
તન, મન અને ધન અંગે યોગ્ય સમજણ આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા.: ૧૬મી મે,૨૦૨૪ ગુરુવારે યોજાયેલ ૬૧માં થર્સ-ડે થોર્ટ્ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે, માણસ માત્રને પૈસાની જરૂર છે. દરેકને પૈસાદાર થવું છે પણ, ખર્ચ ઘટાડી બચત અને બચતનું રોકાણ કરવાની યોગ્ય સમજણ અને જાગૃતિના અભાવે લોકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. માણસ કેટલું કમાય છે? તે અગત્યનું નથી. પરંતુ, કરેલી કમાણી કઈ રીતે વાપરે છે? તે વધુ મહત્વનું છે. ખૂબ સામાન્ય કે ગરીબ માણસ પણ થોડી થોડી બચત કરી તેના રોકાણમાંથી વધુ આવક મેળવી શકે છે. માત્ર કમાણી માણને શ્રીમંત નથી બનાવતી પરંતુ, આર્થિક સંપત્તિનું સર્જન કરવામાં આવે તો તેને તે અઢળક કમાણી કરી આપે છે. નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું કે, આર્થિક સંપત્તિનું સર્જન કરવા માટે ગણતરીપૂર્વક નું રોકાણ પ્રથમ શરત છે. થયેલી બચતનું ક્યાં રોકાણ કરવું? તે નિર્ણય મહત્વનો છે. અસંખ્ય વ્યક્તિઓ થોડી બચતને રોકાણ કરવા જતા ગુમાવે છે. એફડી, વીમો, મ્યુચ્યુઅલ ફંડ, સોનુ, રીયલ એસ્ટેટ કે શેરબજારમાં રોકી નફો, વ્યાજ કે ભાડું મેળવી વધુ સંપત્તિનું સર્જન કરી શકે છે જેટલી આવક હોય તેમાંથી નવી મૂડીનું સર્જન કરતા રહેવું તે ડહાપણ નું કામ છે.
પ્રથમ બચત પછી તુરંત, રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે- ડો.રાકેશ દોશી
સ્ટાર્ટઅપના મેન્ટર એવા ડો. રાકેશ દોશી એ આવક, ખર્ચ ઘટાડવો, બચત અને રોકાણ એ સંપત્તિ સર્જનના ચાર ડગલા ગણાવ્યા હતા. માણસ સંપત્તિનું સર્જન કરી શકે તે માટે બચત અને રોકાણનું વિજ્ઞાન સમજાવવા તેમણે જણાવ્યું હતું કે, બચત માટે વધુ કમાણી કરો અથવા ખર્ચ ઘટાડો એ બે ઉપાય છે. જીવનમાં કમાણીની સાથે બચત અને તેનું રોકાણ કરવું ખૂબ જરૂરી છે આવક વધે તેમ ખર્ચ વધે છે. ખર્ચ કરીને તેને વાહનો કે અન્ય વસ્તુ ખરીદે છે જે ક્યારેય કમાણી આપતા નથી જે મૂડીરોકાણમાંથી આવક મળે તે જ ખરી સંપત્તિ છે. વર્તમાન સમય પૈસાનું ઝાડ ઉગાડવાનો શ્રેષ્ઠ સમય છે
વર્તમાન સમય પૈસાનું ઝાડ વાવવાનો શ્રેષ્ઠ સમય છે. – પ્રદીપ કાનાણી
માર્કેટ હબના ફાઉન્ડર શ્રી પ્રદીપ કાનાણી એ ભારતીય અર્થવ્યવસ્થા હાલ રોકાણ માટે વધુ સાનુકુળ છે. થયેલ બચત કે આવક માંથી થોડી રકમ જો કોઈપણ ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે તો ઝડપથી સંપત્તિનું સર્જન થઈ શકે તેમ છે. ભારતમાં લોકોની માનસીકતા બદલાણી છે. લોકો શેરમાં, મ્યુચુઅલ ફંડ અને સોનામાં મોટે પાયે રોકાણ કરી રહ્યા છે. પરંતુ, રોકાણ જગતમાં અનેક પડકારો છે. એટલે યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસ પછી જ રોકાણ કરવું જોઈએ. જેટલા પડકારો છે તેટલી વિપુલ કમાણીની તક પણ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાતોરાત પૈસાદાર થવાતું નથી તે માટે ધીરજ જોઈએ તથા થોડી જાણકારી હોવી જોઈએ તો રોકાણનો મહત્તમ લાભ મળી શકે છે. વધુ વ્યાજની લાલચમાં મોટાભાગના લોકોના નાણા ડૂબતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સરકારશ્રી ની સોવરીન ગોલ્ડ યોજના પણ રોકાણ માટે ખૂબ સારી છે. રોકાણ જ માણસને શ્રીમંત બનાવે છે.
આ પ્રસંગે છેલ્લા ૨૫ વર્ષથી ખોટા ખર્ચ ઉપર કાપ મૂકી સંપત્તિનું સર્જન કરનાર ઉદાહરણ પુરૂ પાડનાર દંપતી શ્રીમતિ શિલ્પાબેન તથા ભાવેશભાઈ બવાડીયાનું સન્માન કરાયું હતું. ૨૦ વર્ષ કોઈપણ જાતના મોજશોખ કર્યા વગર માત્ર કમાણી કરી અને થયેલી બચતને મકાનમાં રોકી… આજે સામાન્ય વ્યક્તિ સુરતમાં ત્રણેય મકાનનો માલિક છે. ભાડાની સારી આવક છે. ઘેરે માત્ર કામની સાથે વર્ક કરી સંપત્તિ સર્જન અને ત્રણ બાળકોને ડોક્ટર સુધીનો અભ્યાસ કરાવનાર ભાવેશભાઈ બવાડીયા દંપત્તિનું અભિવાદન કર્યું હતું. તે ઉપરાંત, યુવાટીમના સક્રિય સભ્ય તથા દાતા ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ બુહા જેણે બચત અને રોકાણનો અમલ કરી મૂડી ઊભી કરી છે અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ને રૂ. ૨૧ લાખનો દાનનો સંકલ્પ કર્યો છે. તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર હાસ્યકલાકાર દિલીપ વરસાણી એ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે તથા વ્યવસ્થા યુવાટીમે સંભાળી હતી.