નપા દ્વારા રખડતાં કૂતરાઓને ઝડપી પાડવા અને રસીકરણ સહિતના ઓપરેશન કરવા માટેની કામગીરીમાં વધારો કરાયો
સુરત મહાનગરપાલિકામાં કૂતરા વડે બાળકો તેમજ અન્ય લોકોને કરડવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જે રીતે રમતા બાળકો ઉપર શ્વાનો હુમલો કરી રહ્યા છે તેને કારણે ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે, એક બાળકીનું મોત થયું છે. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરે છે.
DC સેન્ટરમાં વ્યવસ્થામાં વધારો
સુરત શહેરની અંદર રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. સમયાંતરે રખડતા કૂતરાઓ રાહદારીઓને કરડી લેતા હોય છે. હડકવા લાગી ગયેલા કૂતરાઓ પણ ખૂબ જ બેફામ રીતે શહેરભરમાં ફરતા હોય છે અને કરડતા હોય છે, જેને કારણે મોત થવાની પણ શક્યતા વધી જાય છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં DC સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં શ્વાનોની ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે તેમજ રખડતા કૂતરાઓને પાંજરામાં મૂકવા માટેની પણ વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
રોજના 65-70 ઓપરેશન કરાવવામાં આવી રહ્યા છે
સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવે વધુમાં વધુ કૂતરાઓને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ ખસીકરણ અને રસીકરણ માટે જે ઓપરેશન કરવામાં આવતા હોય છે, તેની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના DC સેન્ટરમાં રોજના માત્ર 30 થી 35 ઓપરેશનો કુતરાઓના કરવામાં આવતા હતા પરંતુ, હવે તેની સંખ્યા વધારીને 65 થી 70 રોજ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કુતરા કરડવાની જે ઘટના બની રહી છે તેના ઉપર નિયંત્રણ લાવી શકાય.
દરેક ઝોનમાં ટીમ કામે લાગી
એડિશનલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાજેશ ગેલાણીએ જણાવ્યું કે, DC સેન્ટરમાં કૂતરાઓને રાખવા માટે પહેલા સુરત મહાનગરપાલિકા પાસે કુલ 42 જેટલા પાંજરા હતા, જેને વધારીને હવે કુલ 97 જેટલા પાંજરા કરવામાં આવ્યા છે, જેને કારણે હવે DC સેન્ટરમાં કૂતરાઓ રાખવામની ક્ષમતાઓ પણ વધી છે. પહેલા 432 જેટલા કુતરાઓ રાખી શકાતા હતા પરંતુ, હવે 522 કરતા વધુ કુતરાઓને રાખી શકશે. પહેલા બે ડોક્ટરોની ટીમ હતી પરંતુ, હવે તેની સંખ્યા વધારીને બમણી કરી દેવામાં આવે છે, હવે ચાર ડોક્ટરો દ્વારા રોજના પહેલા 30 થી 35 ઓપરેશન કરવામાં આવતા હતા તેને બદલે ખસીકરણ અને રસીકરણના કુલ 65 થી 70 જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. દરેક ઝોનમાંની કુતરા પકડવા માટેની ટીમ કાર્યરત છે.