
ગુજરાતની અગ્રણી સહકારી બેંક ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતની ૨૮મી ઉત્રાણ શાખાનો ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૨૫ સોમવારનાં રોજ મંગલ શુભારંભ થયો છે. ઉત્રાણ વિસ્તારના વેપારી મિત્રો અને સ્થાનિક લોકોને ઝડપી બેન્કિંગ સેવાનો લાભ મળી શકે તે હેતુથી ઉત્રાણ વિસ્તારમાં આવેલ સિલ્વર બિઝનેસ પોઇન્ટ શોપિંગમાં સુરત મહાનગર પાલિકાનાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ના વરદ હસ્તે શાખાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે વરાછા બેંકે ૩૦ વર્ષમાં ૨૮ શાખાઓ અને રૂપિયા ૫૫૦૦ કરોડથી વધુના બિઝનેસ સાથે નક્કર પ્રગતિ કરી છે. વરાછા બેંકે ૩૦ વર્ષમાં કરેલ નક્કર પ્રગતિ અને વિશેષ સિદ્ધિઓને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ બિરદાવી હતી તેમજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા વરાછા બેંક હજુ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી ટેલિફોનીક શુભેચ્છા બેંકના હોદ્દેદારશ્રીઓને પાઠવી હતી. શુભારંભમાં ઉપસ્થિત ઉદ્ઘાટકશ્રી તેમજ બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેનશ્રી જી. આર. આસોદરીયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા, ડિરેક્ટરશ્રી પી. બી. ઢાકેચા, ડિરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, ડિરેક્ટરશ્રી પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી બેન્કિંગ સેવાનો પ્રારંભ કર્યો હતો.
અસંગઠિત ક્ષેત્રના લોકોને વ્યાજબી દરે લોન મળી રહે તે માટે બેંક દ્વારા ઈ-શ્રમ લોન તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટે રૂપિયા એક લાખની મર્યાદામાં મહિલા વિકાસ લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાના માણસોને મદદરૂપ થવા અને ભવિષ્યમાં પોતાની મૂડી ઊભી કરવા ઉચ્ચા વ્યાજ દરે અક્ષય સમૃદ્ધિ બચત યોજના અમલમાં મૂકી છે, જેમાં ૮.૬૧% વ્યાજ મળવાપાત્ર છે. વિવિધ બચત યોજના અંતર્ગત આકર્ષક વ્યાજ દર આપી લોકહિત ની ભાવના સાથે કાર્યરત વરાછા બેંક ખરેખર પ્રશંશનીય છે.
બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, ઉત્રાણ વિસ્તારમાં વરાછા બેંક ૨૮મી શાખા નું શુભારંભ કર્યો છે તે અમારા માટે ગૌરવની વાત છે. આ શાખા દ્વારા ઉત્રાણ વિસ્તારનાં લોકો ને સ્મિત સાથે ઝડપી બેન્કિંગ સેવા આપવા કટિબદ્ધ છીએ. ખાતેદારોને ડિજિટલ બેન્કિંગ સેવાની સાથે સાથે વીમા સેવા અને મ્યુચ્યુઅલ ફંડની સેવા પણ મળી રહેશે. આ ઉપરાંત બેંકનાં વાઇસ ચેરમેનશ્રી જી.આર. આસોદરીયાએ જણાવ્યું હતું કે, શાખા શુભારંભ સાથે કેશ રિસાઈકલર મશીન, ઓટોમેટિક પાસબુક પ્રિન્ટિંગ મશીન સાથેની અદ્યતન સુવિધાભર ઈ-લોબી થકી તમામ ખાતેદાર મિત્રોને બેંકિંગ સેવાનો ૨૪×૭ લાભ મળી શકશે .
શાખા શુભારંભ પ્રસંગે વરાછા બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રીમતી વિમળાબેન વાઘાણી તેમજ શ્રીમતી શારદાબેન લાઠીયા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યશ્રી અરવિંદભાઈ ધડુક, શ્રી હરેશભાઈ કાપડિયા અને શ્રી દિલીપભાઈ વરસાણી સહિત સુરત શહેરના સામાજિક અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.