
બજરંગ દળના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું
સુરત,તા.4 ઓગષ્ટ 2023,શુક્રવાર
સુરતના કતારગામમાં રિર્ઝવેશનની જમીન પર સ્થાનિકો દ્વારા જલારામનું મંદિર બનાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જો કે, વહીવટી તંત્ર દ્વારા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે મંદિરનું નિર્માણ કરવામાં આવે તે પહેલાં જ ડિમોલીશનની કામગીરી હાથ ધરતાં સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બજરંગ દળ સહિત મોટી સંખ્યામાં ઉમટેલા નાગરિકો દ્વારા મનપાની ડિમોલીશનની કામગીરી દરમિયાન સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કતારગામ ઝોનમાં વેડ રોડ ખાતે આવેલ અંકુર સોસાયટી પાસે મહાનગર પાલિકાના રિર્ઝવેશનના પ્લોટ પર સ્થાનિકો દ્વારા જલારામ ભગવાનના મંદિર બનાવવાનું આયોજન કરાયું હતું. સ્થાનિકોએ સરકારી પ્લોટ પર પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ પણ કરી દીધું હતું. જો કે, આ અંગે મહાનગર પાલિકાના વહીવટી તંત્રનું ધ્યાન જતાં આજે સવારે સિક્યુરિટી અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલબત્ત, મહાનગર પાલિકાની કામગીરીને પગલે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલીશનની કામગીરીના વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા સાથે બજરંગ દળના કાર્યકરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેઓએ ડિમોલીશનની કામગીરી અટકાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. જો કે, પોલીસ બંદોબસ્તને પગલે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશન કામગીરી શરૂ કરતાં જ લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.