
80ના દાયકાની આસપાસની વાત છે. સુરતમાં એક પરિવાર વિવિંગનું કામ કરતો હતો. મુંબઈ પોણા ત્રણસો કિલોમીટર દૂર એટલે માર્કેટ પણ સારું એવું મળી રહે. પરંતુ આ પરિવારમાં બે ભાઈઓને નવો વિચાર સૂઝ્યો અને એક એવી ઈન્ડસ્ટ્રીના પાયા નંખાયા જેની જરૂર 40 વર્ષ બાદ ઈસરોને એક મોટા મિશન એટલે કે ચંદ્રયાન-3માં પડવાની હતી.
હિમસન સિરામિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાનીવાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ કે, ‘મારા પિતા સુરજરામ બચકાનીવાલાએ મુંબઈની VJTI કોલેજમાંથી ટેક્સટાઇલ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો. મારા મોટા કાકા ઘરમાં જ લુમ્સ ચલાવતા હતા. એટલે તેમને જ્યારે-જ્યારે યાર્નની જરૂર પડતી ત્યારે તેઓ મુંબઈ જઈને લઈ આવતાં હતા. આ સાથે જ તેઓ તૈયાર થયેલ કાપડ ત્યાં જઈને વેચી આવતાં હતા. આ અરસામાં જ્યારે મારા પિતા એન્જિનિયર બની ગયા એટલે તેમને આગળ ભણવા માટે યુનાઈટેડ નેશનની સ્કૉલરશિપ મળી. એટલે તેઓ નાયલોન કેવી રીતે બને? તેની પ્રોસેસ શું હોય? તે ભણવા વિદેશ ગયા. એ પછી તેઓ વર્ષ 1955માં વતન ભારત પરત ફર્યા હતા.’
‘સુરતમાં આવીને તેમણે વિદેશની ટેકનોલોજી મુજબ સુરતમાં નાયલોનના વિવિંગ અને ડાઈંગ પ્રોસેસિંગનું કામ શરૂ કર્યું. એ સમયગાળામાં અમારી કંપનીનું હિમસન નાયલોન ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું હતું. એ પછી પોલિએસ્ટરનો ટ્રેન્ડ આવ્યો એટલે મારા પિતાએ પોલિએસ્ટરના ધંધામાં પણ ઝંપલાવ્યું. પોલિએસ્ટરમાં પણ વિવિંગમાં અમારું નામ થવા લાગ્યું. ત્યારે મારા પિતા અને કાકાને વિચાર આવ્યો કે આપણે ટેક્સ્ટાઇલ મશીનરી બનાવીએ.’

ટેક્સટાઇલ ક્ષેત્રેથી આવી રીતે સિરામિક ઉદ્યોગ તરફ વળ્યા
70ના દાયદાની શરૂઆતમાં સુરતમાં ટેક્સટાઇલ મશીનરી બનાવતી કંપની સ્થપાઈ. આ સમયે બચકાનીવાલા બંધુઓએ અનુભવ્યું કે આ મશીનરીમાં દરેક કોન્ટેક્ટ પોઈન્ટ્સ ઉપર સિરામિકનો ઉપયોગ થાય છે. જો યાર્ન પાસે કાચ કે કોઈ ધાતુની વસ્તુ ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ગરમ થઈ જાય, પીગળી જાય અને બળી જવાનો પણ ડર રહેતો હોય છે. એટલે યુરોપ, જાપાન અને અન્ય જગ્યાએથી સિરામિક મંગાવતા હતા. વિદેશથી આવતી વસ્તુ મોંઘી પડતી અને મશીનરી બનાવવાનો ખર્ચ પણ વધી જતો. એટલે 40 વર્ષ પહેલાં એ સમયે ‘મેક ઈન ઇન્ડિયા’નો વ્યૂહ અપનાવીને બચકાનીવાલા બંધુઓએ સિરામિક ક્ષેત્રે પગલું ભર્યું. શરૂઆતના વર્ષોમાં પ્લાનિંગ, ટેકનોલોજી, મટિરિયલની શોધ આદરી અને સુરતમાં વર્ષ 1985માં આવી રીતે હિમસન સિરામિકનો પ્લાન્ટ શરૂ થયો. હવે જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ થઈ રહ્યું છે, ત્યારે હિમસન સિરામિક કંપની ચર્ચામાં આવી છે.
હિમસન સિરામિક અને ઈસરોનું કનેક્શન
આજકાલ દુનિયાભરના લોકોની નજર ઈસરો પર છે. કારણકે ભારતની આ સ્પેસ એજન્સી ફરી એકવાર અવકાશમાં ઈતિહાસ લખવા જઈ રહી છે. 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2 વાગીને 35 મિનિટે ચંદ્રયાન-3ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્ર પર ઉતરવામાં સફળ રહે છે તો આવી સિદ્ધિ મેળવનારો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે. ઈસરોના આ અતિમહત્વના મિશનમાં સુરતની હિમસન કંપનીએ સ્ક્વિબ નામનો ખાસ ભાગ બનાવ્યો છે.
સુરતની ઓળખ વર્ષોથી ડાયમંડ સિટી તેમજ ટેક્સટાઇલના હબ તરીકે રહી છે. સુરતથી વિશ્વના અનેક દેશોમાં હીરાનો વેપાર થતો આવ્યો છે. પરંતુ હવે સુરતમાં બનેલા સ્ક્વિબનો ઉપયોગ ઈસરોના ખાસ મિશન ચંદ્રયાન-3માં કેવી રીતે થયો છે? ઈસરોએ સુરતની કંપનીની પસંદગી કેવી રીતે કરી? કેવા સંજોગોમાં ઈસરોએ વિદેશી કંપનીઓને બદલે સુરતની કંપની પર ભરોસો રાખ્યો? આ પહેલાના કયા-કયા મિશનમાં સુરતની હિમસન સિરામિક કંપની મહત્વનો ફાળો આપી ચુકી છે? તે વિશે હિમસન સિરામિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાનીવાલાએ વિગતવાર વાત કરી હતી.

ઈસરોની ટીમે કહ્યું, ‘અમને આ ડિઝાઇન મુજબ એક વસ્તુ બનાવી આપો’
નિમેષ બચકાનીવાલાએ જણાવ્યું કે, ‘વર્ષ 1994માં ઈસરોના વૈજ્ઞાનિકોને વિદેશથી આવતાં પાર્ટસને લઈને કંઈક ઈશ્યૂ આવ્યો હશે કે પછી અન્ય કોઈક કારણસર મુશ્કેલી આવી હોય, જેના કારણે તેઓ સુરતમાં આવ્યાં હતા. ઈસરોની ટીમે એ સમયે અમારા પ્લાન્ટની ઓચિંતી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જે પાર્ટ્સની જરૂર હતી એ પાર્ટસના ડ્રોઈન્ગ અને સેમ્પલ પણ તેઓ લઈને અમારી પાસે આવ્યાં હતા. તેમણે અમને કહ્યું હતું કે, અમારે આ પ્રકારની વસ્તુને ડેવલપ કરવી છે, તમે બનાવી આપો. આપણે સાથે રહીને કામ કરીએ. ઈસરો માટે કામ કરવું અમારા માટે ગર્વની વાત હતી. એટલે અમે વૈજ્ઞાનિકોની વાત સાથે સહમત થયા.’
30 વર્ષથી ઈસરોનો ભરોસો અકબંધ
‘ઈસરોની ટીમે વર્ષ 1994માં તેમના ડ્રોઈન્ગ અને સેમ્પલ આપ્યા હતા, તેના આધારે અમે નવા ટૂલ્સ બનાવ્યાં. જે સ્ક્વિબ તરીકે ઓળખાય છે. અમે સ્ક્વિબના સેમ્પલ તૈયાર કરીને ઈસરોને સોંપ્યા હતા. ઈસરોની ટીમને અમારું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. એ પછી તેમની જે પ્રકારની માગ હતી તેટલા સ્ક્વિબ બનાવી આપ્યાં હતા. આ વાતને હવે 30 વર્ષ પૂરા થવા આવ્યા છે. અમારી ઈસરો સાથેની કામગીરી આજે પણ ચાલુ જ છે.’

વર્ષો પહેલાં સુરતની કંપનીની જ પસંદગી ઈસરોએ કેમ કરી અને 30 વર્ષથી આ સિલસિલો કેવી રીતે યથાવત છે? આ સવાલના જવાબમાં નિમેષ બચકાનીવાલાએ જણાવ્યું કે, ‘મને એવું લાગે છે કે આજથી 30 વર્ષ પહેલાં બે કે ત્રણ જ મેન્યુફેક્ચરર ભારતમાં હતા. ત્યારે એવું બન્યું હોય કે એ કંપનીઓએ આ સ્ક્વિબ બનાવવાની ના પાડી હોય કે પછી સીધા અમારી પાસે આવ્યાં હોય. જેનો આ બાબતે કોઈ ચોક્કસ જવાબ નથી. માત્ર અનુમાન લગાવી શકીએ છીએ.’
આવી રીતે બને છે ઈસરોના મિશન માટે સ્ક્વિબ
ચંદ્રયાન-3 વિશે વાત કરતા નિલેષભાઈએ કહ્યું, ‘ચંદ્રયાન-3 માટે અમારે ત્યાં જે સ્ક્વિબ તૈયાર થયા છે તે એલ્યુમિના પાવડરમાંથી તૈયાર કરાય છે. એલ્યુમિના જે એલ્યુમિનિયમ ઓક્સાઈડમાંથી બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ ઓક્સાઈડને બોક્સાઈટમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રોસેસ થઈ ગયા પછી તેના પર પ્રોસેસ કરીને ફાઈન પાઉડર તૈયાર કરવામાં આવે છે. એ તૈયાર થયેલા પાઉડરમાંથી સ્ક્વિબ તૈયાર કરવામાં આવે છે. જેમાં એલ્યુમિના કન્ટેન્ટનું પ્રમાણ 99.6%થી વધુ હોય છે. તેની વિશેષતા એ છે કે એલ્યુમિના સુપરકન્ડક્ટરનું કામ કરે છે. જેથી ઈસરોના વૈજ્ઞાનિકો પણ તેનો જ ઉપયોગ કરે છે.’
સુરતની કંપનીએ બનાવેલા સ્ક્વિબનો ઈસરો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરે છે?
‘સુરતની હિમસન સિરામિકમાં સ્ક્વિબ તૈયાર કરતી વખતે તેનું તાપમાન 1700 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. અમે ક્યારેય તેને ઓગાળવાનો પ્રયત્ન નથી કર્યો પણ મારું માનવું છે કે સ્ક્વિબ 3 હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી તો ટકી શકે છે. કેમ કે રોકેટનાં લોન્ચિંગ સમયે તેના નીચેના ભાગમાં જોરદાર બ્લાસ્ટ થાય છે. એ બ્લાસ્ટ બાદ રોકેટ ઉપર જાય છે. એ સમયે રોકેટના નીચેના ભાગે લગભગ 2500થી 3 હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. આટલા તાપમાનમાં ઘણી વસ્તુ પીગળી જાય, બળી જાય. એટલે રોકેટમાં જે વાયર હોય છે તેને સલામત રાખવા માટે સ્ક્વિબનો ઉપયોગ થાય છે. એક સ્ક્વિબમાં 12 કાણા હોય છે. જેમાંથી વાયર પસાર કરવામાં આવે છે.’
‘અલગ-અલગ તબક્કે આવકાશમાં પહોંચવા સુધી જેમ-જેમ રોકેટમાંથી પાર્ટ્સ અલગ અલગ થાય છે તેમ-તેમ તેમાં રિફાયરિંગ થાય છે. એટલે જ્યાં-જ્યાં રિફાયરિંગ થાય એ તમામ જગ્યાએ સ્ક્વિબનો ઉપયોગ થાય છે. ચંદ્રયાન-2 જ્યારે ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થવા જઈ રહ્યું હતું એ સમયે પણ તેમાં રિફાયર થયું હતું. એટલે લોન્ચિંગથી લઈને છેક ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે અને વાયરિંગને પિગળતા અટકાવવા માટે સ્ક્વિબની જરૂર પડે છે.’
‘અમારી પાસે એક અલાયદો ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. આ સાથે જ આ સ્ક્વિબ તૈયાર કરવા માટેની પણ એક જગ્યા છે. જેમ-જેમ અમારી પાસે ઓર્ડર આવતાં ગયા તેમ-તેમ અમે બનાવતા ગયા. વર્ષ 1994 બાદ જે પણ રોકેટ PSLV, GSLV, જે પણ ફાયર થયા છે એ બધામાં અમે બનાવેલા સ્ક્વિબ કોમ્પોનન્ટ્સનો ઉપયોગ કરાયો છે.’

ઈસરો દ્વારા સુરતની કંપનીને દર વર્ષે લગભગ 10 હજારથી લઈને 50 હજાર સ્ક્વિબ કોમ્પોનન્ટ્સનો ઓર્ડર આપવામાં આવે છે. આ ઓર્ડર વર્ષમાં એક જ વાર અમને મળે છે. જેને તૈયાર કરીને ઈસરોને ડિલિવરી આપવામાં 6 મહિના જેટલો સમય લાગી જાય છે. સ્ક્વિબના આ ઓર્ડરને તૈયાર કરવા માટે લગભગ 20 જેટલા લોકોની મહેનત લાગે છે.
નિમેષ બચકાનીવાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘ઈસરો માટે જે પણ કોમ્પોનન્ટ્સ અમે બનાવીએ છીએ, એ અમે અન્ય કોઈને આપતાં નથી. કારણ કે એ ઈસરોની પ્રોપરાઈટરી પ્રોડક્ટ છે.’
ઈસરો સાથે કામ કરતા હોવાની વાતથી પરિવાર પણ અજાણ હતું
‘જ્યારે ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું ત્યાં સુધી તો કોઈને ખબર જ નહોતી કે હિમસન કંપનીએ બનાવેલી વસ્તુનો તેમાં ઉપયોગ થયો છે. મારા પરિવારમાં પણ કોઈને ખબર નહોતી કે અમારી કંપનીએ જ દેશના સૌથી મહત્વના પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુ બનાવી છે. પણ જ્યારે ચંદ્રયાન-2 લોન્ચ થયું ત્યારે ક્યાંકથી કોઈએ જાણ્યું કે અમારી કંપનીમાં આ મિશનમાં વપરાયેલા સ્ક્વિબ બનાવ્યા છે. એટલે અમે આ અંગે વાતચીત કરવા માટે સૌથી પહેલાં ઈસરોની મંજૂરી માગી હતી. જે બાદ અમે આ વિશે માહિતી જાહેર કરી હતી.’
નિમેષભાઈ આગળ જણાવે છે કે, ‘ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું છે એ ભારત માટે ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટમાં પરોક્ષ રીતે સુરતની અમારી કંપનીને ચાન્સ આપ્યો છે એ અમારા માટે ગૌરવની વાત છે. અમે ઈસરોને આટલા વર્ષોથી મોટા પ્રમાણમાં માલ આપીએ છીએ, પણ ભગવાનની દયાથી એક પણ વખત અમારા માલમાં કોઈ તકલીફ આવી નથી. એના કારણે કોઈ રોકેટ કે પછી કોઈ પણ મિશન નિષ્ફળ ગયું નથી. બીજા કારણોસર કદાચ થયું હશે. પણ અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે ચંદ્રયાન-3 ખૂબ જ સારી રીતે લોન્ચ થઈને લેન્ડ થાય. આ મિશનમાં મારા સિવાય પણ ઘણાં લોકોએ અલગ-અલગ વસ્તુ તૈયારી કરીને આપી હશે. એટલે એ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે. જેથી આ પ્રોજેક્ટમાં સફળતા મળે એવી જ આશા છે.’

ઈસરોના મિશનમાં વપરાતા સ્ક્વિબની ટેસ્ટિંગની પ્રક્રિયા વિશે નિમેષ બચકાનીવાલાએ જણાવ્યું કે, ‘સ્ક્વિબ બનાવવા માટે જે પણ કાચો માલ વપરાય છે, તેને અમારે સરકાર હસ્તકની નક્કી કરેલી લેબોરેટરી ટેસ્ટ કરાવવું પડે છે. એ પછી ટેસ્ટ રિપોર્ટની સાથે જે તે વસ્તુના સેમ્પલ ઈસરોને મોકલવા પડે છે. એ સેમ્પલને તેઓ ઈનહાઉસ લેબમાં પણ ટેસ્ટ કરે છે. ત્યાર બાદ પ્રોડક્શન માટે અમને ગ્રીન સિગ્નલ આપે છે. એ પછી અમે ઓર્ડર મુજબના જથ્થાનું ઉત્પાદન કરીએ છીએ. પ્રોડક્ટનો સંપૂર્ણ ઓર્ડર તૈયાર થયા બાદ ફરીથી ઈસરો મારફતે અમારી કંપનીમાં જ તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ રિપોર્ટ બરાબર આવે, ત્યાર બાદ જ અમે માલ ઈસરોને મોકલીએ છીએ.’
મટિરિયલ તૈયાર થાય એટલે ઈસરોની ટીમ સુરત આવતી
નિમેષ બચકાનીવાલાએ વધુમાં જણાવ્યું કે, ‘ઈસરોના ડૉ.પાલ નામના વૈજ્ઞાનિક અમારે ત્યાં આવતાં હતા. હાલમાં તેઓ રિટાયર્ડ થઈ ગયા છે. પરંતુ તેઓ જ્યાં સુધી ઈસરોમાં હતા ત્યાં સુધી દર વખતે તેઓ જ અમારે ત્યાં આવતાં હતા.’
જ્યારે ઈઝરાયલના વૈજ્ઞાનિકોની ટીમ મિસાઇલમાં સ્ક્વિબ લગાવવા સુરત આવી
‘સ્ક્વિબનો ઉપયોગ અવકાશી મિશન ઉપરાંત મિસાઈલની ફાયરિંગ સિસ્ટમમાં પણ કરવામાં આવે છે. પરંતુ તેની ડિઝાઇનમાં ફરક હોય છે. પાંચથી સાત વર્ષ પહેલાં ભારત સરકારે ડિફેસન્સ ક્ષેત્રે ઈઝરાયલ સાથે કરાર કર્યા હતા. ત્યારે લોન્ગ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ (LR-SAM) માટે સ્ક્વિબ અમારી પાસે બનાવડાવ્યા હતા. જે તે સમયે ઈઝરાયલથી વૈજ્ઞાનિકો અને ટેક્નિશિયને અમારા પ્લાન્ટની મુલાકાત કરી હતી. તેમણે ચકાસણી કરી હતી કે અમે આ પ્રોજેક્ટ માટે વપરાશમાં આવનારી વસ્તુ સારી રીતે બનાવી શકીશું કે નહીં. આખરે અમારી પસંદગી થઈ હતી. અમે સફળતાપૂર્વક તેના કોમ્પોનન્ટ્સ બનાવ્યાં હતા. આ સિવાય DRDOના અધિકારીઓ પણ અમારા પ્લાન્ટની મુલાકાત લઈ ચૂક્યાં છે.’

‘અમે ઈસરો માટે સ્ક્વિબ બનાવવા ઉપરાંત ટેક્સટાઇલ્સ માટે પણ આવા કોમ્પોનન્ટ્સ બનાવીએ છીએ. સાથે જ વાયરને લગતી ઈન્ડસ્ટ્રીઝ માટે પણ અમે કોમ્પોનન્ટ્સ આ મટિરિયલ્સમાંથી બનાવીને આપી છીએ. પણ આ માટે દરેકની ડિઝાઇન અલગ-અલગ હોય છે. એટલે અમે ઓર્ડર પ્રમાણે તેને તૈયાર કરીએ છીએ. અગાઉથી બનાવીને તૈયાર રાખતાં નથી.’
નિમેષ બચકાનીવાલાએ વાતચીતના અંતમાં કહ્યું, આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાનું સપનું સાકાર થવું થવું જોઈએ એટલે આવા પ્રોજેક્ટમાં વધુમાં વધુ લોકોએ સહભાગી થવું જોઈએ. આપણે ટેક્નોલોજીની દૃષ્ટિએ સુપીરિયર ન થઈ શકીએ તો પણ વિશ્વમાં જે કક્ષાની ટેકનોલોજી છે, ત્યાં સુધી તો પહોંચી શકીએ છીએ. કારણ કે દુનિયામાં અર્થતંત્ર અને ટેક્નોલોજી સારી હોય તેને જ માન મળે છે.