
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એકના એક પુત્ર અનુજ પટેલને રવિવારે બપોરે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા છે. એર એમ્બ્યુલન્સ મારફતે તેઓને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનુજ પટેલની ખબર અંતર પૂછવા આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કે.ડી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા અને અનુજ પટેલની સાથે તેઓ પણ મુંબઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી હાજર નહીં રહે
ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. બીજી તરફ પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત નહીં રહી શકે.
સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર
ગુજરાતના 63મા સ્થાપના દિવસની આ વખતે ગૌરવ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં આજે સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના એવા ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ગેરહાજરીમાં ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે આજે થનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી નહીં શકે. ગુજરાત ગૌરવ દિવસના જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થશે તેવું જાણવા મળ્યું છે.
ગઈકાલે 2 કલાક સર્જરી ચાલી
રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી.
અનુજ પટેલ એન્જિનિયર છે
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે.
બ્રેઇન સ્ટ્રોકમાં શું થાય
મગજ સુધી લોહી પહોંચાડનાર ધમની ડેમેજ થાય છે ત્યારે બ્રેઇન સ્ટ્રોક થાય છે. અથવા તેમાં બ્લોકેજ થવાને કારણે બ્રેઇન સુધી લોહી પહોંચી શકતું નથી. આમ થવા પર મગજ સુધી લોહી અને ઓક્સિજન પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, ઓક્સિજન ન પહોંચવા પર બ્રેઇનની કોશિકાઓ ગણતરીની મિનિટમાં નાશ પામે છે અને આ રીતે બ્રેઇન સ્ટ્રોક થાય છે.
આ 5 વાતો ધ્યાનમાં રાખો
1.બીપી કન્ટ્રોલમાં રાખો
જો તમારા કોઈ ફેમિલી મેમ્બરને સ્ટ્રોક આવેલો છે તો અલર્ટ થઈ જાઓ. આવા કેસમાં તમને અને તમારી આગલી પેઢીને તેનાં લક્ષણો આવી શકે છે. તેથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખો.
2.વૃદ્ધોમાં કેસ વધારે
એક રિસર્ચ પ્રમાણે સ્ટ્રોકના કેસ વૃદ્ધોમાં વધારે જોવા મળે છે. તેથી ડાયટ પર ધ્યાન રાખો. વધારે તળેલું અને મસાલેદાર ભોજન લેવાથી બચો.
3.આ બીમારી જોખમ વધારે છે
હાઈ કોલેસ્ટેરોલ, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. તેથી બ્લડ સુગર અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખો. મેદસ્વિતાથી બચો.
4.આવું ડાયટ લો
ડાયટમાં શાકભાજી અને સ્વાદે ઓછાં ગળ્યાં ફળો સામેલ કરો. રિસર્ચમાં સાબિત થયું છે કે શાકભાજી અને ફળ ખાવાથી સ્ટ્રોક જ નહિ બલકે હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું થાય છે.
5.તમાકુ અને આલ્કોહોલથી દૂર રહો
તમાકુ અને સિગારેટ જેવાં તેનાથી બનતાં ઉત્પાદનોથી દૂર રહો. તમાકુની અસર માત્ર બ્રેઇન સ્ટ્રોક પર નહિ બલકે હૃદય, ફેફસાં અને પેન્ક્રિયાઝ સુધી થાય છે. તે કેન્સરનું કારણ પણ ગણવામાં આવે છે. તેની સાથે આલ્કોહોલથી પણ દૂર રહો.