
ઇન્સ્ટાગ્રામ પર સમાચાર મેળવવા 👇નીચેની લિન્ક ઓપન કરી ફોલો કરો 📍
https://www.instagram.com/real.network.news/
કામરેજ રહેતા એક રત્નકલાકાર પરિવારના બંને દીકરા આર્મીમાં હતા. પરંતુ નાના દીકરા દેશ માટે શહીદ થયા અને બીજો દીકરો હાલ લેહ-લદાખમાં ફરજ પર તૈનાત છે. કામરેજ ખાતે વિઝડમ સ્કૂલ ખાતે વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી હતી.
મહેસાણાના ચાણસોલ ગામના વતની અને હાલ કામરેજ રહેતા દિલીપસિંહ અંબુજી રાણાને સંતાનોમાં લવ-કુશ જેવા બે દીકરા હતા. બંને દીકરાઓને રાષ્ટ્ર માટે આર્મીમાં મોકલ્યા. નાના દીકરા રાજપૂત ભરતસિંહ લેહ-લદાખ ખાતે માઈનસ -૨૫ ડીગ્રીમાં સરહદ પર તૈનાત હતા. બર્ફીલી કાતિલ ઠંડીને કારણે બીમાર પડતા લેહની કમાન્ડો હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન તા.૨૮-૧૨-૨૦૨૨ના રોજ વીરગતિ પામ્યા છે. વિરજવાન રાજપૂત ભરતસિંહજી ધો.૧૧ પાસ કરી ૨૦૦૯માં આર્મીના આર્મ રેજીમેન્ટમાં જોડાયા હતા. વિર શહીદ જવાનના પિતા દિલીપસિંહ રાણા તથા માતા ગજરાબેને વ્હાલસોયા દીકરાને ગુમાવ્યો છે. જયારે તેમના પત્ની ભાવનાબેને સુહાગનું બલિદાન આપ્યું છે. તે પરિવારને જય જવાન નાગરિક સમિતિ સુરત, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહિલા વિંગ અને વિઝડમ સ્કુલના સયુંકત આયોજનથી પરિવારને સન્માન સાથે કુલ ૨.૫ લાખ રૂપિયાનો સહૃદયથી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વિરશહીદ ભરતસિંહના પરિવારના અભિવાદન માટે વિઝડમ સ્કૂલ, કામરેજ ખાતે યોજાયેલા સહાય અર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નિવૃત પ્રોફેસર કોકીલાબેન મઝેઠીયા તથા નિવૃત શિક્ષિકા ઇલાબેન રાજ્યગુરુ ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બંને બહેનો હાલ નિવૃત છે. પરંતુ પેન્શન વગેરે આવકમાંથી શહીદ પરિવારો માટે જય જવાન નાગરિક સમિતિ સુરતને આર્થિક સહયોગ આપે છે.
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી દર વર્ષે શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય સહાય અર્પણ કરવા માટે દર વર્ષે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ ૧૮ પરિવારોનું સન્માન થશે. તે પૈકી શહીદ રાજપૂત ભરતસિંહજીના પરિવારને તેમના ઘરે સહાય અર્પણ કરવાના ભાગરૂપે વિઝડમ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરી સહાય અર્પણ કરવામાં આવી હતી.
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રૂI.૧,૫૦,૦૦૦, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહિલા વિંગની બહેનો તરફથી રૂI.૬૦,૦૦૦ તથા વિઝડમ સ્કૂલ તરફથી રૂI.૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા વીંગના શ્રીમતિ જયશ્રી બેન ભાલાળા, વીણાબેન પટેલ, કુંદનબેન માલવિયા, વિમળાબેન ટીંબડીયા, વર્ષાબેન ગોંડલીયા અને હર્ષાબેન ઠુંમર વગેરે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારના આશાબેન પટેલ, ઈશાબેન પટેલ અને વૈશાલીબેન લક્કડ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજના અગ્રણીશ્રી રામજીભાઈ ઈટાલીયા, શ્રી દિનેશભાઈ પટેલ ગેરેજવાળા, શ્રી કેતનભાઈ દુધાગરા અને શ્રી અલ્પેશભાઈ વાડદોરિયા તથા શ્રી ભીખુભાઈ ટીંબડીયા, શ્રી કાળુભાઈ શેલડીયા તથા શ્રી મનજીભાઈ વાઘાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ સૈનિક મળે તો જય હિન્દ અને સૈનિકના માતા-પિતા મળેતો પ્રણામ કરવાનો સંકલ્પ કરાયો હતો. પરિવારના સન્માન સમયે સજળનેત્રે લોકોએ ભાવાંજલિ અર્પણ કરી હતી. શાળાના સંચાલકશ્રી નરેશભાઈ લક્કડના આયોજનને સર્વોએ બિરદાવ્યું હતું.