
સુરતમાં સાડાત્રણ વર્ષીય અને અઢી વર્ષીય બાળકનાં બીમારીને કારણે મોત થયાં હતાં. એક બાળક ઠંડું પડી ગયું હતું, જ્યારે બીજાને ઊલટીઓ થવા લાગી હતી. જેથી બંને બાળકોને પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈને દોડી ગયાં હતાં. જોકે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. બંને પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
અઢી વર્ષીય બાળકનું ઊલટી બાદ મોત
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઊલટી કરવાનું શરૂ કર્યું હતું.
હોસ્પિટલ જતાં રસ્તામાં જ બેભાન થઈ ગયો
પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો. 4થી 5 વાર ઊલટી થઈ હતી. આ પહેલાં કંઈ જ ન હતું. અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જોકે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યાં હતાં.
સાડાત્રણ વર્ષીય બાળકના મોતથી પરિવાર શોકમાં
મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં
લક્કી અને શત્રુઘ્નના મોતથી હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. કોઈના પિતા ખંભા પર દીકરાને લઈ જતા નજરે પડ્યા તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહ આગળ રડી રહી હતી. કોણ કોને સાંત્વના આપે એવી સ્થિતિ જોવા મળી હતી. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઈ હતી.
