
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી વરાછાબેંક બેન્કિંગ સેવાની સાથે સાથે વીમા સેવામાં પણ અગ્રેસર છે. બેન્કના તમામ ખાતેદારોને તેમણે વીમા સુરક્ષા કવચ હેઠળ આવરી લઈ તમામ ખાતેદારોના પરિવારોને સુરક્ષિત કર્યા છે.
કોરોનામાં અવસાન પામેલ બેંકના ખાતેદાર સ્વ. કિરીટભાઈ છગનભાઈ ડોબરીયા એ ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત લોન લીધી હતી. આ લોન સુરક્ષા માટે બેંક દ્વારા લેવડાવવામાં આવેલ વીમા પોલિસીથી ખાતેદારની બાકી રહેતી પૂરેપૂરી લોન કંપની દ્વારા ભરપાઈ થવા પામશે. ત્યારે વરાછા બેંક દ્વારા કરવામાં આવેલ આ નાનકડા પ્રયાસને લીધે પરિવાર પર લોન ભરપાઈ કરવાની જવાબદારી રહેતી નથી.
આ રીતે પ્રધાનમંત્રીશ્રીની તમામ બચત ખાતેદારો માટેની ખુબ જ સુંદર વીમા યોજનામાં પણ વરાછા બેંક દ્વારા ખુબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. બેંકના તમામ ખાતેદારો ને આ યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત બેંક દ્વારા કીરીટ ભાઇને આ અંગે જાગૃતિ આપીને તેઓની પાસેથી માત્ર, 330 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું. જેના બદલામાં આજરોજ પરિવારને રૂપિયા ૨ લાખ ની વીમા રકમ મળવાપાત્ર થઈ છે. આ સાથે કિરીટભાઈની બેંક દ્વારા એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની વીમા પોલિસી શરૂ હતી. જે અંતર્ગત તેઓને રૂ. ૩.૧૫ લાખની વીમા રકમ મળવાપાત્ર થઈ છે.
આમ, થોડી એવી વીમા અંગેની જાગૃતિ પરિવારને ખૂબ મદદરૂપ થતી હોય છે. ત્યારે વરાછા બેંક દ્વારા સતત વીમા અંગે જાગૃતિ ના અવનવા કાર્યક્રમો ના આયોજન થકી લોકો માં વીમા અંગે જાગૃતિ આવે એ માટે ના પ્રયાસો સતત થતાં રહે છે.
આજરોજ વરાછાબેંક ની યોગીચોક શાખા ખાતે વરાછાબેંકના બોર્ડ ઓફ મૅનેજમેન્ટના ચૅરમૅન શ્રી કાનજીભાઇ ભાલાળા, એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના શ્રી દિપકભાઈ ગજેરા તેમજ બેંકના ઈન્સ્યોરન્સ વિભાગના મેનેજરશ્રી ભરતભાઇ જોશી તેમજ યોગીચોક શાખા વિકાસ કમિટી સભ્યોના હસ્તે ખાતેદારના વારસદાર ગં.સ્વ. કૈલાશબેન કિરીટભાઈ ડોબરીયાને વીમા રકમ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.