
સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે.અને સુરતમાં હાલમાં 145 બ્રિજ કાર્યરત છે તેમજ આવનારા દિવસોમાં વધુ નવા બ્રિજ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે.અને શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંક્શન તથા ગજેરા જંક્શન પર બીઆરટીએસ રૂટ પાસે જ ફ્લાયઓવર બ્રિજ બનાવવાના અંદાજ જાહેર બાંધકામ સમિતિમાં મૂકવામાં આવ્યા છે.
અમરોલી, છાપરાભાઠા, કોસાડ, ઉત્રાણ, વરિયાવ વગેરે વિસ્તારોનો સુરત શહેરની હદમાં સમાવેશ થતાં આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે.અને ગોથાણ ગામ નજીક આવેલા અમદાવાદ–મુંબઈ રેલવે લાઈન પર રેલવે ઓવરબ્રિજના નિર્માણ થયા બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. તેમજ આ વિસ્તારમાં વસતીનો પણ ખૂબ વધારો થયો છે. જેથી હવે રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની નજીક પણ ટ્રાફિકની સમસ્યા વધી છે અને અહીં સ્થાનિકો દ્વારા બ્રિજ બનાવવાની ઘણા સમયથી માંગ કરવામાં આવી હતી.અને જેના પગલે રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની નજીક ગજેરા સર્કલ જંક્શન હોવાથી કન્સલ્ટન્ટ તરફથી રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની સાથે સાથે ગજેરા સર્કલ જંક્શનનો પણ સમાવેશ કરી સંયુક્ત ફ્લાય ઓવરબ્રિજનું સૂચન કરાયું છે. જેથી આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતા તેમજ આવતા રૂટ પર બી.આર.ટી.એસ. રૂટને અનુરૂપ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટેના અંદાજ મુકાયા છે. જે માટે અંદાજિત ખર્ચ રૂ.72.53 કરોડનો થશે.