
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરી પાડતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના. આ યોજના અમલમાં આવી ત્યારથી કોઈ ને કોઈ વાદ વિવાદમાં આવી રહી છે. ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી, તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુને કારણે વિવાદમાં આવતી હોય છે. આ વખતે 20 જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ન આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ત્યારે આ અંગે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળના પ્રમુખે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખી પૂરતો ગુણવત્તાયુક્ત જથ્થો આપવાની માગ કરવામાં આવી છે.
ઉનાળુ વેકેશન પછી જથ્થો જ નથી આવ્યો
ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળના પ્રમુખ કિશોર જોશીએ જણાવ્યું હતું કે અનાજ તદ્દન હલકી ગુણવત્તાવાળું મળવાની કર્મચારીમંડળ દ્વારા અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી છે. એમ છતાં કોઈ નેતા કે અધિકારીને કોઈ ફેર પડતો નથી. શૈક્ષણિક વર્ષ 2023-24નું પ્રથમ સત્ર તારીખ 05.06.2023થી શરૂ થયું ત્યારથી ગુજરાતના 20 જેટલા જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો નથી. આજે એક માસ થવા છતાં દાળ અને તેલ આવ્યાં નથી તેમજ એકપણ અનાજની ફાળવણી હજી સુધી કરવામાં આવી નથી. આ યોજના હાલ રામ ભરોસે ચાલે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર એકબીજા માથે ઢોળે છે
કિશોર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં અનાજ પૂરું પાડવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા હિસ્સો આપવામાં આવે છે. કેન્દ્ર સરકારમાં રજુઆત કરીએ તો તેઓ રાજ્ય સરકાર પર ઢોળે છે અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ તો તેઓ કેન્દ્ર સરકાર પર ઢોળે છે. કોઈ રજૂઆતમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

ગુજરાતની 29 હજાર સ્કૂલમાં બાળકો લાભ લે છે
કિશોર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની 29 હજાર સ્કૂલોમાં 45 લાખ બાળકો રોજ મધ્યાહન ભોજનનો લાભ લે છે. અમારા 96000 કર્મચારી અને આ યોજનાના વિદ્યાર્થીઓ ભોજન લે છે. સડેલું અનાજ પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવે છે અને કોઈ બનાવ બનવા પામે તો આ યોજનાના નજીવા વેતનથી કામ કરતા સંચાલકને 3000, રસોઈયાને 2500 અને મદદનીશને 2500 જેવા નાના પગારદાર કર્મચારીનો ભોગ લેવાઈ જાય છે, માટે અમારી વિનંતી છે કે સારી ગુણવત્તાવાળા અનાજની ખરીદ કરવામાં આવે.

સરકાર મેનુ મુજબ અનાજ ખરીદીને આપતી નથી
કિશોર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર મેનુ મુજબ અનાજ ખરીદીને આપતી નથી, બાળકોને બપોરે જમવાનું ન મળે તો તેમના નિસાસા અમને લાગે છે. સરકારે જ મેનુ બનાવ્યું છે તો તેમને વિનંતી છે કે મેનુ મુજબ અમને જથ્થો આપો. છેલ્લા બે મહિનાથી અમારા કર્મચારીઓ બાળકોને ભોજન આપે છે. એટલા માટે સરકારને મેનુ મુજબ સારી ગુણવત્તાવાળો જથ્થો આપે એવી રજૂઆત છે.