
શિક્ષણ વિભાગના નિયમ વિરુદ્ જઇને ચલાવાતી તેમજ બીયુસી નહીં ધરાવનારી સ્કૂલો વિરુદ્ધ કડક કાર્યવાહીનો રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અપાયેલા આદેશને પગલે શહેરની 6 સહિત કુલ 15 સ્કૂલોની માન્યતા રદ કરી દેવાઈ છે.
શિક્ષણ વિભાગના નિયમો નેવે મૂકીને તેમજ બીયુ સર્ટિફિકેટ નહીં ધરાવવા અને શિક્ષણ અધિકારીને કોઇપણ પ્રકારની માહિતી આપ્યા વિના જ જગ્યા બદલી નાખનારી 6 સ્કૂલો સહિત જિલ્લાભરની 15 શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. જેમાં અમરોલી, કતારગામ, વરાછા, ડિંડોલી અને લિંબાયતની સ્કૂલો સામેલ છે. આવી સ્કૂલોનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારી એચએચરાજ્યગુરુએ શિક્ષણ નિયામકને મોકલી આપ્યો હતો. ત્યારબાદ માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ સંસ્કાર જ્યોતિ, બાલભારતી, તક્ષશિલા, સરદાર સ્કૂલ, તિલક વિધાલય, જ્ઞાન જ્યોતિ સ્કૂલ સહિત જિલ્લાની કુલ 15 સ્કૂલોની માન્યતા રદ કરી દીધી છે. નિયામકે આદેશ જારી કરતાં જણાવ્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આ સ્કૂલોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં શિફ્ટ કરવામાં આવશે. આ મામલે કોઇ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી શિક્ષણ અધિકારીની રહેશે. બાળકોને શિફ્ટ કર્યાનો રિપોર્ટ શિક્ષણ નિયામકને મોકલવાનો રહેશે.