
૨૧મી સદી એટલે ડીજીટલ ક્રાંતિ અને ઇનોવેશનની સદી છે. આવા ડીજીટલ યુગમાં ટેકનોલોજી ખુબ જ ઝડપથી માનવ જીવનને પ્રભાવીત કરી રહી છે. ત્યારે વ્યક્તિના જીવનમાં ધંધા-વ્યવસાય કે સરકારી કામકાજમાં હવે ડીજીટલ નોલેજ વગર ચાલી શકે તેમ નથી તેથી નવા-નવા વિચારો સાથે આપણે જીવનને વધુ સુખ-સુવિધાપૂર્ણ બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ એટલે જ ટેકનોલોજીને કેન્દ્રમાં રાખીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આ ગુરુવારે તા. ૩૦ મે ૨૦૨૪ ના રોજ કામરેજ રોડ સ્થિત “જમનાબા ભવન” ખાતે ૬૩મો
થર્સ-ડે થોટ્સ કાર્યક્રમ યોજાયો.
જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સફળતા મેળવી આજે Trueline Solution કંપનીના ફાઉન્ડર અનિલભાઈ વાઘાણી અને કો-ફાઉન્ડર શ્રીમતિ ભગવતીબેન વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજનો વિચારના પ્રેરક સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા વતી નવો વિચાર રજુ કરતા ભાવેશભાઈ રફાળીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેકનોલોજી એ માણસ અને પ્રગતિનું અભિન્ન અંગ બની ગયુ છે. જીવનમાં હેલ્થ-વેલ્થ અને હેપ્પીનેસ જેટલું જ આઈ.ટી. મહત્વનુ છે. ડીજીટલ નોલેજ વગર હવે ચાલી શકે તેમ નથી આથી જો “માણસ આઈ.ટી. ક્રાંતિની સાથે બદલાશે નહી, તો તે અભણ ગણાશે.” સમય સાથે અપડેટ નહિ થાવ તો આઉટડેટેડ થઈ જશો.
આથી ટેકનોલોજી સાથે સુસંગત થવું જ પડશે કારણ કે, સતત પરિવર્તન એ જીવનનું અનિવાર્ય અંગ છે. સુખી જીવન જીવવા તેને ઝડપથી સ્વીકારીને નવી તકો ઓળખવી જોઈએ. આઈ.ટી. એ નવી તકો સાથેનો વિપુલ દરીયો છે જેને હવે સમય અને સ્થળનાં કોઈ સીમાડા રહ્યા નથી
.

ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ આજે વિશ્વભરમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આઈ.ટી દરેકના જીવન સાથે સંકળાયેલું છે. આજે નાનામાં નાની બાબતોમાં આઈ.ટી.નો ઉપયોગ થઈ રહ્યો છે. ધંધા-રોજગારથી માંડીને એજ્યુકેશન સુધીના તમામ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેના સારા ઉપયોગથી માણસની પ્રગતિ નિશ્ચિત છે. જે વ્યક્તિગત ક્રાંતિ બતાવે છે.આ બદલાવ સાથે માણસે સતત બદલાતું રહેવું પડશે. જે બદલાશે નહીં, તે પાછળ રહી જશે. જેવી રીતે ટેલીકોમ ક્ષેત્રની દિગ્ગજ નોકિયા કંપનીનો દાખલો આપણી સામે જ છે. બદલાતી ટેકનોલોજીને કારણે ધંધા-રોજગારની ઢબ પણ બદલાઈ છે તેથી ધંધામાં તેને અપનાવીને સફળતાની અલગ ઉચાઈએ લઈ જવાની કોશિશ કરવી જોઈએ. આ વિચાર અંગેની વધુ સમજણ કાર્યક્રમના ખાસ અતિથી વિશેષશ્રીએ સમજાવી હતી.

ટેકનોલોજી સાથે માણસે પણ હંમેશાઅપડેટ રહેવું પડશે. – શ્રી અનિલભાઈ વાઘાણી
આઈ.ટી ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરનાર ટ્રુ લાઈન સોલ્યુશનના ફાઉન્ડર શ્રી અનિલભાઈ એ જણાવ્યું હતું કે આજના સમયમાં ધંધા રોજગારની પ્રગતિમાં ટેકનોલોજીનો કોઈ વિકલ્પ નથી. સામાન્ય રીતે લોકો ટેકનોલોજીને અપનાવતા નથી તેનું કારણ ઇન્કમટેક્ષ છે. જો કે, ઇન્કમટેક્ષ તમામ કસ્ટમર સાથેના રીલેશન, બેંક ટ્રાન્ઝેક્શન જેવી બાબતોથી તમારા પર નજર રાખી શકે જેથી તેના ડરથી ટેકનોલોજીને ન અપનાવી ધંધાની પ્રગતિ અટકાવવીએ તે યોગ્ય નથી. ટેકનોલોજીથી ભાગવાની જગ્યાએ તેને અપનાવીને ધંધાને અલગ ઉચાઈએ લઈ જઈ શકાય છે. તેના અનેક ઉદાહરણો રેડબસ, મેકમાયટ્રીપ, OYO, સ્વીગી, ઝોમેટો, વેગેરેએ કેવી રીતે ટેકનોલોજીને અપનાવીને બિઝનેસમાં ક્રાંતિ લાવી છે તે આપણે જાણીએ છીએ. ગ્રાહકોના સારા અનુભવો અને જરૂરીયાતો સમજવા દરેક બીઝનેસમેન એ ટેકનોલોજી અપનાવવાની સાથે-સાથે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સી.આર.એમ) પણ સારૂ વિકસાવવું જોઈએ જેથી પ્રગતિ ઝડપી બને. હાલમાં ટેકનોલોજી ક્ષેત્રમાં એ.આઈ. (AI) એ અલગ જ માર્ગ ચીતર્યો છે. તેનાથી ડરવાની જગ્યાએ તેનો ઉપયોગ કરીને કાર્ય વધુ સરળતાથી અને ઝડપી કરી શકાય છે. જેના માટે માણસે AI ની જેમ સતત અપડેટ રહેવું પડશે.

એ. આઈ. એ આઈ.ટી માં જોબની તકોવધારી છે. – ભગવતીબેન વાઘાણી
ટ્રુ લાઈન સોલ્યુશન કંપનીના કો-ફાઉન્ડર શ્રીમતિ ભગવતીબેન વાઘાણીએ આઈ.ટી ક્ષેત્રને બહેનો માટે શ્રેષ્ઠ કારકિર્દીનું ક્ષેત્ર ગણાવતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ આઈ.ટી. સાથે સંકળાયેલું છે અને તેમાં સતત બદલાવ પણ થઈ રહ્યો છે. હાલ આવેલા એ.આઈથી લોકો ડરી રહ્યા છે અને કહે છે કે એનાથી લોકોની જોબ જશે પરંતુ એવું નથી એ.આઈ સરળતાથી કામ કરવાની ક્ષમતા વધારે છે. એ.આઈ ટેકનોલોજીમાં સોફ્ટવેરની જરૂર પડશે અને સોફ્ટવેર બનાવવા માણસોની તો જરૂર પડવાની છે. આથી એ.આઈ આઈ.ટીમાં જોબની નવી-નવી તકો વધારશે મળશે. આ ક્ષેત્રમાં ભાઈઓની સાથે હવે બહેનો પણ મોટી સંખ્યામાં કામ કરી રહી છે. કારણ કે આ ક્ષેત્ર છોકરીઓને સંકોચ કે સેક્રીફાઈઝ કર્યા વગર સ્કીલ મુજબનું કામ કરવાનું બેસ્ટ પ્લેટફોર્મ આપે છે. સામાન્ય રીતે લગ્ન પછી અન્ય જવાબદારીને લીધે પોતાનું કાર્ય છોડવું પડતું હોય છે પરંતુ આઈ.ટી ક્ષેત્રે એવું નથી માટે બહેનો માટે આ ક્ષેત્ર શ્રેષ્ઠ છે.

સમાજના તમામ ભવનો-પ્રવૃતિઓ અને વહીવટ માટે જરૂરી તમામ સોફ્ટવેર તૈયાર કરવા તેમજ પાટીદાર ગેલેરીમાં ૩D એનિમેશન વગેરે માટે જરૂરી આઈ.ટી સેવા માટે ટ્રુ લાઈન સોલ્યુશનના અનિલભાઈ વાઘાણીએ વિનામુલ્યે સેવા આપવાનો સંકલ્પ કર્યો. એની સવિશેષ નોંધ લેતા કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અનિલભાઈ અને ભગવતીબેન વાઘાણીનું અભિવાદન કરતા સવિશેષ આંનદ છે.


આ પ્રસંગે વિચારવાહકો થર્સ-ડે થોટ્સ પરિવારની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં લૅઉઆ પટેલ સમાજના બે કલાસ-૨ અધિકારીઓ ડો. ઉમેશભાઈ તરપદા, OSD ઉચ્ચ શિક્ષણ કચેરી તથા પ્રો. ડૉ. ચેતનભાઈ સાંગાણી, સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર નું અભિવાદન કર્યું હતું ગત ગુરુવારનો વિચાર રાજુભાઈ ગૌદાની એ રજૂ કર્યો હતો જ્યારે કાર્યક્રમનું સંચાલન અંકીતભાઈ બુટાણી એ તથા સમગ્ર વ્યવસ્થા ઓફીસ ટીમે સંભાળી હતી.