
યવરાજસિંહની ધરપકડના વિરોધમાં AAP ઢીલી પડી
આમ આદમી પાર્ટી (AAP)ના અધિકૃત સભ્ય હોવા છતાં, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ડમી ઉમેદવારોના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે, AAPના સક્રિય સભ્યોને યુવરાજસિંહને ટેકો આપવો જોઈએ, પરંતુ અહીં તો ઊલ્ટાનું વિદ્યાર્થીનેતાને પૂરતું સમર્થન આપવામાં આવી રહ્યું નથી. AAP નેતાઓ યુવરાજસિંહને સમર્થન આપવામાં ઊણા ઉતરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. AAPને બદલ કોંગ્રેસ આ ઉભરતા વિવાદાસ્પદ નેતાની બાજુમા આવી ઊભી રહી તક ઝડપી લીધી છે. કોંગ્રેસ ઝડપથી યુવા વિદ્યાર્થીઓનો અવાજ અને ચહેરો બની રહી છે.
3 દિવસ બાદ AAP અચાનક ઊંઘમાંથી જાગી
ભાવનગરના યુવરાજસિંહની ધરપકડના બીજા જ દિવસે NSUIએ કોઈ વિલંબ કર્યા વિના જોરશોરથી વિરોધ શરૂ કરી દીધો હતો. આમ જોઈએ તો કોંગ્રેસ યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજીબાજુ, AAPના નેતા ગોપાલ ઇટાલિયાને જ્યારે તેમની ધરપકડ બાદ પાર્ટીની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે બધી વિગતો જાણીશું અને વિચારીશું. ત્રણ દિવસ બાદ AAP અચાનક ઊંઘમાંથી જાગ્યા પણ પછી તો ઘોડા છૂટી ગયા અને તબેલાને તાળા માર્યા તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લે છેલ્લે કલેક્ટર કચેરીને મેમોરેન્ડમ સુપરત કરીને વિરોધ નોંધાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.
હવે તલાટીની પરીક્ષામાં સરકાર નાક બચાવશે?
દર બુધવારે મળનારી ગુજરાત કેબિનેટની બેઠકે એક તરફ રાહતનો શ્વાસ લીધો હતો. એપ્રિલના પ્રથમ મહિનામાં ક્લાર્કની પરીક્ષા બાદ TET-2ની પરીક્ષા પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. અગાઉ, સરકારને પેપરલીકના એપિસોડથી રેલો આવ્યો હતો અને છેલ્લી ઘડીએ ક્લાર્કની પરીક્ષાની તારીખો મુલતવી રાખવાની ફરજ પડી હતી. પરંતુ ગયા બુધવારે એક વરિષ્ઠ મંત્રીએ બેઠકમાં કહ્યું હતું કે, હજુ હાશકારો અનુભવવાનો સમય નથી. માટે, સૌથી વધુ અપેક્ષિત તલાટી કમ મંત્રીની પરીક્ષાઓ પૈકીની એકની રાહ જોવાઈ રહી છે, જે 7મેના રોજ લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટને પેપર કૌભાંડ લીકનું પુનરાવર્તન ટાળીને સરકારે પોતાનું નાક બચાવવું જ જોઈએ.
સુરતમાં AAPના કોર્પોરેટરોને અંદરોઅંદર બનતું નથી
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોમાં ‘અમે રહી ગયા’ની આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. ભાજપે જે પ્રકારે ઓપરેશન પાર પાડ્યું છે તેને લઈને હવે કોર્પોરેટરો એકબીજા ઉપર વિશ્વાસ કરી રહ્યા નથી. એક મહિલા કોર્પોરેટરે તો આપના સક્રિય કોર્પોરેટરને કહી દીધું કે, હમણાં તો મોટી મોટી વાતો કરો છો, પણ ક્યારે ભાગી જશો તેની ખબર પણ નહીં પડે. આ વાતને લઈને આંતરિક ઝઘડો ઉભો થયો છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, આપના કોર્પોરેટરો સામેથી ભાજપ બોલાવે તેની રાહ જોઈ રહ્યા છે. ભાજપ સંગઠન પાસેથી ગ્રીન સિગ્નલ મળતા જ ગમે ત્યારે આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને ભાજપની કંઠી પહેરી લેશે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો પણ જાણે ખૂબ મોટું તીર મારી લીધું હોય તે રીતે વર્તન AAPના જૂના કોર્પોરેટરો સામે કરી રહ્યા છે.
કોંગ્રેસ અગ્રણીની દુકાનનું ઉદ્ધાટન ભાજપના ધારાસભ્યએ કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા તે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યએ ભાજપના નેતાઓ સાથે મળી ખાણીપીણીની દુકાન શરૂ કરી તેનું ઉદ્ઘાટન કરવા પહોંચી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારને હરાવનાર ભાજપના ધારાસભ્ય ખુદ આ દુકાનનું ઉદ્ઘાટન કરવા જતાં વિધાનસભા અને વોર્ડમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના નેતાઓ સાથે મળી અને ભાગીદારીમાં ખાણીપીણીની દુકાન શરૂ કરી છે. જે દુકાનનું ઉદઘાટન કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના નેતાએ જે ભાજપ તરફથી ઉમેદવાર હતા અને ધારાસભ્ય બન્યા તેમને જ બોલાવ્યા હતા.
દુકાન સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો
હાલમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ ભાગીદારીમાં કરેલી દુકાન સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જે કોંગ્રેસના ઉમેદવાર ભાજપના નેતાઓની સામે ચૂંટણી લડ્યા હતા અને સામસામે આક્ષેપબાજી કરતા હતા તે આજે હવે ભાગીદારીમાં ધંધો કરી રહ્યા છે. જીતેલા ધારાસભ્ય તો આ કોંગ્રેસના ઉમેદવારના ભાગીદારીના ધંધાનું ઉદઘાટન કરવા ગયા અને કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો હતો.
IAS અધિકારીને લોકોના પ્રશ્નોમાં નહીં મોબાઈલમાં રસ
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ યુવા IAS અધિકારીઓને પણ કેટલીક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પ્રજાના પ્રશ્નો અંગેની જ્યારે ચર્ચા થતી હોય તેમાં IAS અધિકારીએ રસ દાખવવાનો હોય અને તેમાંથી પ્રજાના પ્રશ્નો નિરાકરણ આવતું હોય તેવા પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ અમદાવાદમાં એક IAS અધિકારી પ્રજાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન મોબાઈલ પર વ્યસ્ત રહે છે.
લોકોના પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં IAS અધિકારી ખાલી હાથે હાજર રહે છે
ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે પ્રજાના પ્રશ્નોની ચર્ચા અને રજૂઆત કરતા હોય છે ત્યારે કેટલાક સિનિયર IAS અધિકારીઓ તો પોતાની સાથે ડાયરી લઈને આવે છે અને જે પણ રજૂઆત થતી હોય ત્યારે જો તેમના લાગતા વળગતા વિભાગ હોય તો તેમાં ડાયરીમાં નોંધ પણ કરતા હોય છે, પરંતુ આ IAS અધિકારી ખાલી હાથે હાજર રહે છે. તેમના વિસ્તારના પ્રશ્નની રજૂઆત થતી હોય છે છતાં પણ તેને નોંધવાની જગ્યાએ મોબાઈલમાં જ ધ્યાન આપે છે. IAS અધિકારી પ્રજાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન આ રીતે મોબાઇલમાં વ્યસ્ત રહે તો કેવી રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે.
સ્કૂલે ફી વધારતા વાલીઓએ ફરિયાદ કરી, અધિકારી વચ્ચે પડ્યા ને ભીનું સંકલેવા પ્રયાસ
અમદાવાદની જાણિતી સ્કૂલ દ્વારા વધુ ફી વસુલવામાં આવી હતી. સ્કૂલની મનમાની સામે વાલીઓએ વિરોધ કરીને સ્કૂલ સામે ફરિયાદ કરી હતી. સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ ગાંધીનગરના એક અધિકારીના કહેવાથી અમદાવાદના અધિકારીએ તપાસ સંકેલી દીધી હતી. ગાંધીનગરના અધિકારીના કહેવાથી અમદાવાદના અધિકારીએ તપાસ માટે એક અન્ય કમિટીને લેટર લખ્યો હતો. સ્કૂલની ભલામણ કરાવનાર ગાંધીનગરના અધિકારી હવે કમિટી પર દબાણ લાવીને તપાસ પણ ત્યાં જ પૂરી કરાવી દેશે.
સુદાનથી ભારતીયોનું પ્લેન મોડું પડ્યું, એમ ગૃહમંત્રીનો કાર્યક્રમ બદલાતો ગયો
સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં અનેક ભારતીય ફસાયા હતા, તેમને ભારત લાવવા માટે ઓપરેશન કાવેરી હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ ઘણા ભારતીયોને ગુજરાત લાવવામાં આવ્યા છે અને રિસિવ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આખો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ કાર્યક્રમ મધ્ય રાત્રિથી સવારના પાંચ વાગ્યા સુધી થયો જ નહીં, વારંવાર ગૃહ રાજ્યમંત્રી પોતાનો સમય બદલતા રહ્યા, ટ્વીટર પર જાણકારી આપતા રહ્યા. માહિતી ખાતાએ પણ સમય બદલાયો હોવાની જાણ કરતું રહે પણ ગૃહમંત્રી જે કાર્યક્રમ યોજવાનો હતો. ત્યાં છેક સવારે જ આવ્યા હતા એટલે જ્યાં સુધી વ્યવસ્થા ન ગોઠવાઇ ત્યાં સુધી ગૃહમંત્રી દૂર જ રહ્યા હતા
બીજીવાર પોલીસ કચેરીના લોકાર્પણમાં નેતા ન આવ્યા, પણ જમણવાર થયો
અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગની એક કચેરીનું ફરીથી લોકાર્પણ થવાનું હતું, જ્યારે પહેલી વખત લોકાર્પણ થયું ત્યારે એક રાજકીય નેતા હાજર હતા અને તેમણે પોતાનો મોબાઈલ નંબર જાહેર કરીને હંમેશા પોતાની સાથે સંપર્કમાં રહેશે તેવું જણાવ્યું હતું. હવે આ વાતને ઘણો સમય થઈ ગયો, ત્યારે હવે ઓફિસની આસપાસ નવું રંગરોગન અને ગેટ બનાવવામાં આવ્યો છે તેને પણ આ જ નેતા લોકાર્પણ કરે તે માટે આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બીજીવાર નેતા આવ્યા નહીં, એટલે હવે આ વખતે તો જે તૈયારીઓ કરી હતી તેમાં જમણવારમાં મહેમાનોને બોલાવ્યા હતા. કાર્યક્રમ થયો કે ન થયો પણ જમણવાર માટે બોલાવવામાં આવેલા લોકોને જમાડવા પડ્યા એ ભારે પડ્યું છે.
ભાજપ સંગઠન મહામંત્રીની ઓચિંતી રાજકોટ મુલાકાત
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી સ્વરૂપે ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ ગુજરાતના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતથી ફરી રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ પહોંચેલા રત્નાકરની હાજરીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ તથા મહાનગરોના પ્રમુખ મહામંત્રી તથા પ્રભારીઓની બેઠક યોજાઈ હતી. તેમાં હવે ચૂંટણીની સંગઠનની તૈયારીઓ અંગે રત્નાકરે માર્ગદર્શન આપ્યું હતું.
નેતાઓ રત્નાકરને પૂર્વ મંત્રીની ફરિયાદ કરી
લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં સંગઠનમાં ફેરફાર કર્યા છે અને બાકી રહેતા જિલ્લા અને મહાનગરોમાં હવે ફરેફાર થાય તેવી શક્યા છે. રાજકોટ આવેલા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અચાનક ગુજરાતના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના નિવાસ્થાને મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. ચર્ચાતી વિગતો મુજબ પૂર્વ મંત્રીના નિવાસ્થાને કરેલી આ મુલાકાત પછી ભાજપના જ કેટલાક નેતાઓ આવી રત્નાકરને પૂર્વ મંત્રીની ફરિયાદ કરી કહ્યું હતું કે, તેઓએ પાછલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે. જોકે, નેતાઓનું કહેવું છે કે, અમો ફરિયાદ કરવા નહીં પરંતુ વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાતે આવવા માટે આમંત્રણ આપવા ગયા હતા.
વડોદરામાં પણ વિપક્ષ પાસેથી સુવિધાઓ પાછી ખેંચી લેવાશે?
જૂનાગઢ અને રાજકોટ મહાનગર પાલિકામાંથી વિપક્ષની સુવિધા પરત ખેંચી લેવામાં આવી છે અને કોંગ્રેસને 10 ટકા બેઠકો મળી નથી તેથી તેમને સુવિધાઓ આપવી યોગ્ય નથી તેવું કારણ દર્શાવ્યું છે. ત્યારે હવે શું વડોદરા કોર્પોરેશનમાંથી પણ વિપક્ષને અપાતી સુવિધાઓ પરત ખેંચાશે તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, બંધારણ મુજબ વડોદરામાં પણ કોંગ્રેસ પાસે 10 ટકા બેઠક નથી.
વડોદરામાં વિપક્ષને કાર ફાળવવામાં આવી નથી
તાજેતરમાં જૂનાગઢ મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં બહુમતીના જોરે શાસકોએ વિરોધ પક્ષમાં બહુમતી ન હોવાથી એકપણ પક્ષને વિરોધ પક્ષનું પદ ન મળે તેવો નિર્ણય લઈને વિરોધ પક્ષનું પદ અને તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ જેમ કે, ઓફિસ, સ્ટાફ, ગાડી સહિતની સુવિધાઓ સ્થગિત કરી દીધી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનું પદ છીનવાયું છે. વડોદરામાં વિપક્ષને કાર ફાળવવામાં આવી નથી. પરંતુ ઓફિસ, પટાવાળા, વિપક્ષને પી.એ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.
વડોદરામાં 76માંથી 7 બેઠકો કોંગ્રેસને મળી
રાજકોટ અને જૂનાગઢમાં વિપક્ષ પાસેથી સુવિધા પરત ખેંચી લેતા હવે વડોદરામાં પણ રાજકોટ અને જૂનાગઢવાળીની ભીતિ સેવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢમાં 60માંથી 3, રાજકોટમાં 72માંથી 2 અને વડોદરામાં 76માંથી 7 બેઠકો કોંગ્રેસને મળી છે. જો બંધારણીય નિયમ મુજબ 10 ટકા બેઠકની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસ પાસે 8 બેઠક હોવી જરૂરી છે. જેથી 7 બેઠક હોવાના કારણે વડોદરા કોર્પોરેશનમાંથી પણ કોંગ્રેસની સુવિધા બંધ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલલેખનીય છે કે, વડોદરા મહાનગર પાલિકામાં શાસક પક્ષના નેતા તથા દંડક અને વિપક્ષ નેતા તથા દંડકનો બંધારણીય હોદ્દો નથી.