
દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ નવા કેસ પણ નોંધાયા
સંક્રમણનો દૈનિક દર 5.01 ટકા અને સાપ્તાહિક દર 4.29 ટકા છે
દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં પ્રથમવાર એક દિવસમાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. દેશના ઘણા ભાગોમાં સંક્રમણ વધવાને કારણે છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ નવા કેસ પણ નોંધાયા છે. પ્રારંભિક તબક્કામાં મૃત્યુઆંક ઓછો હતો. જો કે અઠવાડિયામાં તેમાં વધારો થયો છે. દેશમાં સક્રિય કેસ પણ સતત વધી રહ્યા છે.
કેરળમાં સૌથી વધુ 9 લોકોના મોત
એક રિપોર્ટ અનુસાર કેરળમાં આ મહામારીને કારણે સૌથી વધુ 9 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે આ સિઝનમાં કુલ મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લે 15 ઓક્ટોબરે કોરોનાને કારણે મૃત્યુઆંક 20 કે તેથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ મોત થયા છે. પંજાબ અને છત્તીસગઢમાં પણ બે-બે મોત થયા છે. રાજસ્થાનમાં ગઈકાલે વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં પણ ચાર લોકોના મોત થયા છે.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે
ભારતમાં સંક્રમણનો દૈનિક દર 5.01 ટકા છે અને સાપ્તાહિક દર 4.29 ટકા છે. હાલમાં દેશમાં 50 હજારથી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમીત થયા હોવાથી સારવાર લઈ રહ્યા છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો દર 98.70 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,42,16,586 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220,66,25,120 ડોઝ આપવામાં આવ્યા છે.
મુંબઈમાં 284 નવા કેસ નોંધાયા
મુંબઈમાં ગઈકાલે કોરોના વાયરસના સંક્રમણના 284 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા વધીને 11,60,103 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 19,753 પર સ્થિર છે. મ્યુનિસિપલ બોડીના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે 274 કેસ નોંધાયા હતા.