
સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ ઝોનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્ર વધી જાય છે, તેના કારણે મચ્છરજન્ય રોગો પણ વધી જાય છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઉધના ઝોનમાં મચ્છરના બ્રીડીંગ મળ્યા
આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને મચ્છરના બ્રીડીંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોન પૈકી ઉધના ઝોનમાં સૌથી વધુ મચ્છરોના સ્પોટ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 518 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 1,934 મચ્છરોના બ્રીડીંગનો નાશ કરાયો છે. વધુમાં વધુ સ્પોટની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવે છે, જેથી કરીને મચ્છરોને ઉપદ્રવને રોકી શકાય.
કુલ 1.53 લાખનો દંડ વસૂલાયો
જ્યાં મચ્છરોના બ્રીડીંગના સ્પોટ મળી આવ્યા છે, ત્યાં જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુ પડતા પાણીનો સંગ્રહ હોય અને બેદરકારી જણાઈ હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીમાં 518 સ્થળે તપાસ કરતા કુલ 1.53 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના બ્રીડીંગ મળી આવે છે, ત્યારે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. તેમજ ડેન્ગ્યુનું પણ પ્રમાણ વધતું હોય છે, તેથી મચ્છરોના બ્રીડીંગનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે.