
ગઈકાલે સુરતમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ શરૂ થયો હતો તેના કારણે જનજીવન પર તેની સીધી અસર દેખાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં અને લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, જેથી કરીને લોકો અવરજવર કરી શકતા ન હતા. થોડા સમય માટે જાણે સુરત થંભી ગયું હતું અને આજે સુરતીઓ ફરી મોજમાં દેખાઇ રહ્યા છે. આજે સવારે વરસાદી માહોલમાં સુરતનું એક યંગસ્ટર ગ્રુપ ગરબા રમવા ડુમસ બીચ પર પહોંચી ગયું હતું અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ‘જય જય અંબે’ના નાદ સાથે યુવાનો-યુવતીઓ દોઢિયા રમ્યાં હતાં. આથી દરિયાકિનારો ભક્તિથી ગુંજી ઊઠ્યો હતો.
બીચ પર હાજર લોકો પણ જોડાયા
આ ગ્રૂપે ગરબા રમવાનું ચાલુ કરતા જ બીચ પર ટહેલવા આવેલા લોકો પણ ઉત્સાહમાં આવી ગરબા રમવા લાગ્યા હતા. ડીજેનો અવાજ સંભળાતા સૌ કોઈ ઉત્સાહમાં આવી ગયા હતા અને દરિયાકિનારે ગરબાની રમઝટ બોલાવી હતી. દરિયાકિનારા પર ભક્તિમય વાતાવરણ સર્જાતા લોકો પણ મોજમાં આવી ગયા હતા.

આહલાદક વાતાવરણ સાથે ગરબાની મોજ
સુરતનું આ ગ્રૂપ આજે વહેલી સવારે ડુમસ બીચ ઉપર એકત્રિત થયું હતું. આ યુવક-યુવતીના ગ્રૂપ દ્વારા ગરબા અને દોઢિયા રાસ રમીને મોજ કરવામાં આવી હતી. હાલ વરસાદના આહલાદક વાતાવરણમાં ગરબાની મજા માણવા સુરતીલાલાઓ બીચ ઉપર પહોંચી ગયા હતા.

રમણીય વાતાવરણમાં સુરતીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા
ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ડુમ્મસના દરિયાકિનારે એકત્રિત થયા હતા. ચોમાસા દરમિયાન અહીં ખૂબ જ રમણીય વાતાવરણ હોય છે, કુદરત સોળે કળાએ ખીલે છે અને આવા પ્રાકૃતિક સૌંદર્યભર્યા વાતાવરણમાં સુરતીલાલાઓ ગરબા અને દોઢિયા રમીને ફુલ મસ્તીના મૂડમાં દેખાયા હતા. ગઈકાલે અવિરત વરસાદથી જેટલા ત્રસ્ત હતા એના કરતાં વધુ જોશ સાથે આજે ડુમસના દરિયાકિનારે પોતાના ગ્રૂપ સાથે મજા માણતા દેખાયા હતા.



