લાઇપોસક્શન સર્જરીમાં ઘણીવાર મારી પાસે લિવર ફેલ્યરવાળા પેશન્ટ આવે છે. હદ તો ત્યારે થઈ કે થોડા સમય પહેલાં જ 28 વર્ષીય યુવક મારી પાસે લાઇપોસક્શન કરાવવા આવ્યો હતો. આ યુવકના હાર્ટમાં બે સ્ટેન્ટ મૂકેલાં હતાં, પરંતુ તેમને સમજાવટ બાદ આ સર્જરી કરવાની ના પાડવામાં આવી હતી. હું હંમેશાં એક જ સલાહ આપું છું કે પ્લાન્ટમાં ઊગેલું ખાવ, પ્લાન્ટમાં બનેલું ના ખાવ એટલે કે ફેક્ટરીમાં બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ‘
લાઇપોસક્શન કેવી રીતે થાય?
આ અંગે વિગતે સમજાવતાં ડૉ. હેમંત સરૈયાએ જણાવ્યું હતું, ‘અમારી પાસે સક્શન મશીન હોય છે. એ ફેટ ખેંચી લે છે. હવે લાઇપોસક્શનમાં શરીરમાં જે ભાગમાં ફેટ વધારે છે એને માર્કર પેનથી માર્ક કરી લઈએ. શરીરમાં જે જગ્યાએથી ફેટ કાઢવાની હોય ત્યાં અમે 2 મિલીમીટર એટલે કે દોરા જેટલો કાપો મૂકીને સ્પેશિયલ પ્રકારનું સોલ્યુશન એ ફેટના ભાગમાં નાખીએ, જેથી ફેટ લુઝ થઈ જાય. 2 મિલીમીટરના કાપાની અંદર અમારી પાસે સ્પેશિયલ કેન્યુઅલા (એક પ્રકારની પાઇપ) આવે એ અમે સક્શન મશીન સાથે જોડીએ. એ પાઇપ શરીરની અંદર ફેરવીએ એટલે એનાથી લૂઝ પડેલી ફેટ સક્શનની વાટે મશીનની અંદર આવી જાય. આ સર્જરીમાં એ ધ્યાન રાખવું પડે કે ક્યાંક વધારે ફેટ ખેંચાઈ ના જાય, ક્યાંક ઓછા પ્રમાણમાં ફેટ ના ખેંચાય, બ્લડ આવવા ના લાગે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને ઓપરેશન કરવામાં આવે તો રિઝલ્ટ ઘણું જ સારું મળે છે.’
લાઇપોસક્શનમાં જોખમ કેટલું?
ડૉ. હેમંત સરૈયાએ જોખમ અંગે કહ્યું હતું કે અત્યારે એનેસ્થેસિયા ઘણું જ સલામત થઈ ગયું છે. સર્જરીના પ્રકારો, મેથડ બધું સેફ થઈ ગયું છે. હજારો-લાખો કેસમાં એકાદ પેશન્ટની અંદર કોમ્પિલેક્શન ઊભા થાય છે.
સાઇડ ઇફેક્ટ થાય ખરી?
ડૉ. સરૈયાએ સાઇડ ઇફેક્ટની વાત કરતાં જણાવ્યું હતું કે સાઇડ ઇફેક્ટ હોતી નથી. સારા કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જન પાસે જો ના કરાવવામાં આવે તો ઘણીવાર લાઇપોસક્શનની સર્જરીમાં પેશન્ટના પેટમાં ખાડો પડી જતો હોય છે તો કોઈ જગ્યાએ ટેકરો રહી જતો હોય છે. પેટનો ભાગ તરંગ જેવો વેવી ના થઈ જવો જોઈએ. આ બધી બાબતો સર્જિકલ સ્કિલ છે અથવા તો ફાઇન ટ્યૂનિંગ છે તે અનુભવી ડૉક્ટર્સ સારી રીતે કરી શકે છે.
રિકવરીમાં કેટલો સમય લાગે?
સર્જરીના બીજા દિવસથી જ દર્દી હરી-ફરી શકે છે. ત્રણ-ચાર અઠવાડિયાં પટ્ટો પહેરવાનો હોય છે. અઠવાડિયા બાદ તે પોતાની ઓફિસ કે પોતાનું બધું જ કામ જાતે કરી શકે છે, એમ ડૉ. હેમંતે ઉમેર્યું હતું.
કેટલો ખર્ચ થાય?
લાઇપોસક્શનનો ખર્ચ 50-60-70 હજાર આસપાસ થતો હોય છે, પરંતુ એમાં પેશન્ટ પ્રમાણે ખર્ચો થાય છે, કારણ કે કેટલા ભાગમાં ચરબી કઢાવવાની છે એના પર આધાર રાખે છે.
ડૉ. હેમંતે સરૈયાએ કહ્યું હતું, ‘કોરોના એક નવો રોગ છે અને એની કેટલી સાઇડ ઇફેક્ટ છે એ ખ્યાલ નથી. અમે અમારા અનુભવ પરથી જોયું છે કે કોરોના પછી પુરુષો ને સ્ત્રીઓ વાળ ખરવાની સમસ્યા લઈને આવવા લાગ્યાં છે. પુરુષોમાં હેર લોસનું પ્રમાણ વધી જાય અને પરિવારમાં જો થોડીઘણી જિનેટિકલ ટાલની સમસ્યા હોય તોપણ પુરુષો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે.’
અમદાવાદના જાણીતા કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન ડૉ. દેવેશ મહેતાએ કહ્યું હતું, ‘પુરુષોમાં હેર લોસનું પ્રમાણ ખાસ્સુંએવું છે અને તેઓ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા થયા છે. પુરુષો તથા સ્ત્રીઓમાં હેર લોસની પેટર્ન તદ્દન અલગ છે. સ્ત્રીઓના આખા વાળ માથામાંથી ઝાંખા થાય છે, જ્યારે પુરુષોને માથાના એક એક એરિયામાંથી ટાલ પડતી જાય છે. એટલે હેર રિગ્રોથ, લેસર, પ્લેટલેટ પ્લાઝમા ટ્રીટમેન્ટ અને જો આનાથી ફાયદો ના થાય તો અંતે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પહેલા પુરુષો ટાલ ચલાવી લેતા હતા, પરંતુ છેલ્લાં થોડાંક વર્ષમાં ટાલ પડવાની પ્રક્રિયા ઝડપથી વધી છે. મારી પાસે 23-24 વર્ષની યંગ યુવતીઓ આવીને કહેતી હોય છે કે મારા ફિયાન્સના વાળ અત્યારે સાવ ઓછા છે તો મેરેજ પછી શું થશે. પહેલા અમારી પાસે મોટી ઉંમરની વ્યક્તિઓ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવતી હતી, હવે યંગ એજના આવે છે.’
અમદાવાદના જાણીતા કોસ્મેટિક ને પ્લાસ્ટિક સર્જન ડૉ. અર્થ શાહે સ્વીકાર્યું હતું, ‘પુરુષોમાં હેર લોસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પહેલાં 60 પ્લસના લોકોને ટાલ પડતી, પરંતુ હવે તો 14-15 વર્ષના છોકરાઓને પણ હેર લોસ થતાં તેમને પણ ટાલ પડવા લાગી છે. આ જ કારણે લગ્નમાં અડચણ પણ આવતી હોવાના કિસ્સા બન્યા છે. ઘણીવાર આ કારણે માતા-પિતા ડિપ્રેશનમાં હોય છે. આ વાત મને ઘણી જ શૉકિંગ લાગે છે. આંકડામાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં મહિને હજારોની સંખ્યામાં હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અમારી પાસે 60-70 વર્ષની ઉંમરમાં પુરુષો પણ આવતા હોય છે. તેમને જોઈને આનંદની લાગણી થાય કે તેઓ એ ઉંમરે પણ જીવનને માણવા માગે છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકાથી આ ઉંમરના લોકો આવતા હોય છે. ઘણીવાર તો તેમણે વિદેશમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય, પરંતુ ધાર્યું પરિણામ ના મળતાં તેઓ ભારત આવે છે.’
કઈ ઉંમરના દર્દીઓ આવે?
ડૉ. હેમંત સરૈયાએ કહ્યું હતું, ‘મોટા ભાગે 20-25 વર્ષની ઉંમર ધરાવતા યુવકો આવતા હોય છે, આમાં મોટા ભાગના યુવકોનાં લગ્ન થયેલાં હોતાં નથી. તેઓ પહેલાં બે-ચાર છોકરીઓ જુએ અને છોકરીઓ એમ કહે કે મારે આવા ટાલવાળા છોકરા સાથે લગ્ન કરવા નથી. ત્યારે યુવકો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવતા હોય છે. મોટા ભાગે લગ્ન થઈ જાય અથવા તો બાળકો થઈ જાય પછી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જોકે અહીં એ વાત કહેવી પડે કે પ્રોફેશનલ છે તેઓ મોટી ઉંમરે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવે છે. ઘણીવાર અમે દર્દીઓને હસતાં હસતાં પૂછીએ કે કેમ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે તો તેઓ કહેતા હોય છે કે છોકરીએ રિજેક્ટ કર્યો એટલે આ કરાવવા આવવું પડ્યું.’ આ ઉપરાંત ડૉ. દેવેશ મહેતાએ એમ પણ કહ્યું હતું, ‘પહેલાં મારી પાસે અણગમતા વાળ કઢાવવા માટે માત્ર ને માત્ર છોકરીઓ આવતી હતી, પરંતુ આજકાલ ફિલ્મોના ટ્રેન્ડ પછી છોકરાઓ છાતીના વાળ કઢાવવા માટે આવે છે. માથાના વાળ સેટ કરાવવા માટે પણ આવે છે.’
ડૉ. અર્થ શાહે હેર લોસની ટ્રીટમેન્ટ કરાવનારાં વૃદ્ધ કપલની વાત કરતાં કહ્યું હતું, ‘થોડા સમય પહેલાં મારી પાસે અંદાજે 80-85 વર્ષનાં દાદી-દાદા આવ્યાં હતાં. બંને લાકડી ને એકબીજાનો હાથ પકડીને આવતાં હતાં. દાદી પોતાના વાળ માટે બહુ જ કન્સર્ન રહેતાં. તેઓ આખા મહિનામાં તેમને જેટલા પણ વાળ ખર્યા હોય એ થેલી ભરીને આવતાં. દાદા એમ કહેતા કે અમે બંને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુંદર લાગવા જોઈએ. આ સાંભળીને મને પણ નવાઈ લાગી હતી.’
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર અમદાવાદના પ્રાઇવેટ નોકરી કરતા 25 વર્ષીય યુવકે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘થોડા સમય પહેલાં જ મારા બહુ બધા વાળ ખરી પડ્યા હતા. મને એવું લાગ્યું કે મારે માથાના વચ્ચેના ભાગમાં ટાલ પડી ગઈ છે. આ ટાલ જોઈને મને જેટલું ટેન્શન નહોતું થતું એટલું ટેન્શન મારા પેરેન્ટ્સને થતું હતું. મારા પેરેન્ટ્સને એમ થયે રાખતું કે ટાલને કારણે મારા લગ્ન થશે નહીં, કારણ કે ત્રણ-ચાર છોકરીએ ટાલ હોવાને કારણે મને રિજેક્ટ પણ કર્યો હતો. મિત્રો પણ ક્યારેક ક્યારેક મજાકમાં એવું કહેતા કે ‘તું તો વહેલો ઘરડો થઈ ગયો, તારે તો ટાલ પડી ગઈ, હવે તને કોણ છોકરી આપશે?’ આ બધી વાતો સાંભળીને મને પણ મનમાં એવું થવા લાગ્યું કે ક્યાંક આ મજાક વાસ્તવિકતામાં તો નહીં બદલાયને. પેરેન્ટ્સની પણ ચિંતા દિવસે દિવસે વધતી જતી હતી. ટાલ હોવાને કારણે હું મારી ઉંમર વધુપડતી દેખાતી હોય એવું પણ મને લાગતું હતું. અંતે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.’
ખર્ચો કેટલો આવે?
હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી લાંબી ચાલતી હોય છે તો એનો ખર્ચ 70 હજારથી 2 લાખ સુધીનો આવતો હોય છે.
રિકવરીમાં કેટલો ટાઇમ?
હેર ટ્રાન્સ્પાલન્ટ કરાવનારી વ્યક્તિ ટ્રાન્સપ્લાન્ટના બે દિવસ પછી તમામ કામ કરી શકે છે.
‘ગાઇનેકોમાસ્ટિયાનું પ્રમાણ વધ્યું છે’
ડૉ. હેમંત સરૈયાએ આ અંગે કહ્યું હતું, ‘આજકાલ અમે એવું જોઈ રહ્યા છીએ કે કાં તો આપણી ફૂડ હેબિટ્સ ખરાબ છે અથવા તો કયા કારણસર આવું બન્યું એ કહેવું જરા મુશ્કેલ છે. હોર્મોન્સ પ્રોબ્લમના કારણે પણ આમ થાય. છોકરાઓને સ્ત્રીઓની જેમ બ્રેસ્ટ દેખાય એને અમે મેડિકલ ટર્મમાં ગાયનેકોમાસ્ટિયા કહીએ છીએ. સામાન્ય રીતે 16-17 વર્ષની ઉંમરે આમ થતું હોય છે. શરૂઆતમાં છોકરો ઘરની અંદર પણ કપડાં પહેરીને ફરે. ઘરમાં કપડાં ના કાઢે. પોતાની જાતને સંતાડીને રાખે, સ્વિમિંગમાં ના જાય, છોકરાઓની સાથે ના ભળે અથવા લગ્નમાં કે પિકનિક પર જાય તો કોઈની સાથે રૂમમાં કપડાં ના બદલે એવું બની શકે છે. આખરે એક સમય એવો આવે જ્યારે તેનાં મા-બાપને ખબર પડે અને તે છોકરો રડીને કહે કે તેની છાતીનો ભાગ વધુપડતો મોટો છે અને તેને ખરાબ લાગે છે. પછી છોકરાઓ સર્જરી કરાવતા હોય છે.’
સુરતના જાણીતા પ્લાસ્ટિક સર્જન ડૉ. અરવિંદ પટેલે ગાઇનેકોમેસ્ટિયાનું પ્રમાણ વધ્યું હોવાનું સ્વીકાર્યું હતું અને એની પાછળ રહેલાં કારણો સમજાવતાં કહ્યું હતું, સામાન્ય રીતે જિમમાં જતા યુવક-પુરુષો બૉડી બિલ્ડિંગ કરતા હોય, પ્રોફેશનલ બૉડી બિલ્ડિંગ કરતા હોય એ લોકો પ્રોટીન કે મેડિસિન લેતા હોય છે એટલે તે લોકોમાં ગાયનેકોમાસ્ટિયાની સમસ્યા સર્જાય છે.’
તો અમદાવાદ સિવિલના બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના પૂર્વ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. શેખ એમ. એફે કહ્યું હતું, ‘ગાયનેકોમાસ્ટિયાની સર્જરી મારા સમયે એટલે કે આજથી 20-25 વર્ષ પહેલાં પણ થતી હતી. છેલ્લા કેટલાક સમયમાં આ સર્જરીનું પ્રમાણ ખાસ્સુંએવું વધી ગયું છે. કારણોની વાત કરું તો દૂધમાં જે હોર્મન્સ આવે છે એ પણ એક કારણ છે. ગાયનેકોમાસ્ટિયા એટલે પુરુષોમાં છાતીનો ભાગ મોટો દેખાય એને દૂર કરવામાં આવે છે. ઇડિયોપેથિક (જેનું કારણ કોઈને ખબર ના હોય) પણ હોઈ શકે છે. ઘણા કિસ્સામાં પુરુષોને એક બાજુ મોટી હોય અને બીજી બાજુ સામાન્ય હોય. કેટલીક દવાઓ (એસિટિડી, ટીબી તથા અન્ય રોગની દવા)ને કારણે પણ પુરુષોની છાતીનો ભાગ વધી શકે છે.’
વાતને આગળ વધારતાં ડૉ. શેખે જણાવ્યું હતું, ‘આજથી 25-30 વર્ષ પહેલાં પુરુષોના હોર્મોન્સ એબનોર્માલિટી તથા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ ઓછું હોય તોપણ છાતીનો ભાગ ઊપસી જતો હોય છે અને એને કારણે આ સર્જરી કરાવતા હતા. જોકે હવે એવું કહેવાય છે કે જિમમાં જતા પુરુષો જે પાઉડર લેતા હોય છે એને કારણે છાતીનો ભાગ વધી જાય છે. પાઉડરનો વપરાશ વધી રહ્યો છે. આને કારણે પ્રમાણ વધી ગયું છે.’
‘છોકરાની છાતીનો ઉભાર વધી ગયો તો 12માં 45% માર્ક આવ્યા’
ગાયનેકોમાસ્ટિયાના શૉકિંગ કિસ્સા અંગે વાત કરતાં ડૉ. હેમંતે કહ્યું હતું, ‘એક માબાપ પોતાના 12મા ધોરણમાં ભણતા દીકરાને લઈને મારી પાસે આવ્યા હતા. તેને ધો. 12માં માત્ર 45 ટકા આવ્યા હતા. મેં તેને જોઈને પૂછ્યું કે તને શું પ્રોબ્લેમ છે. તેણે થોડા ખચકાટ સાથે કહ્યું હતું કે તેની છાતી પર સ્ત્રીઓને હોય એ રીતે બ્રેસ્ટ છે. ત્યાર બાદ જ્યારે મેં એને એક્ઝામિન કર્યો તો તેની છાતીનો ઉભાર ખાસ્સોએવો વધારે હતો. આ જ કારણે તે લઘુતાગ્રંથિ અનુભવતો હતો. તેનાં માબાપે વાતચીતમાં કહ્યું, ‘આ છોકરો દસમા ધોરણ સુધી ઘણો જ હોશિયાર હતો. પછી અચાનક જ તેના વર્તનમાં ફેરફાર થયો હતો. તે પોતાના રૂમમાં જ રહેવા લાગ્યો હતો. તે બહાર પણ કોઈની સાથે બહુ ઝાઝુ્ં ભળતો નહોતો. ઘરમાં પણ ખપ પૂરતી જ વાત કરતો. ધીમે ધીમે તેનું ધ્યાન પણ અભ્યાસમાં લાગતું નહોતું. અમને તો કંઈ જ ખબર પડતી નહીં. એક દિવસ તો અમારા દીકરાએ અમને ચોખ્ખેચોખ્ખું કહી પણ દીધું કે તેને સ્ત્રીની છાતી જેવો ઉભાર છે અને તેથી જ તેને ગમતું નથી. જોકે અમે દીકરાની વાત સાંભળીને તેની સમસ્યા ઉકેલવાને બદલે તેને ખખડાવી નાખ્યો અને કહી દીધું કે આવું તો ઘણાને હોય છે. તારે એ તરફ બહુ ધ્યાન આપવાની જરૂર નથી.’
‘મા-બાપે પૂરતું ધ્યાન ના આપતાં તે છોકરાના મન પર આની ઊંડી અસર પડી હતી. આ જ કારણે એક સમયે 80-90 ટકા લાવનાર વિદ્યાર્થી ધો.12માં માત્ર 45 ટકા લાવીને ઊભો રહી ગયો અને તેણે ડિપ્લોમામાં એડમિશન લેવું પડ્યું. એટલે જ જ્યારે કોઈ બાળક આ રીતની ફરિયાદ કરે તો તેને ધ્યાનથી સાંભળીને યોગ્ય ડૉક્ટર પાસે લઈ જઈને યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ, કારણ કે આ બાળકના ભવિષ્યનો સવાલ છે.’
‘બ્રેસ્ટને કારણે છોકરાની સગાઈ તૂટી’
બ્રેસ્ટ હોવાને કારણે યુવકની સગાઈ તૂટી ગઈ એ કિસ્સો ડૉ. હેમંત સરૈયાએ જ કહ્યો હતો. તેમણે કહ્યું હતું, સગાઈ તૂટ્યા બાદ તે યુવક મારી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો અને આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય એ પૂછ્યું હતું. પછી મેં સર્જરી કરી આપી હતી. ત્યાર બાદ મેં જે યુવતી સાથે સગાઈ તૂટી હતી તેના સંબંધીઓને મળવા બોલાવ્યા હતા. મેં તેમને સમજાવ્યા હતા કે આ કોઈ એબ્નોર્માલિટી નહોતી. આવું ઘણા છોકરાઓને હોર્મોનને કારણે થતું હોય છે. સદનસીબે છોકરીનો પરિવાર માની ગયો અને હવે તે યુવક સુખેથી લગ્નજીવન પસાર કરી રહ્યો છે.’
ગાયનેકોમાસ્ટિયાના શૉકિંગ કિસ્સાની વાત કરતાં ડૉ. અર્થ શાહે કહ્યું હતું, ‘મારી પાસે ઘણીવાર યંગ એજના છોકરાઓ આવે છે, જે ગાયનેકોમાસ્ટિયાને કારણે ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. ઘણીવાર પરિવારના લોકો જ એમ કહેતા હોય છે કે ફીમેલ જેવું શું અનુભવે છે. આ જ કારણે યંગ એજના છોકરાઓ ભણવામાં પણ બરોબર ધ્યાન આપી શકે નહીં અને યોગ્ય પર્ફોર્મન્સ આપી શકે નહીં. આ જ કારણે મારી પાસે સુસાઇડ વિચારો ધરાવતા છોકરાઓ આવ્યા છે. મને પણ શરૂઆતમાં નવાઈ લાગી હતી, પરંતુ આવા એકાદ-બે કિસ્સા નહીં, પરંતુ ઘણા કિસ્સાઓ આવ્યા ત્યારે મને પણ આંચકો લાગ્યો હતો.’
મા-બાપ પૈસા વ્યાજે લઈને સર્જરી કરાવવા આવે છે
ડૉ. અર્થ શાહે વધુમાં કહ્યું હતું, ‘ઘણીવાર મા-બાપ પોતાના છોકરાઓની જીદને કારણે અમારી પાસે એમ કહે છે કે અમે દાગીના ગીરવી મૂકીને અથવા વ્યાજે પૈસા લઈને આ સારવાર કરાવવા તૈયાર છીએ. ત્યારે હું મા-બાપને એક જ સલાહ આપતો હોઉં છું કે આ રોગ નથી અને આની સારવાર કે સર્જરી કરાવવી જરૂરી નથી છતાં પણ લોકોમાં આ અંગે ઘણી જ ગેરમાન્યતા રહેલી છે, જે ખોટું છે. મારી પાસે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવાં રાજ્યોમાંથી ઘણા જ લૉઅર ક્લાસના પેશન્ટ આવતા હોય છે.’
ગાયનેકોમાસ્ટિયા કરાવનાર દર્દી સાથે પણ દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. 42 વર્ષીય આ દર્દી ગુજરાત બહારના છે. તેમણે કહ્યું હતું, ‘મારી છાતી મહિલાઓ જેવી જ મોટી થઈ ગઈ હતી. શરૂઆતમાં તો મને ખ્યાલ જ નહોતો આવ્યો કે આખરે મને આ શું થઈ ગયું છે. પહેલા હું ઘણો જ ડરી ગયો હતો. ઘરમાં હું શર્ટ કાઢ્યા વગર ફરી શકતો નહોતો. પરિવારના લોકોની આંખોમાં પણ એક જાતના પ્રશ્નો રહેતા કે આખરે મને આ શું થઈ ગયું છે, કેમ મારી છાતી મહિલાઓ જેવી લાગે છે. આસપાસના લોકો અને મિત્રો મારી ઘણી જ ગંદી મજાક ઉડાવતા હતા. આ બધી પરિસ્થિતિઓને કારણે હું શરમ અનુભવતો હતો. આટલું જ નહીં, ક્યારેક એમ લાગતું કે હું ક્યાંક ડિપ્રેશનમાં સરી પડીશ. જોકે પછી ધીમે ધીમે મને આ અંગે માહિતી મળી કે મારી છાતી જે વધી ગઈ છે તેને ગાયનેકોમાસ્ટિયા કહેવાય છે અને એની સર્જરી પણ થાય છે. ત્યાર બાદ મેં ડૉ. અર્થ શાહનો સંપર્ક કર્યો અને ઓપરેશન કરાવ્યું હતું.’
સર્જરી કેવી રીતે થાય છે?
સર્જરી અંગે સમજાવતાં ડૉ. હેમંત સરૈયા બોલ્યા હતા, કોઈપણ વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ બંનેના હોર્મોન હોય છે, પણ સ્ત્રીઓમાં સ્ત્રીઓના હોર્મન તો પુરુષોમાં પુરુષના હોર્મોન વધારે હોય છે. ઘણીવાર હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય અથવા તો બ્રેસ્ટના ટિશ્યૂ આ હોર્મોનને વધારે રિસ્પોન્સ આપે ત્યારે પુરુષોને મહિલાઓની જેમ જ બ્રેસ્ટ દેખાય છે. હવે પુરુષોની બ્રેસ્ટની અંદર બ્રેસ્ટ ને ચરબી એમ બે વસ્તુ હોય છે. પ્લાસ્ટિક સર્જરીમાં અમે પહેલા લાઇપોસક્શન પદ્ધિતિથી બ્રેસ્ટમાંથી થોડી ચરબી કાઢી નાખીએ. પછી જે ભાગ રહી જાય એને અમે બ્રેસ્ટ ગ્લેન્ડ કહીએ… એ કાઢવા માટે અમે નિપલની અંદર બે સેમીનો ચીરો મૂકીને બ્રેસ્ટ ટિશ્યૂ કાઢી નાખતા હોઈએ છીએ. ભવિષ્યમાં તેની પત્નીને પણ ખ્યાલ ના આવે કે તેના પતિ પર કોઈપણ જાતનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.’
હાલમાં સિવિલ હોસ્પિટલમાં કઈ કઈ સર્જરી થાય છે એ જાણવાનો પ્રયાસ કર્યો તો હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અત્યારે સિવિલમાં મોટા ભાગે જે પુરુષો આવે છે, તેઓ ગાયનેકોમાસ્ટિયાની સર્જરી માટે આવતા હોય છે. સિવિલમાં આ સર્જરી મફતમાં જ થાય છે. સામાન્ય રીતે સિવિલમાં અન્ય કોસ્મેટિક સર્જરી માટે વધુ પ્રમાણમાં દર્દીઓ આવતા નથી. સિવિલમાં જે વર્ગ આવે છે તેમનામાં પણ હવે ગાયનેકોમાસ્ટિયા અંગે જાગૃતિ આવવા લાગી છે. મોટા ભાગે જે યુવકનાં લગ્ન ન થતાં હોય તેવા દર્દીઓ આ સર્જરી કરાવવા આવતા હોય છે. આ સર્જરી માટે કોઈ ચોક્કસ વયમર્યાદા નથી. મોટા ભાગે સિવિલમાં યંગ એજ (20-30 વર્ષ)ના દર્દીઓ આવતા હોય છે.
રિકવરીમાં કેટલો સમય લાગે?
ગાયનેકોમાસ્ટિયા સર્જરીમાં બીજા દિવસથી તમે તમારું કામ કરી શકો, પાંચેક દિવસ બાદ દર્દી કોલેજ-ઓફિસ પણ જઈ શકે છે. 6 વીક પછી વ્યક્તિ જિમ જઈ શકે છે. સ્વિમિંગ પણ છ વીક પછી કરી શકે.
ખર્ચો કેટલો આવે?
ગાયનેકોમાસ્ટિયાનો ખર્ચ 50-70 હજારની વચ્ચે છે.
પુરુષો નાકની સર્જરી પણ કરાવતા હોય છે
ડૉ. હેમંત સરૈયાએ કહ્યું હતું, ‘પુરુષો નાકની સર્જરી કરાવતા થયા છે. મેડિકલ ભાષામાં નાકની સર્જરીને ‘રાઇનોપ્લાસ્ટી’ કહેવામાં આવે છે. ડૉ. દેવેશ મહેતાએ રાઇનોપ્લાસ્ટીનું પ્રમાણ વધ્યું એ અંગે વાત કરતાં કહ્યું, ‘પહેલાં ઈશ્વરે આપ્યું છે, એ ચલાવી લેવાની ભાવના હતી, પરંતુ હવે સ્ત્રી-પુરુષોમાં આ અંગે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. હવે ન્યૂક્લિયર પરિવાર થયા, પહેલાં વડીલો જોડે હોય તો એ ચલાવી લેવાની ભાવના શીખવતા અને એમ કહેતા કે આવું તો ચાલે રાખે. હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. ઘરમાં પતિ પત્ની ને બાળકો જ હોય, એટલે એટલે પતિ-પત્ની પોતાના દેખાવ અંગે વધુપડતાં સજાગ બન્યાં છે અને તેથી જ સર્જરીનું પ્રમાણ પણ વધ્યું છે.’
નાકની સર્જરી કેમ કરાવે છે?
ડૉ. હેમંત સરૈયા જણાવે છે, ‘ઘણીવાર નાનપણમાં બાળક પડી ગયું હોય, ક્રિકેટ રમતાં બોલ વાગ્યો હોય, કોઈએ ફેંટ મારી હોય અને બાળક ધીમે ધીમે મોટું થાય અને તેના નાકનો વિકાસ થાય ત્યારે તે વાંકુંચૂકું હોય છે. છોકરીઓમાં નાકનો વિકાસ 16 વર્ષ સુધી થાય અને છોકરાઓમાં 18 વર્ષ સુધી થાય. 18 વર્ષે છોકરાને ખબર પડે કે તેનું નાક બરોબર લાગતું નથી, તે એક બાજુથી ત્રાસું છે, પોપટની ચાંચ જેવું છે, એક બાજુ બેસી ગયું છે અથવા તો વાંકું થઈ ગયેલું છે. આ રીતે જુદા જુદા નાકના શૅપ હોય અને તે ખરાબ લાગતા હોય તો તેણે નાકની સર્જરી કરવી પડે. હવે આ બધામાં દર્દીનો નાકનો પડદો પણ ત્રાંસો થઈ ગયો હોય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આની સાથે સાથે તેનું નાક પણ વાંકું હોય. ઘણાંને ખીલને કારણે નાકના ટીચકાનો ભાગ એકદમ મોટો થઈ ગયો હોય. એના કારણે પણ નાક મોટું દેખાતું હોય છે.’
સર્જરી કેવી રીતે થાય?
ડૉ. હેમંત સરૈયાના મતે, ‘સર્જરીમાં અમે નાકની અંદર ચીરો મૂકીને ઓપરેશન કરતા હોઈએ છીએ. જો સર્જરી કોમ્પ્લિકેટેડ હોય તો નાકના બે નસકોરાંની નીચે જે જગ્યા છે, ત્યાં વચ્ચે એક સેમી ચીરો મૂકીને આખું નાક જ ખોલી નાખીએ. નાક ખોલીને જો નાકનાં હાડકાં દબાઈ ગયાં હોય તો કાનનું હાડકું મૂકીને નાક ઊંચું કરીએ. જો નાકનું હાડકું મોટું હોય તો તેને થોડું ઘસી નાખીએ અને વ્યવસ્થિત કરીએ. નાકની ટીપમાં જો ચરબી હોય તો તે કાઢી નાખીએ અને હાડકાં જાડાં હોય તો તે પાતળાં કરી દઈએ. આખી સર્જરી એ રીતે કરવામાં આવે કે કોઈને ખ્યાલ જ ના આવે કે નાકના ભાગે કોઈ સર્જરી કરવામાં આવી છે અને આ ઓરિજિનલ નાક છે કે ઓપરેશન કરેલું નાક છે.’
ખર્ચો કેટલો આવે?
40-50 હજાર રૂપિયાની અંદર આ સર્જરી થતી હોય છે.
ટેટૂ કઢાવવાની સર્જરીનું પ્રમાણ પણ વધ્યું છે
ડૉ. હેમંત સરૈયાએ કહ્યું હતું કે આજકાલ યુવકોમાં ટેટૂ રિમૂવ કરાવવાનું ચલણ પણ વધ્યું છે. શરૂઆતમાં છોકરાને કોઈ માટે પ્રેમ હોય એટલે તે તેના નામનું ટેટૂ કરાવે અને આગળ જતાં બ્રેકઅપ થાય એટલે ટેટુ રિમૂવ કરાવવા માટે આવે. આ ઉપરાંત ચહેરા પર કોઈ ડાઘનાં નિશાન કઢાવવાની સર્જરી પણ પુરુષોમાં ખાસ્સી લોકપ્રિય છે. આ સર્જરીનો ખર્ચ 15-20 હજારની વચ્ચે થતો હોય છે.
પુરુષોમાં આ સર્જરી ઉપરાંત કોઈ સર્જરીનું ચલણ વધ્યું છે ખરું?
આ અંગે ડૉ. હેમંત સરૈયાએ જણાવ્યું હતું કે આજકાલ ઘણા છોકરાઓ લગ્ન પહેલાં સુન્નતની સર્જરી (Circumcision) કરાવતા થયા છે. છોકરાઓમાં એવી માન્યતા છે કે તેનાથી પર્ફૉર્મન્સ વધે છે. આ સર્જરીનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું છે. પહેલાં જેને ખરેખર સમસ્યા હોય તેવા જ લોકો આવતા હતા, પરંતુ હવે સમસ્યા ના હોય છતાં પણ યુવકો માત્ર ને માત્ર પર્ફોર્મન્સ વધું સારું થશે તે માન્યતાને કારણે ઓપરેશન કરાવતા થયા છે. આ સર્જરી 20-25 હજારની વચ્ચે થતી હોય છે. ડૉ. અરવિંદ પટેલે કહ્યું હતું, ‘પુરુષોમાં જેનેટાઇલ એન્લાર્જમેન્ટ સર્જરીનો ટ્રેન્ડ થોડો વધ્યો છે. આ ઉપરાંત સેક્સ એક્સચેન્જ સર્જરીનું પ્રમાણ પણ હવે વધ્યું છે.’
ડૉ. અર્થ શાહે કહ્યું હતું કે છેલ્લાં એકાદ-બે વર્ષમાં પુરુષોમાં સુન્નત (ગુપ્તાંગની આગળની ત્વચાનું ઑપરેશન) કરાવવાના કિસ્સામાં વધારો થયો છે. લોકોના મનમાં એવું છે કે આનાથી હાઇજિન ઇશ્યૂ સુધરે છે અને રિલેશનશિપમાં પર્ફૉર્મન્સ લેવલ સુધરે છે. આ માત્ર ને માત્ર ગેર માન્યતા છે. જ્યારે ચામડી નીચે ઊતરતી ના હોય, ખેંચાતી હોય, કાપા પડતા હોય અથવા ડાયાબિટીસને કારણે વારંવાર ઇન્ફૅક્શન થતું હોય ત્યારે જ આ સર્જરી કરાવવી જોઈએ. આ સર્જરી હવે મેડિક્લેમમાં કવર થાય છે અને તેથી પણ આ ઑપરશનમાં વધારો થયો છે.
‘સફારી પહેરેલી વ્યક્તિએ અંદર સ્ત્રીનાં અંતઃવસ્ત્રો પહેર્યાં હતાં’
ઉપર સુરતનો તમે જે કિસ્સો વાંચ્યો તે અંગે વાત કરતાં ડૉ. શેખે વિગતે કહ્યું હતું, ‘આજથી વીસેક વર્ષ પહેલાં તે વ્યક્તિ અમારી પાસે આવી હતી. સફારીની અંદર મહિલાના અંતઃવસ્ત્રો પહેનાર તે વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી ત્યારે તે પૂરેપૂરી રીતે મેલ (પુરુષ) હતા. તેઓ કોઈ પણ રીતે મહિલા હોય તેમ લાગતું નહોતું. તે સમયમાં સેક્સ ચેન્જની સર્જરી કરાવવી આજના જેટલી સરળ નહોતી. ત્યારે કોર્ટની મંજૂરી, સાઇકાઇટ્રિસ્ટના રેફરન્સને એવું ઘણું બધું જોઈતું હતું. તેમને તપાસીને અમે તેમને યોગ્ય માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ કરાવી હતી. આ કિસ્સો મારા માટે શૉકિંગ હતો.’
‘છોકરાને છોકરી સમજીને મોટો કર્યો’
ડૉ. શેખે અન્ય એક શૉકિંગ કિસ્સા વિશે જણાવ્યું હતું, ‘ઘણીવાર બાળકો એમ્બિગ્યુઅસ જુવેનાઇલ (ambiguous juvenile) સાથે જન્મ લેતા હોય છે. ઘણીવાર છોકરાઓના પ્રાઇવેટ પાર્ટ નાના હોય છે અને ઘણીવાર ડિવાઇડેડ હોય છે તો ડૉક્ટરને ખ્યાલ નથી આવતો કે આ છોકરી છે કે છોકરો છે. જન્મે એટલે તે ફીમેલ જેવું દેખાતું હોય છે અને ડૉક્ટર પણ પરિવારને દીકરી જન્મી તેમ કહી દે છે. મા-બાપ પણ તેનો ઉછેર દીકરીની જેમ કરે છે. આવી જ રીતે એક છોકરાનો ઉછેર છોકરીની જેમ થયો હતો. 12-14 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી પેરેન્ટ્સને ખ્યાલ ના આવ્યો કે તે છોકરી નહીં, પણ છોકરો છે. તે છોકરીઓ સાથે વધુ પડતો બોલતો હોવાથી તેને છોકરીઓની જેમ બ્રેસ્ટ પણ આવી ગયાં હતાં, પણ સ્પોર્ટ્સ ને એ બધામાં તે ફર્સ્ટ જ આવે છે. તે જિનેટિકલી છોકરો હતો, પરંતુ નાનપણથી છોકરીઓ સાથે મોટો થયો હોવાને કારણે તેનામાં સ્ત્રૈણ જેવો દેખાવ હતો. પછી તો પરિવાર અને છોકરા સાથે વાતચીત કરીને તેમને સત્ય હકીકત જણાવી હતી. આ બંને કિસ્સા જ્યારે મારી પાસે આવ્યા ત્યારે હું ઘણો જ સરપ્રાઇઝ્ડ થઈ ગયો હતો.’
સર્જરીમાં ઊંધું વાગે તો શું કરી શકાય?
ડૉ, હેમંત સરૈયાએ આ વાતને ઘણી જ સરળતાથી સમજાવતા કહ્યું હતું, ‘સામાન્ય ભાષામાં કહું તો દસ વાર દાળ સારી થાય, પણ એકાદ વાર દાળ ખરાબ પણ થઈ શકે છે. એટલે અમે પણ જ્યારે સર્જરી કરતા હોઈએ ત્યારે કોઈકવાર એવું થાય કે અમે જે ધારતા હોઈએ તેવું ના બંને અથવા તો અમે હાડકાં ને ચામડીને જે વળાંક આપવા માગતા હોઈએ તે પ્રમાણે પેશન્ટની ચામડી ને હાડકાં રિસ્પોન્સ ન આપે અને ત્યારે કોમ્પ્લિકેશનનું પ્રમાણ વધતું હોય છે. જેને આપણે બોચ અપ કહીએ કે સર્જરીનું જે ધાર્યું હતું એવું પરિણામ મળી શક્યું નહીં. દાળ ખાટી કે તીખી થઈ જાય તો તે સરખી થઈ જાય તે જ રીતે જો સર્જરીમાં કોમ્પ્લિકેશન થાય તો અમે બીજીવાર નાની-મોટી સર્જરી કરીને તેને ઠીક કરી દેતા હોઈએ છીએ. દર્દી ક્યારેય ખરાબ નાક સાથે કે શરીર સાથે ફરતો રહે તેવું બને નહીં.’
ડૉ. દેવેશ મહેતાએ આ અંગે કહ્યું હતું, ‘સર્જરી બોચઅપ થવાનાં અનેક કારણો છે, અમુક પેશન્ટ ફેક્ટર છે. ક્વોલિફાઇડ પ્લાસ્ટિક સર્જન કે કોસ્મેટિક સર્જન પાસે સર્જરી કરાવવામાં આવે તો બોચઅપ થવાના ચાન્સ ઘટી જાય છે. ઇન્ફેક્શન ડૉક્ટરના કંટ્રોલમાં નથી. બોચઅપ સર્જરીના શોકિંગ કિસ્સાની વાત કરું તો મારા ધ્યાનમાં છે કે મહારાષ્ટ્રમાં પેશન્ટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા, પરંતુ ડૉક્ટરે વધુ પડતા વાળ ટ્રાન્સપ્લાન્ટ કરી દીધા અને યોગ્ય ધ્યાન રાખ્યું નહીં. પેશન્ટ ઘરે ગયા અને તેણે જોયું તો વધુ પડતા વાળને લીધે તેમને એવો આઘાત લાગ્યો કે બે-ત્રણ દિવસમાં જ તેઓ મોતને ભેટ્યા. આ જ રીતે લાઇપોસક્શનમાં સામાન્ય રીતે પેશન્ટના બૉડી વેઇટનું પાંચ ટકા જેટલી ફેટ એક સીટિંગમાં કાઢવાની હોય છે, પરંતુ NRI પેશન્ટ કે દર્દીને બહુ ઉતાવળ હોય ત્યારે જો ડૉક્ટર 10 કે 15 ટકા જેટલી ફેટ કાઢી લે તો પેશન્ટને ICCU, ICUમાં રાખવું પડે. લોહીના બાટલા ચઢાવવા પડે તેવું બની શકે છે. આ બધું અયોગ્ય છે. આમાં પણ ભાગ્યે જ ક્યારેક અત્યંત ગંભીર સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે. પણ હા, બોચઅપ થઈ ગયેલી સર્જરી સુધારવાના પણ પૂરતા ચાન્સ હોય જ છે.’
‘દર્દી જ્યારે ગેરંટી માગે ત્યારે સર્જરી ન કરી આપીએ’
ડૉ. હેમંત સરૈયાએ થોડાક વિચિત્ર કહી શકાય તેવા કિસ્સા અંગે વાત કરતાં કહ્યું હતું, ‘હમણાં જ એક દર્દી આવ્યો હતો અને તેનું નાક વાંકું હતું. તેને નાકની સર્જરીની જરૂર પણ હતી. તેની સગાઈ થઈ ગઈ છે અને તેની ભાવિ પત્ની ઘણી જ સુંદર દેખાતી હોવાથી યુવક તેની આગળ લઘુતાગ્રંથિ અનુભવી રહ્યો હતો અને એટલે તેણે નાકની સર્જરી કરાવવી છે. હવે એની ફિયાન્સીએ તેને સર્જરી કરાવવાનું કહ્યું નથી. જોકે, તેના મનમાં એવું છે કે તેની ફિયાન્સી જો આટલી સુંદર છે તો તેનું નાક પણ પર્ફેક્ટ હોવું જોઈએ. હવે તે યુવક સોશિયલ મીડિયામાં બધા નાકના વીડિયો જોયા કરે છે અને નાકના વીડિયો જોઈને એમ માને છે કે તેનું નાક 100 ટકા એકદમ પર્ફેક્ટ થઈ જવું જોઈએ. હવે તે આ વાતની ગેરંટી માગે છે. હવે સર્જરીમાં ક્યારેય દુનિયામાં કોઈ ગેરંટી આપી શકે નહીં. એટલે મેં એ દર્દીને ઓપરેશન કરાવવાની ના પાડી દીધી.’
‘કોમનમેન માટે ઇન્ફેક્શન થાય કે ધાર્યું પરિણામ ના મળે તો પણ તેને બોચ અપ સર્જરી જ લાગે’
ડૉ. દેવેશ મહેતાએ જણાવ્યું હતું, ‘સૌથી અઘરી સર્જરી નાકની કોસ્મેટિક સર્જરી કહેવાય છે. અમેરિકા જેવા દેશમાં નાકની સર્જરીમાં ધાર્યું પરિણામ ના મળતા પેશન્ટે ડૉક્ટર્સનાં મર્ડર કર્યા હોય તેવા પણ કિસ્સા જોવા મળ્યા હતા. 92-93ની સાલમાં સિમ્યુલેશન પ્રોગ્રામ આવ્યા. પેશન્ટને કમ્પ્યુટર સ્ક્રીન પર બતાવવામાં આવે કે તેમનો ચહેરો આવો થશે. પેશન્ટ તેનો ફોટો પાડી લે. સર્જરી પછી તે એવું કહે કે જેવું બતાવવામાં આવ્યું તેવું થયું નહીં, પરંતુ કમ્પ્યૂટર સ્ક્રીન ને શરીરના ટિશ્યૂ બંને અલગ બબત છે. ચહેરા પર કાપો હોય તો કમ્પ્યૂટર તે નિશાન સાવ જ કાઢી શકે છે. અમે આ પરિણામ ક્યારેય આપી શકીએ નહીં. અમે કાપાનાં નિશાનને ઝાંખો અથવા ખાસ્સો ઝાંખો કરી શકીએ પણ ઝીરો ક્યારેય ના કરી શકીએ. સાયન્સનાં લિમિટેશનને સ્વીકારીને કોસ્મેટિક સર્જરી કરાવીએ તો સારાં પરિણામ મળી શકે છે. બોચઅપ સર્જરી પ્રમાણમાં ઓછી છે, પરંતુ થાય છે એ ખરી વાત છે.’
લગ્ન પહેલાં બોટોક્સ લે છે
ડૉ. હેમંત સરૈયાના મતે, ‘બોટોક્સનું પ્રમાણ ચોક્કસથી વધ્યું છે. અત્યારે સિરિયલ જોઈને દરેક મોટી ઉંમરની વ્યક્તિને યંગ દેખાવું ગમે છે. ચહેરા પરની કરચલીઓ ના દેખાય તેમ ઈચ્છે છે. આ જ કારણે તે બોટોક્સ લે છે. બોટોક્સની અસર અઢી ત્રણ મહિના રહેતી હોય છે. બોટોક્સ મુકાવો તો અઢી-ત્રણ મહિને રીપિટ કરવું પડે. જો આમ ના થાય તો ફરી ત્યાં કરચલી આવી જાય. જો દર્દીને બોટોક્સ રીપિટ કરવાની માનસિક તૈયારી હોય તો જ તેણે આ ઇન્જેક્શન મુકાવવાં જોઈએ. એકાદ-બેવાર બોટોક્સ લેવાથી કોઈ ફાયદો થતો નથી. લગ્ન પહેલાં યુવક-યુવતીઓ ફોટો સારા આવે તે માટે બોટોક્સ મુકાવતાં હોય છે. તેઓ માત્ર લગ્ન પૂરતું જ આમ કરતા હોય છે.’
બોટોક્સનો ખર્ચ કેટલો?
‘બોટોક્સ મૂકવાનો ખર્ચ એક યુનિટના 200-250 રૂપિયા થાય. ચહેરા પર તમારે કરચલીઓ કઢાવવી હોય તો 100-150 યુનિટ બોટોક્સ મૂકાવા પડે. 20-30 હજારનો ખર્ચ થાય અને દર અઢી-ત્રણ મહિને આ બોટોક્સ મુકાવવું પડે. પૈસાદાર લોકોમાં આ ટ્રેન્ડ ધીમે ધીમે વધી રહ્યો છે.’
અમદાવાદ સિવિલમાં કઈ સર્જરી થાય છે?
ડૉ. શેખ એમ. એફે કહ્યું હતું, ‘હું જ્યારે HOD હતો ત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ (B12ની ઊણપને કારણે) 20-25 વર્ષના યુવકોમાં ટાલિયાપણું આવી જાય છે. પુરુષોમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનું પ્રમાણ સારું એવું છે. નાકની સર્જરી એટલે કે રાઇનોપ્લાસ્ટી કરાવવા માટે પણ પુરુષો આવતા હતા. ક્યારેક લાઇપોસક્શન માટે પણ આવતા હતા. ચહેરા પર વાગ્યાનું નિશાન, ઘાનું નિશાન હોય તો તે દૂર કરાવવા માટે પણ પુરુષો આવતા હતા. હું જ્યારે અહીંયા હતો ત્યારે અન્ય તમામ સર્જરી ફ્રીમાં જ થતી હતી, પરંતુ અમે માત્ર હેર ટ્રાન્સપ્લાન્ટ માટે નોમિનલ ચાર્જ એટલે કે 5 હજાર રૂપિયા લેતા હતા. હેર ટ્રાન્સપ્લાન્ટ તે સમયે લાખો રૂપિયામાં થતા હતા, પરંતુ અમે સાવ મામૂલી ચાર્જ લેતા, કારણ કે તેમાં ઓપરેશન થિયેટરમાં ઘણો જ સમય જતો.’
બ્લડપ્રેશર-ડાયાબિટીસ હોય તો સર્જરી થાય?
ડૉ. અરવિંદ પટેલે સમજાવ્યું હતું, ‘જો દર્દીને બ્લડપ્રેશર-ડાયાબિટીસ જેવા રોગ હોય તો જે રીતે પ્લાન્ડ સર્જરીમાં તમામ ટેસ્ટ કરાવ્યા બાદ વ્યક્તિ ફિટ છે કે નહીં તે જોતા હોઈએ છીએ, એ જ રીતે કોસ્મેટિક સર્જરીમાં પણ વ્યક્તિના ટેસ્ટ કરાવ્યા બાદ જ સર્જરી કરવામાં આવે છે..’
હોસ્પિટલમાં કેટલો સમય રોકાવું પડે?
કોસ્મેટિકની આ તમામ સર્જરીમાં દર્દીને 24 કલાકની અંદર રજા આપી દેવામાં આવે છે. ઘણી સર્જરીમાં તો ચાર-પાંચ કલાકમાં જ ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે.
ઘણા દર્દીઓ હોસ્પિટલમાં મા-બાપને કહ્યા વગર જ આવે છે
ડૉ. હેમંતે કહ્યું હતું, ‘ઘણીવાર એવા કિસ્સા પણ હોય છે કે સર્જરી કરાવવા આવતા છોકરાઓ ઘરે કહ્યા વગર જ આવ્યા હોય. પૈસા પોકેટમનીમાંથી કાઢી લેતા હોય છે. ઓપરેશન કરીને ઘરે જાય ત્યારે મા-બાપને ખબર પડે કે દીકરો આ સર્જરી કરાવીને આવ્યો છે. આ રીતે આવનારા દર્દીઓનું પ્રમાણ પણ વધારે છે.’
કયા વર્ગના દર્દીઓ આવે?
ડૉ. હેમંત સરૈયાના મતે, ‘અત્યારે તો નાનામાં નાનો લૉઅર મિડલ ક્લાસનો છોકરો પણ સર્જરી કરાવતો થયો છે. હવે એવું નથી કે પૈસાદાર લોકો જ કોસ્મેટિક સર્જરી કરાવે છે. અત્યારે દરેકને પોસાઈ શકે તેવા ખર્ચાની અંદર કોસ્મેટિક સર્જરી થાય છે. એટલે હવે બધા જ વર્ગના પુરુષો સર્જરી કરાવતા થયા છે.’ ડૉ. અર્થ શાહે પણ આ વાત સ્વીકારી હતી કે હવે ભારતની દુનિયાના અન્ય દેશો સાથે કનેક્ટિવિટી વધવાને કારણે વિશ્વભરના દર્દીઓ અહીંયા આવી રહ્યાં છે.
મેડિકલ ટૂરિઝમને કારણે વિદેશના દર્દીઓ પણ આવે છે
વધુમાં ડૉ. સરૈયાએ કહ્યું હતું, ‘વિદેશની અંદર કોસ્મેટિક સર્જરી ઘણી જ મોંઘી છે. આ જ કારણથી અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના દર્દીઓ લાઇપોસક્શન અને બ્રેસ્ટની સર્જરી માટે ભારત આવતા હોય છે. મેડિકલ ટુરિઝમ હેઠળ કોસ્મેટિક સર્જરી કરાવવા આવતા દર્દીઓનું સારું એવું પ્રમાણ છે.’ તો ડૉ. અર્થ શાહે કહ્યું હતું કે ભારતની કનેક્ટીવિટી દુનિયાના અન્ય દેશો સાથે વધતા મેડિકલ ટુરિઝમ વધ્યું છે.
કોસ્મેટિક સર્જરીની સાઇડ ઇફેક્ટ
ડૉ. દેવેશ મહેતાએ જણાવ્યું હતું, ‘દુનિયામાં દરેક વસ્તુની સાઇડ ઇફેક્ટ હોઈ શકે. લાઇપોસક્શન કરીએ તો ઇન્ફેક્શન થઈ શકે. ત્યાંથી પ્રવાહી અમુક દિવસો કે અઠવાડિયાં સુધી બહાર આવી શકે. મોટા ભાગે કોઈ કાયમી સાઇડ ઇફેક્ટ હોતી નથી. દરેક સર્જરીમાં નાની સાઇડ ઇફેક્ટ રહેલી છે. ચહેરા પર લેસર કર્યું હોય તો પિગ્મેન્ટેશન થઈ શકે છે. નાના સ્કાર આવી શકે. આ બધું અમારા માટે ઓપરેશનની સિક્વલ છે, સાઇડ ઇફેક્ટ નથી, પરંતુ પેશન્ટ માટે તે સાઇડ ઇફેક્ટ છે.’
જાણીતી વ્યક્તિઓ આવે?
ડૉ. હેમંત સરૈયાએ કહ્યું હતું, ‘ગુજરાતમાં કળાક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓ, સમાજમાં મોભાદાર નામ ધરાવતી વ્યક્તિઓ બ્રેસ્ટ નાનાં કે મોટાં કરાવવા માટે આવતી હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવતા હોય છે.’ ડૉ. દેવેશ મહેતાએ જણાવ્યું હતું, ‘થિયેટર આર્ટિસ્ટ, ગુજરાતી મૂવી આર્ટિસ્ટ, જયપુર દિલ્હીથી પોતાની ઓળખ છુપાવીને સોશિયલ તથા પોલિટિકલ લિડિંગ પર્સનાલિટી સર્જરી કરાવવા આવતા હોય છે. મુંબઈથી પણ અમુક લોકો આવે છે.’
કોસ્મેટિક સર્જરી લોંગ લાસ્ટિંગ હોય?
ડૉ. હેમંતે કહ્યું હતું, નાકની સર્જરીનું રિઝલ્ટ આજે છે, તે વર્ષો પછી પણ રહે છે. ગાયનેકોમાસ્ટિયાનું પણ એવું છે. હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ કાયમી રહે છે. લાઇપોસક્શન જે ભાગમાં કર્યું હોય એ ભાગમાં ચરબી ના વધે, પરંતુ દર્દી ખાવા-પીવાનું ધ્યાન ના રાખે અને 10-15 કિલો વજન વધારે તો લાઇપોસક્શન કરાવ્યું હોય ત્યાં પણ અસર થાય અને ચરબી જમા થાય છે. મોટા ભાગની કોસ્મેટિક સર્જરી તથા તેના રિઝલ્ટ લોંગ લાસ્ટિંગ હોય છે, એટલે જ લોકોમાં કોસ્મેટિક સર્જરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.’