
ઈમરાનના સમર્થકોએ તેમના બચાવ માટે તેમના ઘરને ઘેરી લીધું
બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન અરજી પણ ફગાવી
હાલમાં મળતી માહિતી અનુસાર, પોલીસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, લાહોર પોલીસ ઈમરાનની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી ગઈ છે. ઈમરાનના સમર્થકોએ તેમના બચાવ માટે તેમના ઘરને ઘેરી લીધું હતું.
આ પહેલા કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં હાજર ન રહેવા બદલ ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી.
પાકિસ્તાની કોર્ટના ન્યાયાધીશ આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, તબીબી આધાર પર ઈમરાન ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે, ઈમરાન ખાનના વકીલે કહ્યું કે, ઈમરાન ખાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાંથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં હાજર રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ પછી કોર્ટે અરજીને ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે, કોર્ટ સામાન્ય માણસને આવી રાહત ન આપી શકે, એવામાં ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત આપી શકાય નહિ.