
સુરતના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસતા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીચીયારી મચી ગઈ હતી. જેથી તાત્કાલિક મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવાયાં હતાં. સુરત ડિસ્ટ્રીક બેંકના ક્લાર્ક એ ઘટનાને જોઈ તાત્કાલિક ફાયરને જાણ કરી દેતા કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ઘટનાનો કોલ મળતા ફાયરના જવાનોએ દોડી આવ્યાં હતાં. બાદમાં આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી લેતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ બપોરના સાડા બારનો હતો. ઘોડદોડ રોડ પર એક સિટી બસમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરના જવાનો દોડી ગયા હતા. બસની આગ પર વરસતા વરસાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. લોકોની ભીડ વચ્ચે અને સાકડા રસ્તા વચ્ચે ફાયરના જવાનોએ સૂઝબૂજથી કામ કરી એક મોટી દુર્ઘટનાને ટાળવામાં સફળ થયા હતા.
સીટી બસમાં આગ પાછળનું કારણ જાણી શકાયું ન હતું. પણ ડ્રાઇવરે તાત્કાલિક લાગતા મુસાફરોથી ભરેલી બસને રોડ બાજુએ ઉભી કરી તમામને નીચે ઉતરી જવા બુમાબૂમ કરી દીધી હતી. ડ્રાઇવરની પ્રસંસનીય કામગીરીને લઈ તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા.જો કે બસ બળીને ખાક થઈ ગઈ હતી.