
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલુ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપ્યુ. INS Vikrantની ખાસ વાત એ છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. આને 2009માં બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યુ છે.
ક્રૂ મેમ્બરના લગભગ 1,600 સભ્યો માટે ડિઝાઈન કરવામાં આવેલુ અંદાજિત 2,200 રૂમ ધરાવતુ દેશનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ અને પહેલુ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યુ.
પીએમ નરેન્દ્ર મોદી કેરળના કોચિનમાં આજે આઈએનએસ વિક્રાંતને દેશને સોંપ્યુ. આ ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે. INS વિક્રાંતને ભારતીય નૌસેનામાં સામેલ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેના દરેક ભાગની પોતાની વિશેષતાઓ છે, તેની પોતાની વિકાસ યાત્રા પણ છે. તે સ્વદેશી ક્ષમતા અને સ્વદેશી કૌશલ્યનું પ્રતીક છે. તેના એરબેઝમાં લગાવવામાં આવેલ સ્ટીલ પણ સ્વદેશી છે.
ભારતીય નૌસેનાને મળ્યો નવો ફ્લેગ
ભારતીય નૌસેનાને નવું ચિહ્ન મળ્યું. પીએમ મોદીએ કેરળના કોચ્ચિના કોચિન શિપયાર્ડમાં કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા. પીએમ મોદીએ કહ્યુ નવી નેવી નિશાની એ જુના સમયગાળાની ગુલામીની માનસિકતાના પ્રતીકથી છૂટકારો મેળવ્યો.
ભારતીય નૌસેનાનું નિશાન કે ધ્વજ બદલવામાં આવી રહ્યો છે. તિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં આવેલા બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સ્તંભનુ ચિહ્ન છે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું છે. અશોકનું પ્રતીક જેના પર છે તે છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર છે. નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં ‘शं नो वरुणः’ લખવામાં આવ્યું છે.
દેશની સૌથી મોટી પ્રાથમિકતા સુરક્ષા- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે ઈન્ડો-પેસિફિક રીજન અને ઈન્ડિયન ઓશનમાં સુરક્ષા ચિંતાઓને લાંબા સમયથી અવગણાતી હતી પરંતુ આજે આ વિસ્તાર આપણા માટે દેશની સૌથી મોટી સુરક્ષા પ્રાથમિકતા છે. તેથી અમે નૌસેના માટે બજેટ વધારવાથી લઈને તેમની ક્ષમતા વધારવા સુધી દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ.
‘INS વિક્રાંત’ની ખાસિયતો
ભારતીય નૌસેનાના સંગઠન, યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો અને બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ સાર્વજનિક વિસ્તારના શિપયાર્ડ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત સ્વદેશની વિમાન વાહકનુ નામ તેમના શાનદાર પૂર્વવર્તી ભારતના પહેલા વિમાનવાહક વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે. જેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વિક્રાંતનો અર્થ વિજયી અને વીર થાય છે. સ્વદેશી વિમાન વાહકનો પાયો એપ્રિલ 2005માં ઔપચારિક સ્ટીલ કટિંગ દ્વારા રાખવામાં આવ્યો હતો.
વિમાન વાહક બનાવવા માટે ખાસ પ્રકારના સ્ટીલની જરૂર પડે છે જેને વોરશિપ ગ્રેડ સ્ટીલ કહેવામાં આવે છે. સ્વદેશીકરણ અભિયાનને આગળ વધારતા આઈએસીના નિર્માણ માટે આવશ્યક વોરશિપ ગ્રેડ સ્ટીલને સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા અને ભારતીય નૌસેનાના સહયોગથી સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના માધ્યમથી સફળતાપૂર્વક દેશમાં બનાવવામાં આવ્યુ હતુ. જે બાદ જહાજના નિર્માણનુ કામ આગળ વધારાયુ.
જહાજ નિર્માણનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2013માં જહાજના સફળ પ્રક્ષેપણ સાથે પૂર્ણ થયો હતો. 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત 18 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલનું અંતર કવર કરી શકે છે.
મશીનરી ઓપરેશન, જહાજ શિપિંગ અને અસ્તિત્વ માટે ખૂબ જ ઉચ્ચ સ્તરના ઓટોમેશન સાથે એરક્રાફ્ટ કેરિયર, ડિઝાઇન પ્રમાણે, અત્યાધુનિક સાધનો અને સિસ્ટમોથી સજ્જ છે.
જહાજમાં મુખ્ય મોડ્યુલર ઓટી (ઓપરેશન થિયેટર) સહિત અત્યાધુનિક તબીબી સાધનોની સુવિધાઓ સાથેનું સંપૂર્ણ અત્યાધુનિક તબીબી પરિસર છે. ઈમરજન્સી મોડ્યુલર ઓટી, ફિઝિયોથેરાપી ક્લિનિક્સ, આઈસીયુ, લેબોરેટરીઝ, સીટી સ્કેનર્સ, એક્સ-રે મશીનો, ડેન્ટલ કોમ્પ્લેક્સ, આઈસોલેશન વોર્ડ અને ટેલિમેડિસિન સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે.
આ સ્વદેશી બનાવટનું અદ્યતન લાઈટ હેલિકોપ્ટર (ALH) અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) સિવાય મિગ-29ના ફાઇટર જેટ, કામોવ-31 અને MH-60 આર બહુવિધ ભૂમિકાવાળા હેલિકોપ્ટર સહિત 30 વિમાનોથી યુક્ત એરવિંગને સંચાલિત કરવામાં સક્ષમ છે.