
શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન રાત્રિના તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેને લઇને ઠંડીનું પ્રમાણ ક્રમશ: ઘટી રહ્યું છે. આગામી 5 દિવસ રાત્રિના તાપમાનમાં વધુ 4થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેથી ઠંડીની અસર નહિંવત થઇ જશે. અરબી સમુદ્રમાં સક્રિય થનારી લો-પ્રેશર સિસ્ટમથી મંગળવારથી ગુરુવાર સુધી શહેરમાં માવઠાની આગાહી છે. મંગળવારે સામાન્યથી હળવો વરસાદ જ્યારે 1 અને 2 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 52 ટકા અને સાંજે 33 ટકા રહ્યું હતું. ઇસ્ટ દિશાથી 5 કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો વધારો થયો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે મંગળવારથી 3 દિવસ માવઠાંની આગાહી કરી છે. જો કે, 1 અને 2 ડિસેમ્બરે અડધાથી 2 ઇંચ સુધી વરસાદ પણ વરસી શકે છે.