
નવસારીના બીલીમોરા ડેપો અંતર્ગત આવતા ચીખલી ST ડેપોની 3 કરોડ ખર્ચે બનનારા અદ્યતન અને સુવિધા સભર ડેપોનું ખાતર્મુહત આજે રાજ્યના અન્ન પુરવઠા અને આદિવાસી પ્રધાન નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
નવસારી જિલ્લામાં આદિવાસી પટ્ટાના ગામડાઓ અને નેશનલ હાઈવે નં. 48 ને અડીને આવેલા ચીખલી ખાતેનું ST ડેપો જિલ્લાના અનેક ગામડાઓને જોડવામાં મહત્વની કડી છે. સાથે જ રાજ્ય અને આંતરરાજ્ય શહેરોને જોડવામાં પણ ચીખલી ડેપો મહત્વનું સાબિત થાય છે. ત્યારે મુસાફરોને સુવિધાયુક્ત ડેપો મળે અને ડ્રાઇવર કંડક્ટરોને પણ તકલીફ ન પડે એ પ્રમાણેની વ્યવસ્થા સાથેનું અત્યાધુનિક ડેપો 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાના કામના આજે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલના હસ્તે શ્રીગણેશ કરાયા હતા.
વિધિવત શાસ્ત્રોક્ત પૂજન સાથે પુરવઠા પ્રધાને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની સાથે ખાતર્મુહત કર્યુ હતુ. આ પ્રસંગે પુરવઠા પ્રધાને ST બસની સેવાઓ ખોટ ખાઈને પણ રાજ્યની પ્રજા માટે અવિરત મળી રહી હોવાની વાત સાથે બસ સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ભાવનાઓ જોડાઇ હોવાના ઉદાહરણો આપી ST વધુ સુવિધાયુક્ત બને એવા પ્રયાસો સરકાર કરી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ 3.75 કરોડના ખર્ચે બનનારા નવા ST ડેપોનું પણ ખાતર્મુહત પુરવઠા પ્રધાન નરેશ પટેલે કર્યુ હતુ.
રિપોર્ટર પ્રજ્ઞેશ કંસારા
રિયલ નેટવર્ક નવસારી