
ગુજરાત સહિત સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ગત રોજ સાયક્લોથોન, નદી ઉતસ્વ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યાના બીજા જ દિવસે ભાજપ મહામંત્રીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ડેપ્યુટી મેયર પણ કોરોના સંક્રમિત થયા છે.
ભાજપના નેતાઓ કોરોનાના સુપર સ્પ્રેઇડર હોય તેવી રીતે જાહેર સમારંભમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપતા નેતાઓ હવે ભોગ બની રહ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે સંપર્કમાં આવનારા નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દેખાયા હતા.
એરપોર્ટ પર મુખ્યમંત્રીનું બુકે આપી સ્વાગત કરનારા સુરત શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ આજે પોઝિટિવ જાહેર થયા છે. કિશોર બિંદલ સાથે ભાજપના પ્રમુખ અન્ય મહામંત્રી અને કેટલાક અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર હતા. એક બાદ એક ભાજપના નેતાઓ પોઝિટિવ આવતા ભાજપમાં ગભરાટ ફેલાયો છે.