
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટા ગણી શકાય તેવા અકસ્માતમાંનો એક છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. ગોઝારા અકસ્માતને લઈને લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને જેગુઆર ચાલક તથ્ય પટેલને એકબાજુ લઈ જઈને ગડદાપાટુ મારી બરાબરનો ધોઇ નાખ્યો હતો. તેમજ ગાળોનો વરસાદ વરસાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે, તથ્ય પટેલ માર ન મારવા આજીજી કરતો જોવા મળી રહ્યો છે.
લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો
વીડિયોમાં જોવા મળે છે કે, અકસ્માત થતા જ કેટલાક યુવાનોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હોય તેવાં દૃશ્યો જોવા મળે છે. બાદમાં યુવાનો તથ્ય પટેલને માર મારતા તે જમીન પર પડી જાય છે. પછી તો યુવાનો તથ્ય પટેલેને હાથ અને લાતથી ફટકારી રહ્યા છે. યુવાનો એટલા ગુસ્સે થયેલા જોવા મળે છે કે, તથ્ય પટેલને ગાળો પણ આપે છે.

તથ્ય પટેલે બે હાથ જોડ્યા
વીડિયોમાં વધુ જોવા મળે છે કે, માર માર્યા બાદ લોકો એક તરફ જાય છે ત્યારે તથ્ય પટેલ ઊભો થઈ બે હાથ જોડી માર ન મારવા આજીજી કરતો જોવા મળે છે. જો કે, લોકો તેને છોડતા નથી અને ફરી માર મારવા લાગે છે.

મૃતકોની યાદી
- ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
- નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
- અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
- નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
- રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ)
- અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
- અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
- કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
- ઓળખાયેલ નથી

હાઈવે પર બિહામણાં દૃશ્યો જોવા મળ્યાં
અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દૃશ્ય હતું. જે લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમાંના ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા. તેમનાં ચંપલ, કપડાં આમતેમ રસ્તા પર વિખરાયેલાં પડેલાં છે. આ એક બિહામણું દૃશ્ય ઇસ્કોન બ્રિજ ઉપર ઊભું થયું હતું. તેનાથી વધુ ગંભીર સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી જ્યાં મૃતકોનાં સ્વજનો કરુણ આક્રંદ કરી રહ્યાં છે.

