
સ્મીમેર હોસ્પિટલના પહેલાં માળે કાર્યરત બાળકોના ICUમાં 5 એરકન્ડિશનર (AC) પૈકી 2 જ એસી કાર્યરત છે. કમ્પલેઇન બુકમાં છેલ્લા 5 મહિનામાં આશરે 35 વખત એસી રિપેરની નોંધ કરાઈ છતા કામ થયું નથી. તે પણ મંદગતિએ ચાલી રહ્યાં હોવાથી નિયત ટેમ્પરેચર જળવાઇ રહ્યું ન હોવાથી સારવાર હેઠળના બાળ દર્દીઓના સ્વાસ્થ્યને સારવાર ખંડમાં જ જોખમ હોવાની ફરિયાદ પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્યએ કરી હતી.
તેમણે કહ્યું કે, 5 મહિનામાં 35 વખત સ્થાનિક કર્મીઓએ એસી બગડેલા હોવાના લીધે રિપેર કરવાની લેખિત રાવ નાખી છે તેમ છતાં સ્મીમેરના ઇલેક્ટ્રિક વિભાગ તથા મેઇન્ટેનન્સ એજન્સીની કામગીરી અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ કરાઇ હતી.નગરસેવક રચના હીરપરાએ જણાવ્યું કે, સ્મીમેરના પહેલાં માળે કાર્યરત પિડિયાટ્રિક ICUની વિઝિટ દરમ્યાન ખુબ ગરમી જણાઇ હતી. PICU 5 પૈકી 3 એસી લાંબા સમયથી બંધ છે.
‘સ્મીમેરના ઇલેક્ટ્રિક વિભાગ તથા એજન્સીની સામે તપાસ કરો’
સ્મીમેર અને મેડિકલ કોલેજમાં જુદી-જુદી કેપેસિટીના એસી, વોટર કુલર અને રેફ્રિજરેટરોને 3 વર્ષ માટે મરામત અને નિભાવ કરવા પાલિકાએ ગુપ્તા ઇલેકટ્રીક વર્કસને 53 લાખના ખર્ચે ટેન્ડર સોંપણી કરી છે. ફરિયાદ છતાં એસી રિપેર કરાતા ન હોવાની કોર્પોરેટરે ફરિયાદ કરી હતી. માતબર ખર્ચ છતાં PICU જેવા સંવેદનશીલ વોર્ડના વહીવટમાં બેદરકારી રખાતી હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે.
એક વર્ષ પહેલાં પણ PICUના AC 50 દિવસ બંધ રહ્યાં હતાં
સ્મીમેરના PICUમાં એસી રિપેર થઇ રહ્યાં ન હોવાની વધુ એક વખત ફરિયાદ કરાઇ છે ત્યારે ગઇ તા. 30 જુલાઇ-2022ના રોજ ‘દિવ્ય ભાસ્કર’એ પ્રસિદ્ધ કરેલાં અહેવાલમાં પણ PICUના AC 50 દિવસથી બંધ હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે બેજવાબદારોની બદલી પણ કરી હતી.
2 ACની કોપર લાઇનમાં પંક્ચર હતું
સ્મીમેરના ICU બ્લોકનું એક્સ્ટેન્શનનું કામ ચાલી રહ્યું છે જેના લીધે PICUના 2 ACની કોપર પાઇપમાં પંક્ચર પડવાની સમસ્યા સામે આવી હતી. એસી બંધ થવાની ફરિયાદ મળી હતી. જોકે 35 ફરિયાદ નોંધાઇ છે તે અંગે જાણકારી નથી, જોકે, પ્રાયોરિટી મુજબ PICUના બંધ AC પૂર્વવત કરાશે. > સોહમ્ દેસાઇ, ડે. ઇજનેર, ઇલેક્ટ્રિક વિભાગ, પાલિકા