
આધેડ ભુવામાં પડતાં જ છબછબિયા કરી તરીને કાંઠે આવ્યા ને બીજા યુવાને ખેંચીને બહાર કાઢી લીધા
જમાલપુર વિસ્તારમાંથી AMCનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો હતો
અમદાવાદઃ શહેર હવે સ્માર્ટસિટી નહીં પણ ભૂવા સિટી બની ગયું છે. શહેરમાં ચોમાસા પહેલાં જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. શહેરમાં છેલ્લા એક મહિનામાં 50થી વધુ જગ્યાએ ભુવા પડ્યા છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે પડેલા ભૂવાને બેરીકેડ ન કરવામાં આવતા ભારે વરસાદના કારણે તેમાં પાણી ભરાઈ ગયું હતું. ચાલુ વરસાદમાં એક આધેડ ત્યાંથી પસાર થતા હતો અને સીધા ભૂવામાં ગરકાવ થઈ ગયા હતાં. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આધેડ ભુવામાં પડતાં જ છબછબિયા કરી તરીને કાંઠે આવ્યા અને બીજા યુવાને તેમને ખેંચીને બહાર કાઢી લીધા હતાં.
આધેડ સીધા જ ભૂવામાં ગરકાવ થઈ ગયા
તાજેતરમાં જમાલપુર વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો હતો. ટાયર ભુવામાં પડે તે પહેલા જ ટ્રક થોડી આગળ નીકળી ગઈ હતી. ભુવો પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરવામાં આવતા આસપાસ બેરીકેટ મારી દેવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુવો પડ્યા બાદ ત્યાં સમાર કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જે બેરીકેટ લગાવવા જોઈએ તે લગાવવામાં આવ્યા નહોતા. શનિવારે ભારે વરસાદ પડ્યો હતો જેમાં રોડ ઉપર તેમજ ભુવામાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવવાના કારણે ભૂવો ઢંકાઈ ગયો હતો અને એક યુવક ત્યાંથી પસાર થયો હતો અને સીધો ભુવામાં ગરકાવ થઈ ગયો હતો.