
– બેંગલુરુ વિશ્વનું બીજુ સૌથી વધુ ટ્રાફિક ધરાવતુ શહેર
ભારતની સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુમાં પરિવહનની સ્થિતિ ખરાબ છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ એક ઈન્ડેક્સ મુજબ, બેંગલુરુ 2022માં સિટી સેન્ટર કેટેગરીમાં વિશ્વનું બીજું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર રહ્યું છે. આ યાદીમાં પ્રથમ નંબરે લંડન છે. વર્ષ 2021માં બેંગલુરુ આ યાદીમાં 10માં ક્રમે હતું. ડચ કંપની ટોમટોમ દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડેક્સમાં 56 દેશોના 389 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આંકડા દર્શાવે છે કે બેંગલુરુની જનતાને સીબીડી વિસ્તારમાં 10 કિમીની મુસાફરી કરવામાં સરેરાશ 29 મિનિટ અને 10 સેકન્ડનો સમય લાગે છે. આ આંકડા 2022ના છે. રિપોર્ટ પ્રમાણે લંડનની સ્થિતિ ભીડના મામલામાં વધુ ખરાબ છે. ત્યાં 10 કિમીની મુસાફરી કરવામાં 36 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગ્યો હતો. ખાસ વાત એ છે કે આ યાદીમાં પુણે છઠ્ઠા, દિલ્હી 34માં અને મુંબઈ 47માં સ્થાન પર છે.
મેટ્રો વિસ્તારની શ્રેણીમાં બોગોટા ટોચ પર છે. ત્યારબાદ મનીલા, સાપોરો, લિમા આવે છે. આ યાદીમાં બેંગલુરુ 5માં સ્થાને છે જ્યારે મુંબઈ છઠ્ઠા નંબરે છે. આ ઉપરાંત નાગોયા, પુણે, ટોક્યોના નામ પણ આ યાદીમાં સામેલ છે. મેટ્રો વિસ્તારમાં બેંગલુરુના લોકોને 10 કિમીની મુસાફરી કરવામાં 23 મિનિટ અને 40 સેકન્ડનો સમય લાગ્યો હતો. જ્યારે સરેરાશ ઝડપ 22 કિમી પ્રતિ કલાક હતી. વિસ્તારો જાણો
વાસ્તવમાં, સિટી સેન્ટર 5 કિમીની ત્રિજ્યા સાથેનો શહેરી વિસ્તાર છે, જેમાં શહેરના સૌથી વ્યસ્ત ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે, મેટ્રો વિસ્તારમાં સમગ્ર પ્રદેશનો ટ્રાફિક જોવા મળે છે. જેમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં બેંગલુરુમાં મુસાફરી કરવાનો સૌથી ખરાબ દિવસ 25 ઓક્ટોબર હતો. તે દરમિયાન 10 કિમીનું અંતર કાપવામાં સરેરાશ 33 મિનિટ અને 50 સેકન્ડનો સમય લાગ્યો હતો.