
સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના એસીપીએ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. સોમવારે દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે થયેલી બર્થડેની ઉજવણીમાં એસીપીની સાથે સામેલ મોટાભાગના માસ્ક વિના હતા અને તમામે સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું નહોતું. આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના પોલીસ કમિશનરે જાહેરમાં બર્થડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું છે અને પોલીસ સમયાંતરે તેનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ઉપરાંત, હાલમાં કોરોનાને પગલે તેનો ફેલાવો અટકાવવા પણ વિવિધ ગાઈડલાઈનનો અમલ પોલીસ કરાવે છે અને તેનો ભંગ કરનારાઓ વિરુદ્ધ પણ એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થાય છે. સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના રીજીયન 4 ના એસીપી અશોકસિંહ ચૌહાણે સોમવારે તેમના જન્મદિનની ઉજવણી દિલ્હીગેટ ફલાયઓવર બ્રિજ નીચે જાહેરમાં કરી કેક કાપી હતી. તે સમયે તેમના સંબંધીઓ અને પરિચિતો ત્યાં હાજર હતા. ઉજવણી વેળા એસીપી માસ્ક સાથે હતા પરંતુ તેમની સાથે હાજર મોટાભાગના મહિલાઓ-પુરુષોએ માસ્ક પહેર્યા નહોતા. તેમજ ઉજવણી વેળા સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરાયું નહોતું. કેક કાપ્યા બાદ એસીપી ચૌહાણે પણ ભેટ સ્વીકારતી વેળા પોતાનું માસ્ક નાક નીચે ઉતારી દીધું હતું.
આજે સોશ્યલ મીડિયામાં એસીપી ચૌહાણે કરેલી ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં એસીપી ચૌહાણ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા નજરે ચઢતા તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ? તે ચર્ચાએ જોર પકડયું છે.