
સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ કોઝ-વે બંધ કરી દેવાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી જળસ્તરમાં વધારો થતો હોવાને કારણે હજી પણ કોઝ-વે વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, બંદોબસ્તના અભાવે લોકોને છૂટો દોર મળી ગયો છે. જાણે આ મોજ મસ્તીનું સ્થળ બની ગયું હોય તેમ જીવના જોખમે લોકો કોઝ-વે પર બિન્દાસ્ત ફરી સેલ્ફી લઈ રહ્યા છે. લોકો કોઝ-વેની વચ્ચે આવી સેલ્ફી લેતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. અગાઉ આવા વીડિયો સામે આવતા રાંદેર પોલીસે પેટ્રોલિંગ કરવાની વાત કરી હતી. પરંતુ આ વાત પોકળ સાબિત થઈ રહી છે.
કોઝ-વે પર વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ
સુરતનો કોઝ-વે ઓવરફ્લોર થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા તેને છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. કોઝ-વેની સપાટી 6 મીટર કરતાં વધુ પાણીનું વહનને જોતા બંધ કરી દેવાયો હતો. વાહન વ્યવહાર માટે પણ કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, ઓવરફ્લો થયેલા કોઝ-વે ઉપર વાહન ચલાવવું જોખમી પૂરવાર થઈ શકે છે.

કોર્પોરેશને ગંભીરતા દાખવવી જરૂરી
હાલ જે વીડિયો સામે આવ્યા છે તે જોતા સ્પષ્ટ દેખાય છે કે, લોકો કેટલું જોખમ ખેડી રહ્યા છે. લોકોએ પણ સમજવું જોઈએ કે તાપી નદીનું જળસ્તર અચાનક વધે તો તેઓ ફસાય શકે અથવા નદીમાં તણાઇ શકે છે. આવી ચર્ચા હાલ શહેરીજનોમાં ઉઠી છે. પરંતુ સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી છે.

રાંદેર પોલીસે કરેલી બંદોબસ્તની વાત પોકળ
થોડા દિવસો પહેલા પણ કોઝ-વે ઓવરફ્લો થયો હતો. ત્યારે કેટલાક લોકો નાના બાળકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. યુવકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ બાબત અંગે વહીવટી તંત્રની ઊંઘ ઉઘડતા રાંદેર પોલીસે કોઝ-વે પર જતા લોકોને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, કોઝ-વે બંધ છે ત્યાં સુધી અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે. પરંતુ રાંદેર પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા લોકો હજી પણ કોઝ-વે પર મોજ મસ્તી કરવા જતા અચકાતા નથી.
