
વેસુમાં યુનિવર્સિટી નજીક સોમેશ્વર ચાર રસ્તા પર મૈત્રેય હોસ્પિટલની બાજુમાં રાધે પેટ્રોલ પંપ પર બે વિધર્મી મોપેડમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. બાદમાં બંને મોપેડ પર નીકળ્યા ત્યારે અચાનક સળગેલા ફટાકડા પંપના પાઇપ પર ફેકી ભાગ્યા હતા. જો કે, પંપના કર્મચારીએ સમયસૂચકતા વાપરી હટાવી દીધા હતા. જેના કારણે ફટાકડા પાઇપથી દૂર ફૂટયા હતા.
પંપના કર્મચારીની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ હતી. બનાવ અંગે ઉમરા પોલીસમાં પેટ્રોલપંપના મેનેજર મોતીલાલ ચૌધરીએ ફરિયાદ આપી હતી. જેના આધારે એક પુખ્તવયનો અને એક સગીર વિધર્મી સામે આઈપીસી કલમ 285, 286, 336 અને 114 મુજબ લોકોના જીવને જોખમમાં મુકવાનો ગુનો નોંધાયો છે.
આ બનાવમાં પોલીસે મોહમંદસાદ મોહમંદઈરફાન કુરેશીને પકડ્યો હતો. જ્યારે બીજો સગીર છે. બન્ને સફલ સ્કેવર પર ફરવા આવ્યા હતા અને પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કરી ફટાકડા ફોડીને ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસે આ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.