
ભારતીય સેનાએ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનાં મહિલા કેપ્ટન શિવા ચૌહાણને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાન પર તહેનાત કરવામાં આવ્યા છે. શિવા 15,632 ફૂટની ઊંચાઈ પર સ્થિત સૌથી ખતરનાક કુમાર પોસ્ટ પર ડ્યૂટી કરી રહ્યાં છે. આ પહેલીવાર છે, જ્યારે ભારતીય સેનાએ આટલી ખતરનાક પોસ્ટ પર કોઈ મહિલાને તહેનાત કરી છે. કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયર બટાલિયનનું મુખ્ય મથક છે.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે જણાવ્યું હતું કે શિવ ફાયર એન્ડ ફ્યુરી સેપર્સ છે. કુમાર પોસ્ટ પર તહેનાત થનારી પહેલી ભારતીય મહિલા છે. આ પોસ્ટ પર તહેનાત થયા પહેલાં શિવાને મુશ્કેલ ટ્રેનિંગમાંથી પસાર થવું પડ્યું છે. દિવસમાં ઘણા કલાક તો તેમને બરફની દીવાલ પર ચઢવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સત્તાવાર રીતે 14મી કોર્પ્સ કહેવામાં આવે છે. એનું મુખ્ય મથક લેહમાં છે. તેઓ ચીન-પાકિસ્તાન સરહદો પર તહેનાત છે. ઉપરાંત તેઓ સિયાચીન ગ્લેશિયરનું રક્ષણ કરે છે.
રક્ષામંત્રીએ શુભકામના પાઠવી
રક્ષામંત્રી રાજનાથ સિંહે કેપ્ટન શિવા ચૌહાણને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું- શાનદાર ખબર, મને આ જોઈને ઘણી ખુશી થઈ રહી છે કે વધુ ને વધુ મહિલાઓ સશસ્ત્ર દળોમાં સામેલ થઈ રહી છે અને દરેક પડકારનો સામનો કરી રહી છે. કેપ્ટન શિવા ચૌહાણને મારી શુભેચ્છા.
કોણ છે શિવા ચૌહાણ
ભારતની સુરક્ષામાં તહેનાત શિવા રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 11 વર્ષની ઉંમરમાં તેમના પિતાનું નિધન થયું હતું. તેમની માતાએ વાંચતા-લખતા શિખવાડ્યું છે. શિવાએ ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી(OTA)ની ટ્રેનિંગ લીધી છે. જણાવી દઈએ કે 2022માં કેપ્ટન શિવાએ કારગિલ વિજય દિવસ પર 508 કિમી(યુદ્ધ સ્મારકથી કારગિલ યુદ્ધ સ્મારક સુધી) સુરા સોઈ સાઈકલ અભિયાનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.
સિયાચીન ભારત માટે કેમ મહત્ત્વનું છે
- સિયાચીન ગ્લેશિયર લદાખમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત એક ખૂબ જ દૂરસ્થ વિસ્તાર છે. એ કારાકોરમ પર્વતમાળામાં આવેલું છે.
- સિયાચીન વિશ્વનું સૌથી ઊંચુ યુદ્ધક્ષેત્ર છે, જ્યાં છેલ્લાં 38 વર્ષથી ભારત-પાકિસ્તાન સેના આમને-સામને છે.
- 1984થી સમગ્ર 76 કિલોમીટર લાંબું સિયાચીન ગ્લેશિયર અને એના તમામ મુખ્ય પાસ ભારતના નિયંત્રણ હેઠળ છે.
- સિયાચીનની ભૌગોલિક સ્થિતિ તેને ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનાવે છે. એની એક તરફ પાકિસ્તાનના નિયંત્રણ હેઠળનો વિસ્તાર છે અને બીજી બાજુ ચીન છે.
- અહીંથી ભારત પાકિસ્તાનની સાથે સાથે ચીનની ગતિવિધિઓ પર પણ નજર રાખી શકે છે. એ જ સમયે, ભારત પાકિસ્તાન અને ચીન વચ્ચેના સૈન્ય જોડાણને અટકાવે છે, જે લદાખની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
- સિયાચીન NJ9842 બિંદુની ઉત્તરમાં છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા (LoC) સમાપ્ત થાય છે.
- સિયાચીન આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. અહીં સરેરાશ તાપમાન માઈનસ 10 ડીગ્રી સેન્ટિગ્રેડ છે. શિયાળામાં અહીં તાપમાન -50થી -70 ડીગ્રી સેન્ટિગ્રેડ થઈ જાય છે.