
આજકાલ લોકોને કાયદાનું ભાન જ ના હોય એવી રીતે વાહન હંકારતા હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું તો ઠીક, પરંતુ રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અન્યના જીવ પણ જોખમમાં મુકે છે. એવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બનવા પામ્યો છે. સુરતમાં છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડમાં વાહન હંકારવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી બ્રિજ ઉપર ખોટી દિશામાં વાહન હંકારતા દેખાઈ રહ્યા છે. તમે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, એક એક્ટિવા ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જતો નજરે પડે છે. સામેથી આવતા લોકો પણ આ જોઈને હેરાન છે કે, આ કાકાને એટલી તો શું ઉતાવળ?. જોકે કોઈ વાનહ ચાલકે જ આ એક્ટિવા ચાલકનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે. તો ટ્રાફિક વિભાગ ક્યારે એક્શન લેશે એતો હવે જોવું રહ્યું.
બ્રિજ ઉપર રોંગ સાઈડમાં વાહન
સુરતી લાલાઓ આવા ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરવામાં ખૂબ જ બેદરકાર દેખાઈ રહ્યાં છે. શહેરમાં અકસ્માતો વધતા હોવા છતાં પણ આંખ ઉઘડી રહી નથી. વાહન ચાલકોએ બેદરકારીપૂર્વક બ્રિજની ઓવરસાઈડથી વાહન હંકારી પોતાના માટે તો મોતને આમંત્રણ આપી જ રહ્યા છે, પરંતુ સામેથી આવતા વાહન ચાલકો માટે પણ કાળમુખા બની શકે છે. બ્રિજ પર રોંગ સાઈડમાં વાહનો હંકારતા સમયે જો સામેથી પૂરપાટ ઝડપે કોઈ વાહન આવી જાય તો તે પોતે પણ પોતાના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી શકે અને મોટો અકસ્માત થઈ શકે છે.
ટ્રાફિક વિભાગ ક્યારે કાર્યવાહી કરશે?
સુરત શહેર બ્રિજ સીટી તરીકે ઓળખાય છે. શહેરના તમામ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક ભારે અને ઓછું કરવા માટે બનાવેલા બ્રિજ ઉપર વાહન ચાલકો નિયમોનો ઉલ્લંઘન કરીને વાહન હંકારી રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા આ પ્રકારે રોંગ સાઈડમાં બ્રિજ ઉપર વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને બ્રિજ ઉપર જીવના જોખમે રોંગ સાઈડમાં વાહન હંકારતા બંધ થાય.
રિક્ષા ચાલકે પણ રોંગસાઈડમાં રમરમાટી બોલાવી હતી
જોકે હજી તો બે દિવસ અગાઉ સુરત શહેરનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે મોતને આમંત્રણ આપવા માટે રોંગસાઈડમાં રિક્ષા લઈને જઈ રહ્યો હતો. વરાછા વિસ્તારમાં વાહનોની ગીચતા ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા સતત વકરી રહી છે. વરાછા હીરાબાગ સર્કલ ચોપાટી તરફ જવાના રસ્તે કતારગામ અને યોગી ચોક તરફ સતત ટ્રાફિકનો ઘસારો જોવા મળે છે. પરિણામે અનેક જગ્યાએ તમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે. વાહન ચાલકો ઝડપથી પહોંચવા માટે તમામ ટ્રાફિકના નિયમો નેવે મૂકી દે છે. હવે જોવાનું એ રહ્યું કે, ટ્રાફિક વિભાગ આવા તત્વો વિરુદ્ધ કેવા પ્રકારની કામગીરી છે.