
સુરતના ડિંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે આવતાં બાઈક ચાલક રોડ પર પટકાયા બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બાઈક ચાલકના મોતની જાણ થતાં પરિવાર સહિતના લોકોએ રોષ વ્યક્ત કરતાં મૃતક પાસે જ ન્યાયની માગ સાથે બેસી ગયાં હતાં. લોકોનો રોષ જોઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સમજાવવાથી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોએ કહ્યું કે, 40 ફૂટ સુધી બાઈક ચાલકને ડમ્પર ઘસડી ગયું હતું.
ડીંડોલી બસ સ્ટેન્ડ ની સામે શાકભાજી માર્કેટ પાસે ત્રણ રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ ટ્રક ચાલક બાઇક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ દોડી ગયા હતા. તપાસ કરતા મૃતક રમેશ મહાજન હોવાનું અને ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. પરિવારના સ્વજનના મોતને લઈ રસ્તા પર બેસી વિરોધ કરાયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.